લંડન
50 વર્ષ પહેલાં યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટી કરાઇ તેની વસમી યાદમાં પીટરબરો ખાતે એક વિશેષ સમારંભનું આયોજન કરાયું હતું. 1972માં ઇદી અમીન દ્વારા હાંકી કઢાયેલા 50 પરિવાર પીટરબરોમાં સ્થાયી થયાં હતાં. તેમાંના કેટલાક સ્થાનિક સમુદાયના લોકો સાથે અહીં એકઠાં મળ્યાં હતાં અને તે સમયના વસમા સંસ્મરણો તાજાં કર્યાં હતાં. સમારોહનું આયોજન સાંસદ શૈલેશ વારાના મતવિસ્તારમાં કરાયું હતું. પીટરબરોનો ઘણો વિસ્તાર તેમના મતવિસ્તારમાં સામેલ છે. સમારોહમાં શૈલેશ વારાની સાથે યુગાન્ડાના બ્રિટન ખાતેના હાઇ કમિશ્નર નિમિષા માધવાણી પણ હાજર રહ્યાં હતાં.
આ પ્રસંગે શૈલેશ વારાએ પીટરબરોમાં આગમન સમયે એશિયન પરિવારોને વેઠવી પડેલી મુશ્કેલીઓ અને વિરોધનો ઉલ્લેખ કરતાં તે સમયના કાઉન્સિલના નેતા કાઉન્સિલર ચાર્લ્સ સ્વિફ્ટની પ્રશંસા કરી હતી જેમણે સ્થાનિકોના ઉગ્ર વિરોધ છતાં એશિયન પરિવારોને પીટરબરોમાં સ્થાયી થવાનું આમંત્રણ આપ્યું હતું.
શૈલેશ વારાએ આ પરિવારો દ્વારા પીટરબરોના વિકાસમાં અપાયેલા યોગદાનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, તે સમયે બ્રિટને 28000 એશિયનોને આશ્રય આપ્યો હતો અને તેમના યોગદાનથી બ્રિટનને ઘણો લાભ થયો છે.
યુગાન્ડાના હાઇકમિશ્નર નિમિષા માધવાણીએ બ્રિટન આવેલા લોકોની હાડમારીનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, હું પણ 1972માં યુગાન્ડાથી બ્રિટન આવી હતી. યુગાન્ડાના પ્રમુખ મુસેવિની લોકોને પ્રવાસી અને રોકાણકાર તરીકે યુગાન્ડામાં આવકારી રહ્યાં છે. પીટરબરોના લોકોએ પણ યુગાન્ડાની મુલાકાત લેવી જોઇએ.
આ પ્રસંગે પીટરબરો ભારત હિન્દુ સમાજના પ્રમુખ કિશોર લાડવાએ એક કિશોર તરીકે યુગાન્ડાથી બ્રિટનમાં તેમના આગમનના અંગત અનુભવો રજૂ કર્યાં હતાં. આ પ્રસંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા ગરબાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ભોજન પીરસવામાં આવ્યું હતું.
સમારોહના સમાપન બાદ શૈલેશ વારાએ જણાવ્યું હતું કે, મારા મતવિસ્તારમાં આયોજિત આ સમારોહનો હિસ્સો બનવાની મને ખુશી છે. યુગાન્ડાથી આવેલા એશિયનોએ બ્રિટિશ સમાજના તમામ વર્ગમાં અનેરૂં યોગદાન આપ્યું છે અને આપી રહ્યાં છે. તેમણે પીટરબરોને પણ સમૃદ્ધ બનાવ્યું છે.