લંડનઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા હાઉસ ઓફ લોર્ડ્ઝ ખાતે શુક્રવાર 26 એપ્રિલ 2024ના રોજ સમર્પણ મેડિટેશન પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિમાલયના સંત પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદજી સ્વામીએ પ્રાચીન હિમાલયન યોગપદ્ધતિ વિશે વાત કરી હતી જેના થકી સકારાત્મક આધ્યાત્મિક મૂલ્યો વિકસે છે અને આંતરિક શાંતિ પેદા થાય છે. લોર્ડ ધોળકિયા OBE DLએ આ ઈવેન્ટનું યજમાનપદ સંભાળ્યું હતું.
ઈવેન્ટમાં સ્વામીજીનું સ્વાગત કરતા લોર્ડ ધોળકિયાએ જણાવ્યું હતું કે, ‘હાઉસ ઓફ લોર્ડ્ઝમાં સ્વામીજીની ઉપસ્થિતિ મહાન ગૌરવની બાબત છે. સ્વામીજી, આપશ્રીએ વૈશ્વિક શાંતિને ઉત્તેજન આપવા પ્રાચીન ધ્યાનપદ્ધતિને પ્રોત્સાહન આપવાની કામગીરી ઉપાડી લીધી છે તે આજના વિશ્વમાં જરૂરી છે. ભારત વિશે સૌથી સુંદર બાબતોમાં એક તો તેની સંસ્કૃતિ છે. ભારતીય સંસ્કૃતિ હજારો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે પરંતુ, આપણે તેના વિશે જાણીએ નહિ કે તેનો આદર નહિ કરીએ તો તે આગળ વધશે નહિ. સમયાંતરે બ્રિટિશ રાજ દ્વારા કબજો કરાયા સહિત અનેક આક્રમણો ભારત પર થયા પરંતુ, આપણે કદી આપણી સંસ્કૃતિ, મૂલ્યો અને આસ્થા ગુમાવ્યાં નથી. આપણા ખુદમાં વિશ્વાસ અને યુવાનોમાં આપણી સંસ્કૃતિને આગળ વધારવાનું કાર્ય ભારતને મહાન બનાવે છે.’
સ્વામીજીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય સંસ્કૃતિ આપણને વસુધૈવ કુટુમ્બકમની ભાવના શીખવે છે જેનો અર્થ સમગ્ર વિશ્વ એક પરિવાર હોવાનો થાય છે. આશ્ચર્ય એ થાય કે વિશ્વમાં ઈશ્વર એક નથી, ભાષા એક નથી. સમગ્ર વિશ્વમાં દરેક જણ અનુસરતા હોય તેવી આસ્થા કે ધર્મનું અસ્તિત્વ નથી ત્યારે ભારતીય સંસ્કૃતિ શા માટે વિશ્વ એક પરિવાર હોવાનું કહે છે? પ્રશ્નનો ઉત્તર યોગ છે. યોગના માર્ગ કે માધ્યમ દ્વારા સમગ્ર વિશ્વને સાંકળી શકાય છે. ગત 30 વર્ષ દરમિયાન હું વિશ્વભરમાં પ્રવાસ કરતો રહ્યો છું. યોગના આ માધ્યમ દ્વારા મેં અલગ અલગ જાતપાત, માન્યતાઓ, સંસ્કૃતિઓ અને દેશોના લોકોને સાંકળ્યા છે. મારા 30 વર્ષના અનુભવથી હું કહી શકું છું કે યોગ એકમાત્ર માધ્યમ છે જેનાથી વિશ્વને સાંકળી શકાય.’
સ્વામીજીએ જણાવ્યું હતું કે, ‘ યોગનું શારીરિક કસરત તરીકે ખોટું અર્થઘટન થઈ રહ્યું છે. હું સમગ્ર વિશ્વને કહેતો રહ્યો છું કે યોગાસનો એ યોગ નથી. યોગાસન માત્ર તમારા સ્નાયુઓ અને શરીરને મજબૂત બનાવી શકે છે પરંતુ, તમારું ચિત્ત (અંતરમન, મનોસ્થિતિ) નબળી જ રહેશે. ઈશ્વર આપણી અંદર જ છે, જે હું માનું છું. તમે પવિત્ર આત્મા છો તેમ કહેવાનું શરૂ કરી દો. તમે કેવા છો તે ભૂલી જાવ, તમારું ચિત્ત મજબૂત બનશે તેની સાથે તમે તમારા જીવનમાં પ્રચંડ પરિવર્તનનો અનુભવ કરવા લાગશો. 800 વર્ષ પુરાણી હિમાલયન યોગપદ્ધતિ તમારા મજબૂત ચિત્તના નિદેશક ઓરા-આભામંડળને મજબૂત બનાવવામાં મદદ કરશે.’
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક અને એડિટર-ઈન-ચીફ સીબી પટેલે જણાવ્યું હતું કે, ‘ આ ઐતિહાસિક ઈમારત સ્વામીજીના મુખે અલગ પ્રકારના પ્રવચનની સાક્ષી બની છે. ભારત હવે માત્ર આર્થિક પાવર નહિ પરંતુ, આધ્યાત્મિક સત્તા પણ બન્યું છે. લોર્ડ ધોળકિયાનો આભાર માનીએ કારણકે તેમના વિના આ પ્રવચન શક્ય બન્યું ન હોત. પારસ મેશેરી આપણી સંસ્કૃતિ અને વિરાસતના રાજદૂત છે.’
આ ઈવેન્ટના ઉદ્ઘોષિકા તથા ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનમાં પ્રોજેક્ટ ડાયરેક્ટર અને ડિજિટલ એસેસમેન્ટ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામના વડા એમ્મા ડોલમાને જણાવ્યું હતું કે, ‘ પ્રાચીન હિમાલયન પદ્ધતિ સમર્પણ મેડિટેશન તમામ માટે ખુલ્લી છે, નિઃશુલ્ક છે અને ધર્મ, જાતિ કે વયથી બંધાયેલી નથી. દિવસમાં માત્ર 30 મિનિટના ધ્યાનથી તે સકારાત્મક આધ્યાત્મિક મૂલ્યોનો વિકાસ કરે છે અને આંતરિક શાંતિનું સર્જન કરે છે. દરેક ખંડમાં 65 દેશોમાં સમર્પણ મેડિટેશનનું પ્રતિનિધિત્વ છે. વિશ્વભરમાં યુકે સહિત 13 ટ્રસ્ટો અને 26 આશ્રમ/ રીટ્રીટ સેન્ટર્સ સાથે 200,000થી વધુ ધ્યાનીઓ જોડાયેલા છે.’
ઓડિયન્સ સાથે પ્રશ્નોત્તરીઃ
• સુભાષ ઠકરારે પ્રશ્ન કર્યો હતો કે, ‘ સ્વામીજી આપને આ ઐતિહાસિક હાઉસ ઓફ લોર્ડ્ઝ ઈમારતમાં કેવા પ્રકારના તરંગો-કંપનોનો અનુભવ થયો? શું વિપશ્યના આપણને મદદ કરી શકે?
સ્વામીજીએ સમજાવ્યું હતું કે, ‘મને અહીં આવતા 10 વર્ષ લાગી ગયા છે. આનો અર્થ એ કે અહીં કશું બરાબર ન હતું. હવે પોઝિટિવ એનર્જી જણાય છે. વિપશ્યના-વિપસ્સના આત્મનિરીક્ષણની ધ્યાનપદ્ધતિ છે પરંતુ, મારું ફોક્સ આજ્ઞા ચક્ર પર રહે છે કે જે વિપસ્સના કરતા એક સ્તર ઊંચે છે.’
• તૃપ્તિ પટેલે પ્રશ્ન કર્યો હતો કે, ‘આપણે હવે ભારત વિશે મહાગૌરવ ધરાવીએ છીએ અને તેનું નીચાજોણું જોઈ શકીએ નહિ. કેટલાક નકારાત્મક બળો ભારતની પ્રગતિને અવરોધી શકે ખરાં?
સ્વામીજીએ કહ્યું હતું કે,‘ ભારત શક્તિશાળી છે કારણકે સંખ્યાબંધ લોકો ધ્યાન ધરી રહ્યા છે. પ્રાઈમ મિનિસ્ટર મોદી યોગ કરે છે અને યોગને પ્રોત્સાહન પણ આપે છે. આથી જ તમે છેલ્લાં 10 વર્ષમાં થયેલી પ્રગતિ નિહાળી રહ્યા છો. યુકે પણ હવે યોગ્ય માર્ગ પર છે.’
લોર્ડ ધોળકિયા અને સીબી પટેલે કોમ્યુનિટી, સંસ્કૃતિ અને મૂલ્યોને મજબૂત બનાવવા તેમજ સમાજમાં આંતરિક શાંતિ અને કલ્યાણને આગળ વધારવાના સ્વામીજીના અથાક પ્રયાસો બદલ સ્વામી શિવકૃપાનંદજીને ‘ગ્લોબલ પીસ એન્ડ વેલનેસ એમ્બેસેડર’ના પ્રશસ્તિપત્ર થકી સન્માનિત કર્યા હતા.
સમર્પણ યુકેના મેનેજિંગ ટ્રસ્ટી પારસ મેશેરી અને ABPL ગ્રૂપ એડિટર મહેશ લિલોરિયા દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો.