લંડનઃ મ્યુઝિક કમ્પોઝર એ આર રહેમાને ૮ જુલાઈએ વેમ્બલી એરેનામાં એક કોન્સર્ટ આપ્યો તેના એક અઠવાડિયા પછી તેઓ ભાષાકીય વિવાદમાં સપડાયા હતા. પ્રેક્ષકોનું એક જૂથ રહેમાને હિંદી કરતાં તમિળ ગીતો વધુ રજૂ કર્યા તેવો આક્ષેપ કરીને નારાજ થઈને કાર્યક્રમ અધવચ્ચે છોડીને જતું રહ્યું તે વાત સોશિયલ મીડિયામાં ચર્ચાતી હતી.
આ શો ખરેખર તો નવેમ્બર, ૨૦૧૬માં થવાનો હતો. પરંતુ, તે રદ થયો અને જુલાઈ ૨૦૧૭ પર મુલતવી રહ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કાર્યક્રમના સ્પોન્સર પણ બદલાઈ ગયા હતા. યુકેમાં રહેતા ઘણાં ભારતીયોએ ટિકિટ બુક કરાવી હતી. કેટલાક લોકોએ રહેમાનના ફેસબુક પર વાંચીને, કેટલાકે શોપ પરના પોસ્ટરો વાંચીને અને કેટલાકે સોશિયલ મીડિયા પરના મેસેજ વાંચીને ટિકિટ બુક કરાવી હતી. ટિકિટના દર અલગ અલગ હતા અને એરેનાની ક્ષમતા ૧૨,૫૦૦ લોકોને સમાવવાની છે. શો શરૂ થયો અને રહેમાને ૨૫ વર્ષની સંગીતયાત્રાની ઝલક રજૂ કરી. પરંતુ, કેટલાક પ્રેક્ષકો જે ગીતો વાગતા હતા તેની ભાષા સમજમાં ન આવતા રોષે ભરાઈને ઉભા થઈને ચાલવા લાગ્યા. આ અંગે તેમણે ટ્વીટ કર્યા, આયોજકોને લેખિતમાં જાણ કરી અને મીડિયા તેમાં સામેલ થયું. કોમ્યુનિટી અખબાર તરીકે કેટલાક લોકોએ એશિયન વોઈસ/ગુજરાત સમાચારનો સંપર્ક સાધ્યો.
લોકોએ જે બાબત પર ધ્યાન ન આપ્યું તે સાચી વાત એવી છે કે કોઈને ગમે નહી અને જેનો અર્થ ન સમજી શકે તેવા ગીત સાંભળવાની વાત નથી. પરંતુ, શોમાં શું રજૂ થશે તે ખાસ કરીને તો રકમ ચૂકવી હોય ત્યારે જાણતા ન હોવાની લાગણી મુખ્ય કારણ હતી.
પહેલી વાત તો એ હતી કે શોનું ટાઈટલ ‘ ગઈકાલ, આજ અને આવતીકાલ. સંગીત યાત્રાના ૨૫ વર્ષ’. કેટલાક લોકોએ શોનું ટાઈટલ ‘નેતૃ, ઈન્દ્રુ, નલાઈ’ એટલે કે ‘ ગઈકાલ, આજ અને આવતીકાલ’ હોવાનો દાવો કર્યો હતો. પ્રશ્ર એ છે કે આમાં સાચું કોણ ? સાચું એ છે કે બન્ને સાચા છે. સ્ટ્રીટ્સ, શોપ્સ અને સોશિયલ મીડિયામાં જે પોસ્ટરો હતા તેમાં ‘ 'A R Rahman live 2017, celebrating his musical journey: yesterday, today and tomorrow.' લખેલું હતું. રહેમાને પોતે ‘નેતૃ, ઈન્દ્રુ, નલાઈ’ રજૂ કરવાની પોસ્ટ મૂકી હતી. રહેમાનના ઘણા પ્રશંસકોએ તે પોસ્ટ જોઈને ટિકિટ ખરીદી હતી. પરંતુ, જે લોકો તેમની બોલિવુડની લોકપ્રિયતાની વાકેફ હતા તેઓ ટિકિટ ખરીદવામાં આગળ હતા. જોકે, રહેમાને તેમની પોસ્ટમાં તમિળ શબ્દોનો ઉપયોગ કર્યો હતો કે કેમ તેની હજુ ચોક્કસ ખબર નથી.
બીજું કારણ એ કે ભારતીય મીડિયાએ એવા અહેવાલ આપ્યા કે શોમાં ૧૬ હિંદી અને ૧૨ તમિળ ગીતો રજૂ થયા હતા. જોકે, એશિયન વોઈસ/ગુજરાત સમાચારએ શો જોનારા તમિળ અને બિન તમિળ બન્ને પ્રેક્ષકોનો સંપર્ક કર્યો હતો. તેમાંના મોટાભાગના દર્શકોએ કહ્યું કે શોમાં હિંદી કરતાં તમિળ ભાષાના ગીતો વધુ રજૂ થયા હતા. થોડા લોકોએ જ જણાવ્યું કે બન્ને ભાષાના ગીતોની સંખ્યા એક જ હતી.
સુજાતા મેનને જણાવ્યું હતું,‘ અમે જાણતા હતા કે આ શોમાં તમિળ ગીતો વધુ હશે કારણ કે ગયા માર્ચમાં રહેમાને જ ફેસબુક અને ટ્વીટર પર તેવી જાહેરાત કરી હતી અને નવા ગાયકોને સામેલ કરીને તમિળ ગીતોનો કાર્યક્રમ હોવાનું જણાવ્યું હતું. મેં નવેમ્બરમાં ટિકિટ ખરીદી હતી, જે માર્ચ પર મુલતવી રહ્યો હતો. ભાષાને લીધે નહીં પરંતુ, તારીખ અનુકુળ ન હોવાથી રિફંડ આપ્યું હતું. જોકે, કેટલીક સ્પોન્સર્ડ એડ અને રહેમાનના ફેસબુક-ટ્વીટર પેજના અપડેટ્સમાં આ શો કેવો હશે તેની ઝલક હતી. સ્પોન્સરો બદલાઈ ગયા અને થીમ પણ બદલાઈ તે સ્મસ્યા હતી. જોકે, સ્પોન્સરોએ જેમણે નવેમ્બર/માર્ચમાં ટિકિટો ખરીદી હતી તેમને તેની યોગ્ય રીતે જાણ કરી ન હતી.’
ભાવના ઝોડગેએ જણાવ્યું હતું,‘ અમે ટિકિટ માસ્ટર પાસેથી ટિકિટો ખરીદી હતી અને તેનું ટાઈટલ ‘૨૫ વર્ષની સંગીતની ઉજવણી’ હતું. તેમાં ‘ ગઈકાલ, આજ અને આવતીકાલ’ અથવા . ‘નેતૃ, ઈન્દ્રુ, નલાઈ’ એવો કોઈ ઉલ્લેખ ન હતો.તેથી અમે જ્યારે ટિકિટો ખરીદી ત્યારે અમને તેની જાણ ન હતી.’
પ્રીતિ બસરાએ જણાવ્યું હતું,‘ હું કોમ્પ્લિમેન્ટરી ટિકિટો જીતી હતી અને મેં શોના સ્થળે માત્ર ‘નેતૃ, ઈન્દ્રુ, નલાઈ’ જોયું હતું, જોકે, મેં તેમના અગાઉના શો જોયા હતા એટલે મને ખબર હતી કે શોમાં તમિળ ગીતો પણ હશે. આ શોમાં તમિળ/હિંદી ગીતોનું પ્રમાણ ૬૦/૪૦ હતું. મને ગમતા કેટલાક હિંદી ગીતો રજૂ ન થતાં હું થોડી નિરાશ થઈ હતી. મુદ્દો એ છે કે જે દર્શકોએ ટિકિટના નાણા ખર્ચ્યા હોય તેમની અપેક્ષા સંતોષાવી જોઈએ. જે પ્રેક્ષકો તમિળ વાંચી ન શકતા હોય તેમણે તમિળ ભાષામાં પોસ્ટર જોયા હોય તો તેમને એમ લાગે કે અન્ય ભાષામાં પણ જાહેરાત કરાઈ છે. સરળ અંગ્રેજીમાં તેની વિગતો અપાઈ હોત તો લોકોને પસંદગીનો વિકલ્પ મળ્યો હોત અને છેતરાયાની કે નિરાશ થયાની લાગણી ન થાત.’
નસરત ફાતિમાએ જણાવ્યું હતું,‘ તમામ તમિળ ગીતો મને ખૂબ ગમ્યા અને હું તેના તાલે નાચી હતી. હિંદી ગીતો પણ ખૂબ હળવા હતા અને લોકોએ તેનો આનંદ માણ્યો હતો. શોમાં તમિળ/હિંદી ગીતોનું પ્રમાણ ૬૦/૪૦ હતું.
સંગીતા મણિએ જણાવ્યું હતું,’ ૭૦ ટકા તમિળ અને ૩૦ ટકા હિંદી ગીતો હતા. મારા મમ્મી હિંદીભાષી અને પિતા તમિળભાષી છે. મને બન્ને ભાષાના ગીતો ગમ્યા. શો કોઈપણ રીતે અયોગ્ય હતો એવું હું જરાપણ માનતી નથી. હકીકતે હું માનું છું કે મારી સાથે બેઠેલા હિદી ભાષી મિત્રોને સમજ ન પડતી હોવાથી તેઓ જતા રહ્યા હતા.
સોનમ પ્રસાદે જણાવ્યું હતું,‘ શોમાં આમ તો ખૂબ મઝા આવી પરંતુ, હિંદી ગીતો ઓછા હોવાથી થોડીક હતાશા થઈ. હું તમિળ ગીતો માટે ફરિયાદ કરતી નથી, પરંતુ શોમાં બોલિવુડના લોકપ્રિય ગીતો ખૂબ ઓછા હતા.’
કોન્સર્ટમાં મુદ્દો ભાષાના વર્ચસ કે તરફેણનો ન હતો. લોકોની ટીકા પરથી સ્પષ્ટપણે જણાય છે કે
ગીતોની જે પસંદગી કરવામાં આવી તે સમસ્યા હતી. સામાન્ય વ્યક્તિ તો જેની આશા હોય તેની સાથે જ શો જોવા જાય અને નાણા ખર્ચ્યા હોય એટલે હતાશ થાય.