લંડનઃ આ વર્ષે ભારતની આઝાદીના ૭૦ વર્ષની ઉજવણી ઈંગ્લેન્ડમાં થઈ રહી છે ત્યારે ભારતમાં ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વિશે જાણીતા ફોટોગ્રાફર રાહુલ ગજ્જરના ફોટોગ્રાફ્સનું પ્રદર્શન નહેરુ સેન્ટર ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આર્ટકોર દ્વારા ખૂલ્લું મુકાશે. પ્રદર્શનનું ઉદ્ઘાટન સોમવાર ૩૦ ઓક્ટોબર ૨૦૧૭ની સાંજે કરાશે અને શુક્રવાર ૩૦ નવેમ્બરની સાંજ સુધી જોઈ શકાશે. આ પ્રદર્શનનો વિષય વડોદરાનો પ્રભાવી ઈન્ડો-સેરસેનિક સ્થાપત્ય વારસો છે. આ સ્થાપત્યોની ડિઝાઈન બ્રિટિશ સ્થપતિઓએ તૈયાર કરી હતી.
ગુજરાતના વડોદરામાં રહેતા રાહુલ (સચાણીઆ) ગજ્જર એમ.એસ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટ્સમાંથી ૧૯૮૩માં ઉત્તીર્ણ થયા હતા. તેઓ મૂળતઃ એડવર્ટાઈઝિંગ ફોટોગ્રાફર છે પરંતુ, ફાઈન આર્ટ ફોટોગ્રાફીમાં ઊંડો રસ ધરાવે છે. તેમણે આર્કિટેક્ચર, હેરિટેજ, એન્વિરોન્મેન્ટ અને વાઈલ્ડ લાઈફ જેવા વ્યાપકતા ધરાવતા વિષયોમાં સ્પેશિલાઈઝેશન કર્યું છે. તેમણે ભારતને ન્યૂ મીડિયા આર્ટિસ્ટ (ડિજિટલ આર્ટ)ના માધ્યમનો પરિચય કરાવ્યો છે. વિશ્વભરમાં તેમના ફોટોગ્રાફ્સ અને ડિજિટલ આર્ટવર્ક્સનું પ્રદર્શનો યોજાયાં છે.
તેમણે ગત ત્રણ દાયકા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટ ચાંપાનેર-પાવાગઢના ફોટોગ્રાફિક દસ્તાવેજીકરણમાં ગાળ્યા છે. અલગ અલગ મોસમ અને સમયે આ વિસ્તારના મિજાજને ઝીલતી ૫૫,૦૦૦થી વધુ તસ્વીરોનો સંગ્રહ તેમણે કર્યો છે. તેઓ હાલ ભારતની ૩૦ વર્તમાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ ઓફ ઈન્ડિયાના ડોક્યુમેન્ટેશન સાથે સંકળાયેલા છે. તેમણે અત્યાર સુધી ભારતમાં ૧૮ અને વિદેશમાં ૧૨ સાઈટ્સની તસ્વીરો કેમેરામાં કંડારી છે. ફોટોગ્રાફી ક્ષેત્રે તેમના પ્રદાનને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે ૨૦૧૩માં તેમને ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ એનાયત કર્યો હતો.