લંડનઃ સમાજસેવાના ઉમદા કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશથી ૨૬ માઈલની કેનેરી વ્હાર્ફથી વેસ્ટફેરી સુધીની લંડન મેરેથોન રવિવાર, ૨૩ એપ્રિલે યોજાઈ હતી. તેમાં નાના મોટા ૪૦,૦૦૦ દોડવીરોએ વિક્રમજનક સંખ્યામાં ભાગ લીધો હતો.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ પણ સમગ્ર વર્ષ દરમિયાન કેટલાંક બહૂમૂલ્ય ઉદેશોને સમર્થન આપનાર બ્રાન્ડ તરીકે ઉભર્યા છે. ૨૦૦૦માં શરૂ કરાયેલા એશિયન એચિવર્સ એવોર્ડ દ્વારા સમાજસેવાના ઘણાં અભિયાન માટે અત્યાર સુધીમાં લાખો પાઉન્ડ એકત્ર કરાયા છે અને તેનો હેતુ ભાવિ પેઢીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો છે. કોમ્યુનિટીમાં ઘણાં પરોપકારી લોકોને જોતાં અમે યુકેને વધુ મહાન અને સમાજલક્ષી બનાવવામાં તેમણે કરેલા કાર્યોને બિરદાવવા માટે ૨૦૧૬માં ‘એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ’ શરૂ કર્યા છે.
ચાર વર્ષીય કિયારા અગ્રવાલ લંડન મેરેથોનમાં ભાગ લેવા તૈયાર થવા રવિવારે સવારે વહેલી ઉઠી હતી. ઉત્સાહી દોડવીરોને પાણી અને સ્વીટ્સ વહેંચવા અને તેમનો ઉત્સાહ વધારવા પિતા ક્રિષ્ણ અગ્રવાલ અને માતા રિકી અગ્રવાલ સાથે સવારે ૯ વાગ્યા સુધીમાં કેનેરી વ્હાર્ફ પહોંચવા નીકળી હતી. દોડવીરો કિયારા સામે સ્મિત સાથે પાણીની બોટલ અને સ્વીટ્સ લેવા રોકાતા હતા. તેણે પૂછ્યું પણ ખરું કે બાળકોની મેરેથોન છે ? મારે દોડવું છે. તેના પિતા ક્રિષ્ણ પણ વોલન્ટિયરીંગ કરતા હતા અને તેમની પુત્રીને ઉદાહરણ પૂરું પાડવા માગતા હતા. યુકેમાં રહેતા ભારતીય તરીકે લંડન મેરેથોન જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેવાથી સામાજિક તાણાવાણામાં આપણે ગૂંથાયેલા છીએ તેનો મહત્ત્વનો સંદેશો ફેલાવવામાં મદદરૂપ થાય છે. વોલન્ટિયરીંગ એ સામાજિક પ્રત્યેની આપણી જવાબદારી પૂરી કરવાની દિશામાં એક તક છે અને અન્ય લોકો દ્વારા કરવામાં આવી રહેલા પ્રયત્નોને બીરદાવવાનો એક માર્ગ છે. કિયારાની માતા રિકીએ જણાવ્યું હતું કે આખા પરિવાર માટે આ અદભૂત અનુભવ હતો.
મેરેથોનના બીજા છેડે વેસ્ટફેરી ખાતે દોડવીરોને પ્રોત્સાહન પૂરું પાડવા હાજર રહેલાં અમારા એસોસિએટ એડિટર રુપાંજના દત્તાએ જણાવ્યું હતું કે ઉમદા હેતુ માટે આટલી મોટી સંખ્યામાં લોકોને દોડતા જોવા ખૂબ આનંદદાયક છે.
કેનેરી વ્હાર્ફમાં રનરોને જોતાં ગીતા ચુગે જણાવ્યું હતું,‘ અમે દર વર્ષે દોડવીરોને ઉત્સાહિત કરવાં આવીએ છીએ. લીનાએ ગાંધીજીના પહેરવેશમાં એક દોડવીર જોયો હતો. તેણે કહ્યું,‘મારી પહેલી પ્રતિક્રિયા હતી, વાહ, તે આબેહુબ ગાંધીજી જેવો લાગે છે. આપણા રાષ્ટ્રપિતાના વેશમાં કોઈને જોવાથી ખૂબ આનંદ આવે છે.’
જોનાથન ચાર વર્ષની વયથી લંડન મેરેથોન જુએ છે. તેણે કહ્યું,‘ પહેલી લંડન મેરેથોન યોજાઈ તેને ૩૭ વર્ષ થઈ ગયા તે માનવું ખૂબ મુશ્કેલ લાગે છે. ગ્રીનીચ પાર્ક ખાતે હું મેરેથોન જોવા જતો. મોર્નિંગ વોક માટે આવેલા સંજીવ રોયે જણાવ્યું હતું કે ‘મેરેથોનમાં ભાગ લેવા ઘણાં ટુરિસ્ટ અને સમાજના તમામ વર્ગના લોકો આવ્યા છે.’
ઘણાં એશિયનો પોતાના અલગ કારણોસર દોડ્યા. ITVના ટીવી પ્રેઝન્ટર નીના હુસૈને આ દોડ ચાર કલાકથી ઓછા સમયમાં પૂરી કરવાનો પ્રયાસ કર્યો. કેમ્બ્રીજના સાઈકિઆટ્રીસ્ટ ડો. પૂર્વી પટેલ સ્થાનિક પ્રાઈમરી સ્કૂલના માનસિક વિકલાંગ વિદ્યાર્થીઓ માટે પુસ્તકો ખરીદવા ભંડોળ એકઠું કરવા દોડ્યાં હતાં.