ફેબ્રુઆરી ૨૦૧૮માં વિશ્વશાંતિ અને એકતા માટે સનાતન ધર્મભૂષણ પ.પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી અને દિલ્હીના જૈન આચાર્ય ડો. લોકેશ મુનીજીના સહિયારા સહકાર સાથે એક સુંદર અને ભવ્યાતિભવ્ય કાર્યક્રમ ‘વસુધૈવ કુટુમ્બકમ્’નું આયોજન કરવામાં આવ્યું હતું. તા. ૧૮મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી રાજરાજેશ્વર ગુરુજી અને યુ.કે.થી એમની સાથે યુ.કે.ના મહારાણીના પ્રતિનિધિ અને સ્કોટલેન્ડ યાર્ડના ચીફ સુપ્રિન્ટેન્ડેન્ટ શ્રી સાયમન ઓવન્સ, બ્રેન્ટ કાઉન્સિલના મેયર કા. ભગવાનજી ચૌહાણ અને હેરોના સૌ પ્રથમ ગુજરાતી ભૂતપૂર્વ મેયર કા. અજય મારુ, હેરો ઈસ્ટના એમ.પી. બોબ બ્લેકમેન, બીજેપી યુ.કે.ના પ્રેસિડેન્ટ કુલદીપ શેખાવત સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી કોહલી, દિલ્હીના જૈનાચાર્ય ડો. લોકેશ મુનીજી અને ઈન્દોરના રાષ્ટ્રીય સંઘના શ્રી ભૈયુજી મહારાજ અને અનેક સંતો જેવા કે દેવીનિધિ, દેવી નેહા સારસ્વત ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ શુભેચ્છા સંદેશ પાઠવી આ ભાતીગળ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી.
આ કાર્યક્રમ અગાઉ તા. ૧૨મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતના ડે. ચીફ મિનિસ્ટર શ્રી નીતિનભાઈ પટેલે શ્રી રાજરાજેશ્વર ગુરુજી અને યુ.કે.થી આવેલા સર્વે મહાનુભાવોનું ઉષ્માભેર ભવ્ય સ્વાગત કર્યું હતું.
તા. ૧૩મી ફેબ્રુઆરીએ જૈનાચાર્ય લોકેશ મુની, ભાગવતાચાર્ય દેવી નેહા અને દેવી નિધિ સારસ્વતી અને યુ.કે.થી પધારેલ સર્વે મહાનુભાવોની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ મિનિસ્ટર શ્રી વિજય ગોયેલ દ્વારા પૂ. ગુરુજીને હિંદુ એમ્બેસેડરનો એવોર્ડ એનાયત કર્યો હતો અને તા. ૧૪મીએ આગ્રાના મેયર શ્રી જૈને પણ ગુરુજી અને સર્વે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. મારવાહ સ્ટુડિયો, નોઈડા દિલ્હીના શ્રી સંદિપ મારવાહ દ્વારા ૧૪મીએ પૂ. ગુરુજી અને હેરોના ભૂતપૂર્વ મેયર કા. અજયભાઈ મારુનું એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને અદાવાદ સહિતના તમામ કાર્યક્રમના કો-ઓર્ડિનેટર અને સ્પોન્સર અમદાવાદના શ્રી વિરાજભાઈ દેસાઈ રહ્યા હતા.
પ.પૂ. ગુરુજીએ એમના મનનીય અને પ્રશંસનીય વક્તવ્યમાં ભગવાન આવા સર્વે મહાનુભાવોને દેશની સેવા નિમિત્તે અનેક સત્કાર્યો કરાવે એવા આશીર્વચન પાઠવ્યા હતા. ભારતના સર્વે સમાચારપત્રો, ન્યૂઝ પેપરોએ આ તમામ કાર્યક્રમોની નોંધ લઈ વિગતવાર સમાચાર છાપ્યા હતા.
અંતે ‘વસુધૈવ કુટુંબકમ્’ના સ્વપ્નદૃષ્ટા અને ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ હેરો-લંડન (યુ.કે.)ના સ્થાપક ધર્મભૂષણ રાજરાજેશ્વર ગુરુજીને ખૂબ ખૂબ શુભેચ્છાઅો.