લંડનના ક્વીન્સબરી ખાતે ૩.૫ મિલીયન પાઉન્ડના ખર્ચે તૈયાર થનાર શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના પાંચ માળના ભવ્યાતિભવ્ય શ્રી સ્વામિનારાયણ મંદિરના શિલાન્યાસનો અદ્ભૂત કાર્યક્રમ તા. ૩ને રવિવારે સાંજે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના (SMVS) સ્થાપક અને ગુરુવર્ય પ. પૂ. શ્રી દેવનંદન સ્વામી - બાપજીએ વિડીયો દ્વારા આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે "આ મંદિરના પાયામાં સૌ હરિભક્તિએ ઓછામાં ઓછી એક ઈંટની પણ સેવા કરવી જોઇએ અને આ સેવા કરનાર સૌ આ લોક અને પરલોકમાં ખૂબ જ સુખી થશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ભક્તોને વ્યક્તિગત મહાપૂજાનો લાભ મળ્યો હતો. દરેક ભક્ત દ્વારા મહાપૂજામાં પૂજન કરાયેલ ઈંટ મંદિરના પાયામાં વાપરવામાં આવશે. આ પ્રસંગે ભારતથી પધારેલા સંસ્થાના વરિષ્ઠ સંત પ. પૂ . સત્યસંકલદાસજી સ્વામીએ પોતાની દિવ્યવાણી દ્વારા આપણા સૌના જીવનમાં મંદિરનું મહત્વ અને મંદિરની સેવાના મહત્વ વિષે માહિતી આપી હતી.
શ્રી સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાના (SMVS) સ્થાપક ગુરુવર્ય પ. પૂ. શ્રી દેવનંદન સ્વામી - બાપજી દ્વારા મહાપૂજા કરાયેલી પાયાની પ્રથમ ઈંટના દર્શન પણ ભાવિક ભક્તોએ કર્યા હતા. જે ઇંટ મંદિરના પાયામાં વાપરવામાં આવશે.
આ શિલાન્યાસ કાર્યક્રમમાં બ્રેન્ટ બરોના નેતા મુહમ્મદ બટ્ટ, બ્રેન્ટના મેયર કાઉન્સિલર ભગવાનજીભાઇ ચૌહાણ, વાસક્રોફ્ટના શશીભાઇ વેકરીયા, આર્કિટેક્ટ કિશોરભાઇ વેકરીયા, અોવરસીઝ ફ્રેન્ડ્ઝ અોફ બીજેપીના લાલુભાઇ પારેખ, સ્થાનિક કાઉન્સિલર્સ, સામાજીક અગ્રણીઅો અને સ્થાનિક મહેમાનો સહિત યુકે, ભારત અને અમેિરકાથી મોટા પ્રમાણમાં સત્સંગીઅો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ મહાપૂજા અને પ્રસાદનો લાભ લીધો હતો.