બ્રિટનભરમાં માર્ચ મહિના દરમિયાન યોજાયેલા "માતૃ વંદના" કાર્યક્રમોની સફળતા બાદ તા. ૧૭ જૂનના રોજ નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના મેસફીલ્ડ સ્યુટ ખાતે યોજાયેલા "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" ગીત સંગીત કાર્યક્રમને શાનદાર સફળતા મળી હતી. ફાધર્સ ડે પ્રસંગે તૈયાર કરાયેલ વિવિધ લેખોથી સમૃધ્ધ પિતૃ વંદના વિશેષાંકનું તા. ૧૮ના રોજ સાંજે આનંદ મેલા ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. પોતાના પરિવાર, બાળકો અને સમાજ માટે આકરી મહેનત કરનાર પિતાની સેવાઅોને ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા આપ સૌના પ્રિય સાપ્તાહિકો "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના સહયોગથી શનિવાર તા. ૨૪ના રોજ કાર્ડીફ ખાતે હિન્દુ કાઉન્સિલ વેલ્સ દ્વારા અને રવિવાર તા. ૨૫ના રોજ બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર ખાતે "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
તા. ૧૭ના રોજ શનિવારે ફાધર્સ ડેની પૂર્વ સંધ્યાએ બ્રિટનમાં ખૂબજ લોકપ્રિય અને દિગ્ગજ ગાયક કલાકારો માયા દીપક, મોહમ્મદ ફહાદ, રાજા કાશૈફ, રોકી, રૂબાયત જહાન અને તેમના ચાર ચુનંદા સંગીતકારોના સથવારે પિતૃ વંદના ભૂલી બિસરી યાદે કાર્યક્રમને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રોતાઅોએ મનભરીને માણ્યો હતો. તુઝે સુરજ કહું યા ચંદા, પાપા કહેતે હૈ બડા નામ કરેગા, જો વાદા કીયા વો નિભાના, અો મેરી જહોરો જભી, મધુબનમે રાધિકા નાચે રે, પરદા હૈ પરદા હૈ, એક પ્યાર કા નગમા હૈ, અહેસાન તેરા હોગા મુઝ પર અને બોલીવુડની હિન્દી ફિલ્મોના મશહૂર ગીતો રજૂ કરાતા હોલ તાળીઅોના ગડગડાટથી ગાજી ઉઠ્યો હતો. શ્રોતાઅોની દાદ અને તાળીઅોથી ખુશ ગાયક કલાકારોએ પણ સમયની પરવા કર્યા વગર રાતના લગભગ ૧૦-૩૦ સુધી પોતાના મધુર અવાજમાં વિવિધ ગીતો રજૂ કર્યા હતા. શ્રોતાઅોએ ફરમાયશી ગીતો માટે કરેલા આગ્રહને પણ કલાકારોએ માન્ય રાખી પોતાના સુમધુર અવાજમાં શ્રોતાઅો સમક્ષ એક પછી એક મનમોહક ગીતો રજૂ કરીને સૌને ઝૂમતા કરી દીધા હતા.
ફાધર્સ ડે કાર્યક્રમમાં ઉપસ્થિત પરિવારો અને ખાસ કરીને કેટલાક વયસ્ક પિતાઅોને જોઇને ગાયક કલાકાર રોકીના પત્ની રીનાબેન (નાગરેચા બ્રધર્સની ભાણી અને જયાબેનના દિકરી)નું હ્રદય ભરાઇ આવ્યું હતું અને ઉપસ્થિત સૌ શ્રોતાઅોને આઇસક્રિમની ટ્રીટ આપતા શ્રોતાઅોએ તેમને તાળીઅોના ગડગડાટથી વધાવી લીધા હતા. કાર્યક્રમના પૂર્વે સૌએ ગિરીરાજ કેટરીંગ દ્વારા ખાસ તૈયાર કરાયેલ મધુર શાકાહારી ભોજન લીધું હતું.
કોકિલાબેન પટેલે તેમજ કમલ રાવે સર્વે ગાયક કલાકારો, સંગીતકારો, ટિકીટ વેચાણમાં મદદકરનાર વિડીયોરામા, બોલિવુડ પાન સેન્ટર, પાનાચંદ પાન સેન્ટરના સંચાલકો, મેસફીલ્ડ સ્યુટના સ્ટાફ, કાર્યક્રમમાં ભોજન પૂરૂ પાડનાર ગીરિરાજ કેટરર્સ, ગુજરાત સમાચાર એશિયન વોઇસના સાથી સદસ્યો તેમજ ઉપસ્થિત શ્રોતાઅોનો આભાર વ્યક્ત કર્યો હતો.
પિતૃ વંદના વિશેષાંકનું વિમોચન
આપણા સૌના જીવનને સુખ-સમૃધ્ધીથી ભરપૂર કરનાર પિતા, બાપુજી, પપ્પા, ડેડ જેવા નામથી સંબોધતા પિતાજીને શબ્દો દ્વારા અંજલિ આપવા પિતૃ વંદના વિશેષાંકનું વિમોચન ફાધર્સ ડેના દિવસે હેરો લેઝર સેન્ટર સ્થિત આનંદ મેળા ખાતે તા. ૧૮ જૂનના રોજ સામી સાંજે કરાયું હતું. જેમાં ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના તંત્રી શ્રી સીબી પટેલે બન્ને સાપ્તાહિકોની સેવાઅો વિષે માહિતી આપી માતૃ વંદના અને હવે પિતૃ વંદના કાર્યક્રમોના આયોજનો પાછળનો શુભ હેતુ જણાવ્યો હતો. ૯૨ વર્ષના વડિલ વાચક અને ગાંધીવાદી અગ્રણી મનુભાઇ પટેલ, તેમના દિકરી અનિલાબેન, બેન્ક અોફ બરોડાના વેમ્બલી શાખાના આસીસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર રવિન્દ્રનાથ મોરથા તેમજ વિખ્યાત નૃત્યાંગના અને કોરીયોગ્રાફર હની કલારીયાએ પિતૃ વંદના વિશેષાંકનું વિમોચન કર્યું હતું.
આ વિકેન્ડમાં કાર્ડીફ અને બર્મિંગહામમાં "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે"
લેસ્ટર અને લંડનમાં યોજાયેલા કાર્યક્રમોની જ્વલંત સફળતા બાદ હવે માયા દીપક અને સાથી કલાકારોના સુપરહીટ હીન્દી ફિલ્મી ગીતોના કાર્યક્રમ "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" ના આગામી કાર્યક્રમોનું આયોજન
કાર્ડીફ અને બર્મિંગહામ ખાતે થનાર છે. આપ સૌના મનોરંજન અને ફાધર્સ ડે પ્રસંગે પિતૃ વંદના કાર્યક્રમની ઉજવણી માટે દિગ્ગજ કલાકારોના અવાજનો જાદુ કદાચ અન્ય કોઇ પણ કાર્યક્રમમાં આપને સાંભળવા નહિં મળે.
* હિન્દુ કાઉન્સિલ વેલ્સ દ્વારા શનિવાર તા. ૨૪ જૂન સાંજે ૫-૩૦થી ડીનર સાથે સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, સી વ્યુ બિલ્ડીંગ, લુઇસ રોડ, કાર્ડીફ CF24 5EB ખાતે "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં માયા દીપક અને રોકી અદ્ભુત ગીતો રજૂ કરશે અને તેમને તબલા પર અમરદીપ, અોક્ટાપેડ પર પરેશ વાઘેલા અને કી બોર્ડ પર રોબીન રંગત જમાવશે. ટિકીટ માટે સંપર્ક: વિમળાબેન પટેલ 07979 155 320 અને રાધિકા કડાબા 07966 767 659.
* શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, બર્મિંગહામ દ્વારા રવિવાર તા. ૨૫ જુન બપોરે ૩થી સાંજના ૭ દરમિયાન શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, ૫૪૧ એ, વોરિક રોડ, બર્મિંગહામ, B11 2JP ખાતે "પિતૃ વંદના - ભૂલી બીસરી યાદે" કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં માયા દીપક અને જયુ રાવલ મનને મોહી લે તેવા અદ્ભુત ગીતો રજૂ કરશે અને તેમને તબલા પર નૌશાદ, અોક્ટાપેડ પર સોનુ ગજ્જર અને કી બોર્ડ પર અનંતભાઇ રંગત જમાવશે. ટિકીટ માટે સંપર્ક: અંજુબેન શાહ 07814 583 907 અને જયંતિલાલ જગતીયા 07808 930 748.
૦૦૦૦૦૦
પ્રસ્તુત તસવીરમાં વિશેષાંક વિષે માહિતી આપતા સીબી પટેલ તેમજ તેમની સાથે ડાબેથી ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલાબેન પટેલ, અનિલાબેન પટેલ, મનુભાઇ પટેલ, રવિનન્દ્રનાથ મોરથા, હની કલારીયા, નાનકડી કલાકાર મિરવા તેમજ ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવ
૦૦૦૦૦૦૦૦૦
Take all sponsor logos
૦૦૦૦૦