ગરજવાનને અક્કલ ન હોય એ કહેવતને સાચી ઠેરવતા અને હરહંમેશ યુકેની સંખ્યાબંધ સંસ્થાઅોમાં વણજોઇતો અને અઘટિત ચંચુપાત કરીને પોતાનો એક્કો ખરો કરાવવા હવાતીયા મારી રહેલા એક કહેવાતા 'નેતાજી'એ તાજેતરમાં ફરી એક વખત બફાટ કરી પોતાની બચી હતી તેટલી આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા હતા. યુકેની જાણીતી સંસ્થાના વિખ્યાત અગ્રણીના નિધન બાદ હજુ તેમની અંતિમ વિધી પણ પૂરી નહોતી થઇ ત્યાં આપણા કહેવાતા 'નેતાજી' તે સંસ્થાનો વહીવટ હસ્તગત કરી લેવા અને સંસ્થાના વહીવટમાં માથુ મારવાની પેરવી કરવા માંડ્યા હતા.
'ટકો લો અને મને ગણો'ની વૃત્તી ધરાવતા અને જરૂર હોય કે ન હોય વણમાગી સલાહ આપવા માટે કુખ્યાત 'નેતાજી'એ તાજેતરમાં આપણા સામાજીક સંસ્કાર, પરંપરા અને રીત-રીવાજની ઠેકડી ઉડાવીને હદ વટાવી દીધી હતી. પોતાનો હાથ ઊંચો રહે અને પોતાના મિત્રો - સાથીદારો જે તે સંસ્થામાં ગોઠવાઇ જાય તે માટે 'નેતાજી'એ કોઇ સદગૃહસ્થના નિધનની પરવા કર્યા વગર વણમાગી સલાહ આપતો એક ઇમેઇલ દુ:ખદ અવસાનના કલાકોમાં જ લોકોને ઠપકારી દીધો હતો. સંસ્થાના અગ્રણીના મૃત્યુને હજુ ૧૨ કલાક પણ પૂરા ન થયા હોય ત્યાં મૃતદેહ પર વરવી કુટનીતિ કરવી કેટલી હદે યોગ્ય કહેવાય? સામાન્યમાં સામાન્ય વ્યક્તિના મૃત્યુની પણ આપણે માન અને મર્યાદા જાળવતા હોઇએ છીએ. આપણા સંસ્કાર અને પરંપરા છે કે અદાવત, દુશ્મની અને વેરઝેરનો ત્યાગ કરીને કોઇના મોતનો મલાજો જાળવી રાખવો.
પરંતુ પોતાની જેટલી પણ બચેલી બુધ્ધી છે તેનું દેવાળુ ફુંકતા એ ઇમેઇલમાં 'નેતાજી'એ જાણીતી સંસ્થાના સ્વર્ગસ્થ અગ્રણીને સ્થાને પોતાના મિત્રો-પરિચીતોને ગોઠવી દેવાની પેરવી કરી દીધી. જેમ ગીધડા મડદાની જયાફત ઉડાવે તેમ આ 'નેતાજી'એ પોતાની મેળે માની લીધું કે જે તે સંસ્થાના બીજા ટ્રસ્ટીઅો અને સંચાલકો અક્કલ અને અનુભવ વગરના છે અને જો પોતાના સોબતીયો સંસ્થાનો વહીવટ નહિં સંભાળી લે તો તક ગુમાવશે.
આટલું પૂરતું ન હોય તેમ આપણા 'નેતાજી'એ કેટલાય લોકોને મોકલેલા ઇમેઇલમાં જણાવ્યું કે સંસ્થા પર બેન્કનું દેવું છે અને હવે શું થશે? તેમણે સંસ્થા સાથે સંકળાયેલા કેટલાક લોકોને જણાવ્યું કે તેમણે સંસ્થાના પ્રોજેક્ટને બચાવી લેવો જોઇએ અને તે તેમની જવાબદારી પણ છે. હરખપદુડા નેતાજીએ અન્ય ધાર્મિક તેમજ સામાજીક અગ્રણીઅોને પણ ફોન જોડી દીધા અને તેમને દરમિયાનગીરી કરવા જણાવ્યું.
આ બધી બાબત સમાજ અને દેશમાં સારો મોભો ધરાવતા સદ્ગત અગ્રણીના ભાઇના ધ્યાન પર આવતા તેમણે તકવાદી 'નેતાજી'ને સાફ શબ્દોમાં અને સારી ભાષામાં ઇમેઇલ પાઠવીને જણાવવું પડ્યું કે "તમને હું સારી રીતે જાણતો નથી, પરંતુ તમે જો આપણી સાંસ્કૃતિ, પરંપરા અને ઋઢીને જાળવશો તો સારૂ રહેશે.”
લંડન અને યુકેના અગ્રણીઅોમાં 'નેતાજી'નો આ ઇમેઇલ ફરતો થતાં જ સ્થાનિક સમાજના અગ્રણીઅો અને વિવિધ સંસ્થાઅોના નેતાઅોમાં આક્રોશ ફેલાયો હતો. પોતાનો રોટલો શેકવાની આવી વરવી કુટનીતિમાં રાચનાર નેતાજી પર સૌએ ફીટકાર વરસાવ્યો હતો. 'ગુજરાત સમાચાર'ને પણ કેટલાક લોકોએ ફોન કરીને અને સંદેશા પાઠવીને 'નેતાજી'ના હિણપતભર્યા પગલાની નિંદા કરી હતી.
ભલા માણસ આ બધું આજે ને આજે કરવું જરૂરી છે ખરું? શું તમે બે ચાર સપ્તાહ રાહ ન જોઇ શકો? સમાજની, સંસ્થાની અને અહિંના લોકોની એટલી બધી ચિંતાના બહાના હેઠળ સુંઠના ગાંગડે ગાંધી થવા નીકળેલા 'નેતાજી' અને તેમના કારસ્તાન પર આજકાલ લોકો થુ... થુ.... કરી રહ્યા છે. પ્રભુ તેમને સદ્બુધ્ધી અર્પે તેજ પ્રાર્થના.
છેલ્લો અંગારો
લંડનના વિવિધ સંસ્થાઅોમાં મોટા-મોટા હોદ્દાઅો પર કહેવાતી સેવા આપતા એક અગ્રણીનો ફોટો યુકેના કેટલાક લોકોના મોબાઇલ ફોનના વોટ્સ એપ ઉપર ફરી રહ્યો છે. તેમાં જણાવેલ માહિતી કે આક્ષેપો વિષે અત્રે કઇં પણ કહેવું અસ્થાને છે. પરંતુ તે વોટ્સ એપ મેસેજમાં તે અગ્રણી પર ભારતમાં રહેતી મહિલાઅોના કહેવાતા શોષણ સહીતના જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખૂબ જ અભદ્ર છે. હું સર્વસ્વીકૃત નેતા છું અને મને બધા અોળખે તેવી છાપ પાડવા માટે સતત પ્રયત્નશીલ આ અગ્રણીના કિલ્લાના કાંગરા ખેરવવા માટે કોઇ ચાલ ચાલી રહ્યું છે તેમ કહેવામાં જરાય ખોટું નથી.