જેને કોઈ ઉપમા આપી ન શકાય, જેની કોઈ સીમા નથી અને જેને ક્યારેય કોઇ પાનખર નથી નડી તેનું નામ છે મા. મા ઘરનો પ્રાણ છે, મા ગ્રંથ છે, શાળા-કોલેજ છે અને મા પૃથ્વી પરના પ્રત્યેક સર્જનનો આધાર છે. દુનિયા પર જીવતી દરેક વ્યક્તિની સફળતાનો આધાર છે મા. આવી જનેતાને ખરા દિલથી ગીત સંગીતના માધ્યમથી વંદન કરવા "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ" દ્વારા ભારતથી ખાસ આ કાર્યક્રમ માટે જ પધારેલા વિખ્યાત ગાયક કલાકાર શ્રીમતી માયા દીપક અને ગૃપના 'માતૃ વંદના' કાર્યક્રમોનું આયોજન તા. ૭ એપ્રિલ શુક્રવારના રોજ લેસ્ટર ખાતે અને તા. ૮ એપ્રિલ શનિવારના રોજ પ્રેસ્ટન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા સ્થાનિક શ્રોતાઅોએ માતૃ વંદના કરી ખાસ પસંદ કરાયેલા ગીતોની મોજ માણી હતી.
તા. ૭-૪-૨૦૧૭ શુક્રવારના રોજ સાંજે શ્રી વસંતભાઇ ભક્તા (મીસ્ટર બી) દ્વારા માતૃ વંદના કાર્યક્રમનું આયોજન લેસ્ટરના હિલયાર્ડ રોડ સ્થિત શ્રી લોહાણા મહાજન હોલ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના તંત્રી શ્રી સીબી પટેલ અને કાર્યક્રમના આયોજક શ્રી વસંતભાઇ ભક્તા (મીસ્ટર બી) દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
શ્રી સીબી પટેલે પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે 'આપણી જનેતાએ આપણા સૌ માટે જે કર્યું છે તેનું ઋણ કદાપી ચૂકવી શકાય નહિં. પરંતુ અમે આ કાર્યક્રમો દ્વારા બ્રિટનભરના સૌ કોઇ પોતાની માતાને વંદન કરી શકે અને સૌ સાથે મળીને આપણી જનેતાના યોગદાનને વધાવી શકીએ તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન વિવિધ શહેરોના સ્થાનિક સંગઠનોની મદદથી કર્યું છે. આ કાર્યક્રમના આયોજન બદલ હું વસંતભાઇ ભક્તાનો આભાર વ્યક્ત કરૂ છું."
માયાબેન દીપક અને તેમના સાથી કલાકારો અનંતભાઇ પટેલ, નૌશાદભાઇ અને શરદભાઇએ જનેતાને વંદન કરતા એક એકથી ચઢીયાતા ગીતો રજૂ કર્યા હતા. જેને શ્રોતાઅોએ તાળીઅોના જોરદાર ગડગડાટ દ્વારા વધાવી લીધા હતા. શ્રોતાઅોએ રાતના ૧૧ વાગ્યા સુધી માયાબેન અને કલાકારોના ગીત સંગીતને માણ્યાં હતાં.
કાર્યક્રમનું સંચાલન શ્રી વસંતભાઇ ભક્તાએ કર્યું હતું અને કાર્યક્રમના આયોજનમાં સહકાર આપનાર "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના શ્રી સીબી પટેલ અને ટીમના સદસ્યો, શ્રી લોહાણા મહાજન હોલના વજુભાઇ માધલાણી અને કાર્યકારી કમિટીના સદસ્યો, સબરસ રેડિયો, કાર્યક્રમને સફળ બનાવનાર વોલંટીયર્સ શ્રી જયેન્દ્રભાઇ ગોહીલ, મનહર પટેલ, પ્રવિણ મોરઝરીયા, ઠાકોરભાઇ પ્રજાપતિ, સરલાબેન દેવાણી, રાડીઆઝ સુરપસ્ટોર તેમજ સાઉન્ડ માટે શ્રી વિરેન પટેલ સહિત સૌ શ્રોતાઅોનો ઉપસ્થિત રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
તા. ૮-૪-૨૦૧૭ શનિવારના રોજ પ્રેસ્ટન સ્થિત ગુજરાત હિન્દુ સોસાયટી દ્વારા સનાતન મંદિરના હોલમાં માતૃ વંદના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના તંત્રી શ્રી સીબી પટેલ, ગુજરાત હિન્દુ સોસાયટીના પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલર અને હિન્દુ કાઉન્સિલ નોર્થના પ્રસિડેન્ટ અને GHS ના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી દશરથભાઇ નાયીએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો.
સોસાયટીના પ્રેસિડેન્ટ ઇશ્વરભાઇ ટેલરે "ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ"ના તંત્રી શ્રી સીબી પટેલ અને તેમની ટીમના સૌ સદસ્યો કોકિલાબેન પટેલ (મેનેજીંગ એડિટર), સુરેન્દ્રભાઇ પટેલ, કમલ રાવ (ન્યુઝ એડિટર)નું સ્વાગત કરી બન્ને અખબારો દ્વારા મંદિરની સ્થાપના અને રોજબરોજના કાર્યક્રમોના આયોજન માટે તેમણે આપેલા સહકાર બદલ આભાર વ્યક્ત કર્તો હતો. તેમણે અને કમિટીના સદસ્યોએ શ્રી સીબીને ૮૦મા જન્મ દિને શુભકામનાઅો પાઠવી બર્થ ડે કાર્ડ અર્પણ કર્યું હતું. આજ રીતે ઇશ્વરભાઇ ટેલર અને કમિટીના સદસ્યોએ ગીત સંગીત અને બ્રિટનના ગુજરાતીઅોને આપેલી સેવાઅો બદલ માયાબેનનું પ્રમાણપત્ર આપીને બહુમાન કર્યું હતું.
શ્રી સીબી પટેલે પ્રાસંગીક પ્રવચનમાં પ્રેસ્ટન મંદિર સાથેના પોતાના નિકટના સંબંધોની યાદોને વાગોળતા જણાવ્યું હતું કે "પ્રેસ્ટન મારું પોતાનું ગામ છે અને પ્રેસ્ટનવાસીઅોએ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ હું હંમેશા તેમનો ઋણી રહીશ. માયાબેન દીપકના આ માતૃ વંદના કાર્યક્રમો થકી અમે સૌ કોઇ જનેતાને સાચા અર્થમાં વંદન કરીને માતૃ શક્તિની સરાહના કરવા માંગીએ છીએ. જનેતા છે તો આપણે છીએ અને જનેતાએ આપણું ઘડતર કરી જે સંસ્કાર સિંચન કર્યું છે તે માટે કદી તેનો ઉપકાર ભૂલવો જોઇએ નહિં.”
શ્રી ટેલરે કાર્યક્રમ રજૂ કરનાર માયાબેન દીપક, કલાકારો અનંતભાઇ પટેલ, મીનાબેન પટેલ, નૌશાદભાઇ તેમજ કાર્યક્રમના આયોજન માટે સાથ સહકાર આપનાર અને સાઉન્ડ સીસ્ટમનું સંચાલન કરનાર સોસાયટીના સેક્રેટરી ચંદ્રકાન્તભાઇ લિંબાચીયા, બળવંતભાઇ પંચાલ, કમિટીના સદસ્યો, કાર્યક્રમમાં ભોજન પૂરૂ પાડનાર આરકે સ્વીટ્સના કમલકાંત પારેખ અને શ્રોતાઅોનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સંસ્થાના વડિલ શ્રી છોટાલાલ કાકા
આ અગાઉ તા. ૨૬ના રોજ મધર્સ ડે પ્રસંગે લંડનના ભારતીય વિદ્યાભવન ખાતે સૌ પ્રથમ માતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લોર્ડ જીતેશ ગઢીયાએ એમપી શ્રી વિરેન્દ્ર શર્મા, ભવન્સના ડાયરેક્ટર શ્રી નંદકુમાર અને વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી રેમી રેંજરની ઉપસ્થિતીમાં માતૃ વંદના વિશેષાંકનું વિમોચન કર્યું હતું. તે પછી બાર્કિંગ ખાતે આશીયાના દ્વારા અને બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર દ્વારા માતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિવિધ શહેરોમાં યોજવામાં આવેલા પાંચેય કાર્યક્રમોને ખૂબ જ સુંદર સફળતા મળી હતી અને ઉપસ્થિત સૌ શ્રોતાઅોએ સુંદર કાર્યક્રમને માણીને ધન્યતાની લાગણી અનુભવી હતી.