લોર્ડ ભીખુભાઇ પારેખ અને તેમના પત્ની શ્રીમતી પ્રેમિલાબેન પારેખે તા. ૭મી મેના રોજ કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ અોફ વેલ્સ તેમજ સનાતન ધર્મ મંડળ અને કોમ્યુનિટી સેન્ટરની મુલાકાત લીધી હતી અને વેલ્સ વિસ્તારમાં ખમતીધર હિન્દુ સંસ્થાઅોની પ્રગતિ અને વિકાસ જોઇને આનંદ વ્યક્ત કર્યો હતો.
લોર્ડ પારેખે મંદિરની પ્રતિમઅો જોઇને આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે "કાર્ડીફ શહેરમાં નાના મોટા ૩-૪ મંદિરો હોય તેના કરતા બધા સાથે મળીને એક વિરાટ હિન્દુ મંદિર અને સેન્ટરની રચના કરે તો રોજ બરોજના ખર્ચાઅો પર કાબુ મેળવી શકાય અને બધી જ સેવા પ્રવૃત્તિ એક છત્ર નીચે થઇ શકે. હું આ અગાઉ પણ કાર્ડીફની મુલાકાત લઇ ચૂક્યો છું અને મને લાગે છે કે ટૂંક સમયમાં જ કાર્ડીફ મારૂ બીજુ ઘર બનશે.”
આ પ્રસંગે હિન્દુ કાઉન્સિલ વેલ્સના શ્રી નારણભાઇએ લોર્ડ પારેખને શાલ અર્પણ કરી હતી. તો શ્રીમતી શારદાબેન પટેલે શ્રીમતી લેડી પારેખને સનાતન મંદિર કાર્ડીફ તરફથી શાલ અર્પણ કરી હતી. આ પ્રસંગે મંદિરના સ્વયંસેવકોએ સ્વાદિષ્ટ શાકાહારી ભોજન તૈયાર કર્યું હતું. લોર્ડ પારેખે સર્વે સ્વયંસેવક ભાઇબહેનોની સેવાની સરાહના કરી હતી.
આ પ્રસંગે હિન્દુ કાઉન્સિલ વેલ્સના સુધાબેન ભટ્ટ, નારણભાઇ પટેલ (ખજાનચી), વિમળાબેન પટેલ (પ્રમુખ), રાજેશભાઇ કેરાઇ, રમેશભાઇ કેસરા અને રાધિકા કડાબા (મહામંત્રી) ઉપસ્થિત રહ્યા હતા.