લંડનઃ વડા પ્રધાન થેરેસાએ પતિ ફિલિપ મે સાથે શનિવાર, ત્રીજી જૂને BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર-નીસડન મંદિરની મુલાકાત લીધી હતી અને હિન્દુ સમાજના સભ્યોને મળ્યાં હતાં. તેમનું પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમણે નિલકંઠવર્ણી મહારાજનો અભિષેક પણ કર્યો હતો. વડા પ્રધાને ૨૦૦૦થી વધુ લોકોને સંબોધ્યાં હતાં અને પ્રેરણારુપ આદર્શ બનવા માટે બ્રિટિશ ભારતીયોની પ્રશંસા કરી હતી અને બ્રિટનને વિશ્વની મહાન મેરિટોક્રસી બનાવવામાં તેમને મદદરુપ થવા પ્રોત્સાહિત કર્યાં હતાં.
વડા પ્રધાનને સ્વાગત પછી ગર્ભગૃહમાં લઈ જવાયાં હતાં અને તેમણે ભગવાન સ્વામીનારાયણના મુખ્ય મંદિરમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. BAPS સ્વામીનારાયણ સંસ્થાના યુવા અને વૃદ્ધ સ્વયંસેવકો સાથે મુલાકાત પછી તેઓ અન્ય હિન્દુ સંસ્થાઓના અગ્રણીઓને મળ્યાં હતાં. વડા પ્રધાને મંદિરમાં રચનાત્મક ઊર્જા તેમજ ઉદ્દેશ અને સામુદાયિક ભાવનાની મજબૂત લાગણી અનુભવ્યાંની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,‘તમે અહીં તેમજ બ્રિટનમાં અસંખ્ય હિન્દુ મંદિરોમાં જે હાંસલ કરાયું છે તે માત્ર બ્રિટિશ હિન્દુઓ માટે જ નહિ, તમામ બ્રિટિશ નાગરિકો માટે ગૌરવની બાબત છે. બ્રિટિશ ભારતીયોની સિદ્ધિ શ્રેષ્ઠ બ્રિટિશ અને ભારતીય મૂલ્યોના પાયા પર રચાયેલી છે.
વડા પ્રધાન થેરેસાએ પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાના વારસા વિશે જણાવ્યું હતું કે લાંબા સમય સુધી તેનો લાભ માનવજાતને મળતો રહેશે. મને આનંદ છે કે ‘લોકોનાં ભલામાં જ આપણું ભલું’નો તેમનો મુદ્રાલેખ મહંત સ્વામી મહારાજ આગળ ધપાવી રહ્યા છે, જેઓ આ મહિનાના ઉત્તરાર્ધમાં લંડન આવી રહ્યા છે.’
વડા પ્રધાનને મેમેન્ટોઝની ભેટ આપવામાં આવી હતી. મંદિરની તેમની આ બીજી મુલાકાત લીધી હતી. અગાઉ, માર્ચ ૨૦૧૩માં ઈન્ટરનેશનલ વિમેન્સ ડે મુખ્ય અતિથિ અને ચાવીરુપ વક્તા તરીકે તેમણે કાર્યક્રમમાં હાજરી આપી હતી.