વડા પ્રધાન મોદીની ત્રીજી ટર્મને OFBJP UKએ ઉજવણીથી વધાવી

પૂર્વ યુનિયન મિનિસ્ટર સ્મૃતિ ઈરાની અને વિજય ચૌથાઈવાલે પણ ઉપસ્થિત

Tuesday 25th June 2024 12:19 EDT
 
 

લંડનઃ ભારતની લોકસભા ચૂંટણીમાં 543માંથી 293 બેઠક હાંસલ કરી સતત ત્રીજી ટર્મ માટે સત્તા હાંસલ કરવાના NDAના ઐતિહાસિક વિજય નિમિત્તે ધ ઓવરસીઝ ફ્રેન્ડ્ઝ ઓફ બીજેપી (OFBJP) યુકે દ્વારા 24 જૂને લંડનના ઓસ્ટર્લીના ઈન્ડિયન જીમખાના ખાતે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જોશીલા ઈવેન્ટમાં ભારતીય ડાયસ્પોરા અને ખાસ કરીને યુકેમાં પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના ઉત્સાહી સમર્થકોનો આનંદ અને રોમાંચ દેખાઈ આવ્યો હતો.

પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભાજપના નિર્ણાયક વિજયને ઉજવવા 400થી વધુ સમર્થકો ઈન્ડિયન જીમખાના ખાતે એકત્ર થયા હતા. ઈન્ડિયન જીમખાના ખાતે 100થી વધુ કારનો કાફલો રેલી સ્વરૂપે આવી પહોંચવા સાથે ઉજવણી ખાસ સ્ટાઈલમાં આરંભ થઈ હતી. ઢોલનગારાના તાલ અને જીવંત ડીજે મ્યુઝિક સાથે વાતાવરણમાં વિદ્યુતવેગી ઉત્સાહ ફેલાયેલો હતો. હાજર રહેલા લોકોએ વડા પ્રધાન મોદીની ત્રીજી ટર્મને ઉજવતા પોસ્ટર્સ હાથમાં રાખવા સાથે નાચવાનું શરૂ કર્યું હતું તેમજ ‘મોદી મોદી’ અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા. ભારત સરકારના પૂર્વ યુનિયન મિનિસ્ટર શ્રીમતી સ્મૃતિ ઈરાની અને ભાજપના વિદેશી બાબતોના ઈન્ચાર્જ શ્રી વિજય ચૌથાઈવાલેની હાજરી થકી ઉજવણીનો ઉત્સાહ બેવડાયો હતો. તેમની ઉપસ્થિતિએ ડાયસ્પોરામાં વડા પ્રધાન મોદી અને ભાજપ માટે નોંધપાત્ર સપોર્ટનું મહત્ત્વ સ્પષ્ટ કર્યું હતું જેનાથી, ઉજવણીના ઈવેન્ટમાં ઉત્સાહ વધ્યો હતો.

સ્મૃતિ ઈરાનીએ શક્તિશાળી સંબોધન કરવા સાથે પ્રાઈમ મિનિસ્ટર મોદીના સતત ત્રીજા વિજયના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે ભારતને નવી ઊંચાઈએ પહોંચાડવા તરફ મોદીના સખત પરિશ્રમ અને સમર્પણને સ્પષ્ટ કરવા સાથે આ પરિવર્તનકારી યાત્રામાં ડાયસ્પોરા તરફથી મળી રહેલા સપોર્ટને બિરદાવ્યો હતો. વિજય ચૌથાઈવાલેએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ભાજપ સત્તા પર આવ્યો ત્યારથી ભારત-યુકેના સંબંધો વધુ મજબૂત બન્યા છે આગામી વર્ષોમાં આ સંબંધો વધુ મજબૂત વધવાની આશા દર્શાવવા સાથે તેમણે OFBJP UKના કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી હતી.

આ ઈવેન્ટમાં ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગુરુ પ્રકાશ પાસવાન, શિશિર બાજોરીઆજી, દેવેન્દ્ર નીમ (સહરાનપુર, ઉ.પ્ર.ના વિધાયક), ધીરેન્દ્ર સિંહ (જેવાર, ઉ.પ્ર.ના વિધાયક), અભિમન્યુ પ્રતાપ સિંહ, OFBJP UKના પ્રેસિડેન્ટ કુલદીપ શેખાવત, OFBJP UKના જનરલ સેક્રેટરી સુરેશ મંગલગિરિએ દીપપ્રાગટ્ય સાથે મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ઈવેન્ટમાં ભાગ લેનારાઓએ લાગણી વ્યક્ત કરી હતી કે વડા પ્રધાન મોદીનો વિજય લોકોની આશાઓ અને સ્વપ્નાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેઓ વિશ્વાસ ધરાવે છે કે ભારતના લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર દેશના કલ્યાણ અને પ્રગતિ માટે સતત કાર્યશીલ રહેશે. ઉપસ્થિત લોકોએ સ્વાદિષ્ટ ભોજનની મોજ માણી હતી અને તે સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter