બર્મિંગહામઃ યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનની યજમાની અને બ્રિટિશ કર્ણાટકી કોઈરના આયોજનમાં ત્રણ દિવસીય પ્રથમ વર્લ્ડ મ્યુઝિક કોન્ફરન્સનું ગત શનિવાર ૧૧ શનિવારે સમાપન થયું હતું. આ અધિવેશનમાં પરફોર્મન્સીસ, ચર્ચાસભા, પ્રેઝન્ટેશન્સ, વર્કશોપ્સ સહિતના કાર્યક્રમો રજૂ થયા હતા, જેમાં આફ્રિકા, યુરોપ, યુએસએ અને ભારતથી કળાકારો, વિદ્વાનો અને સંગીતગુરુઓ સહિત સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આયોજક ડો. ચિત્રા રામકૃષ્ણન FRSAએ પોતાનું સ્વપ્ન સાકાર થયું હોવાનું જણાવ્યું હતું.
આમંત્રિત મહેમાનોમાં વુલ્વરહેમ્પ્ટનના ડેપ્યુટી મેયર કાઉન્સિલર ફિલ પેજ, યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનના વાઈસ ચાન્સેલર પ્રોફેસર જ્યોફ લેયર, વેસ્ટ મિડલેન્ડ્સના ડેપ્યુટી લેફ્ટનન્ટ નાસિર અવાન, યુગાન્ડાના માનદ કોન્સલ જનરલ જાફર કપાસી અને બર્મિંગહામસ્થિત કોન્સલ જનરલ ઓફ ઈન્ડિયા ડો. અમન પૂરીનો સમાવેશ થયો હતો.
કોન્ફરન્સમાં બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર થેરેસા મે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વોરવિક મેન્યુફેક્ચરિંગ ગ્રૂપના સ્થાપક કુમાર ભટ્ટાચાર્ય, એજ્યુકેશન સેક્રેટરી જસ્ટિન ગ્રીનિંગ અને લોર્ડ કરણ બિલિમોરિયા CBE Dlના શુભેચ્છા સંદેશા વાંચી સંભળાવાયા હતા. આ અધિવેશનને શક્ય બનાવવામાં ફાળો આપનારા યુનિવર્સિટી ઓફ વુલ્વરહેમ્પ્ટનમાં ફેકલ્ટી ઓફ સાયન્સ અને એન્જિનીઅરીંગના ડીન પ્રોફેસર નાઝિરા કરોડીઆ અને ચેરિટી ગ્રીન વેલી ઈન્ફિનિટીના સીઈઓ સંતોષ કુમાર સહિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું.