લંડનઃ ભારતીય સંસ્થા ઇન્ડિયન કલ્ચરલ સેન્ટર, ક્રોયડન દ્વારા રવિવાર, ૧૭ ડિસેમ્બરે ૩૭મા વાર્ષિક વેગન લંચનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્રિશ્ચિયન મિત્રો સાથે મિત્રતાને ઉત્તેજન આપવા તેમજ ભારતીય વાનગીઓના સ્વાદ સાથે તેમનો પરિચય કરાવવા તેમજ ભારતીય સમુદાય બ્રિટિશ હોવાનું ગૌરવ અનુભવે છે તેવો સંદેશો પાઠવવા આ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી. જો બધી ભારતીય સંસ્થાઓ આવો કાર્યક્રમ યોજે તો તેની અસર નોંધપાત્ર બની રહેશે તેમ નીતિન મહેતાએ જણાવ્યું હતું.
ક્રોયડન કાઉન્સિલના લીડર ટોની ન્યૂમેને જણાવ્યું હતું કે, ‘આ કાર્યક્રમ ક્રોયડન વિશે જે રચનાત્મક બાબતો છે તે તમામને દર્શાવે છે.’ આશરે ૧૨૦ લોકોએ ઉજાણીની મોજ માણી હતી. વેગન લંચના મેનુમાં સમોસા અને પાત્રા સ્ટાર્ટર તરીકે મૂકાયાં હતાં. મુખ્ય ભોજનમાં ગરમ રોટી, બટાકા, રીંગણનું શાક, સલાડ, દાળ અને ભાત પછી વેગન કેક, ચા અને કોફી પીરસાયાં હતાં. શાકાહારને પ્રોત્સાહન આપતા સેવન્થ ડે એવેન્ટિસ્ટ ચર્ચના સભ્યોએ આનંદગીતો ગાયાં હતાં. છેલ્લાં ૩૭ વર્ષથી આ કાર્યક્રમ સતત યોજાતો આવ્યો છે.