લંડનઃ કુંજ નામનું પક્ષી ઉનાળામાં ઈંડાં મૂકીને હજારો કિ.મી. દૂર જતું રહે છે, પણ મનથી તે પોતાના ઈંડાથી દૂર થતું નથી, એટલે બીજી સીઝનમાં જ્યારે તે ઈંડાં પાસે આવે છે ત્યારે બચ્ચાં બહાર નીકળી ગયાં હોય છે! ગુજરાત બહાર વસતા ગુજરાતીઓએ આ કુંજ પક્ષી જેવો પ્રેમ ગુજરાત સાથે રાખ્યો છે. તેઓ ગુજરાતથી જોજનો દૂર જવા છતાં ગુજરાતને પોતાના મનથી અળગું થવા દેતા નથી; અને એ બાબત 1 મે ગુજરાત સ્થાપના દિવસની યુકેમાં થતી આ ઉજવણીથી તેઓ સિદ્ધ કરે છે, એમ ભારત સરકારના કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ પ્રધાન શ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું. નેશનલ કાઉન્સિલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન-યુકે (NCGO-UK) તથા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકો ઉપરાંત ગુજરાતી કલ્ચરલ સોસાયટી-બ્રાઇટનના સહયોગથી પહેલી મેના રોજ ગુજરાત સ્થાપના દિવસની યોજાયેલી ઉજવણીના મુખ્ય મહેમાનપદેથી શ્રી રૂપાલાએ આ મુજબ જણાવ્યું હતું.
સૌને રામરામ કરીને સંબોધનનો પ્રારંભ કરતાં શ્રી પરસોત્તમ રૂપાલાએ સેવાયજ્ઞની વાત કરી હતી. તેમણે લીલબાઈ માતાજીની ગુજરાતમાં હાલમાં જારી રથયાત્રાનો સંદર્ભ કોરોના સંકટ સાથે સાંકળતાં જણાવ્યું કે, એક જમાનામાં જ્યારે રક્તપિત્તિયાઓને દરિયાકાંઠે ત્યજી દેવાતા ત્યારે દેવીદાસ બાપુ તેમને પરબ ખાતે ઝોળીમાં ઉઠાવી મંગાવીને તેમની સેવા કરતા. આપણે સેવા એટલે ખ્રિસ્તી કે નનને જ યાદ કરીએ છીએ, પરંતુ આવો આપણને ખ્યાલ નથી હોતો. પરબ જેવી માનવતાની ધારા વહી રહી છે તે અંગે આપણી આજની પેઢીને જણાવવાની જરૂર છે.
આ પ્રસંગે ગુજરાતના સ્થાપનાકાળના શહીદોને વંદન કરીને તેમણે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાથી માંડીને વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના તમામના પ્રયાસોને પોંખતાં કહ્યું કે, સૌએ પોતપોતાની રીતે આ યાત્રાને આગળ લઈ જવા માટે ઊર્જા રોકી છે. મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી શરૂ કરેલી લડતના ઝંડામાં સરદાર પટેલ મેરુદંડ હતા. ભારતને ઉત્તમ નકશો આપનારા સરદાર સાહેબ ગાંધીજી સાથે મળીને ભારતને એક ભારત બનાવી ગયા, અને હવે એ જ રીતે બે ગુજરાતી મહાનુભાવો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવા માટે કમર કસી રહ્યા છે.
બિઝનેસ અંગે બોલતાં તેમણે ગુજરાતના અનોખા ડાયમંડ ઉદ્યોગ અંગે જણાવ્યું કે, જેનો કાચો માલ નજીકમાં ઉપલબ્ધ નથી, જેનું માર્કેટ બહાર શોધવાનું છે એવા ડાયમંડનો માલિક પણ ગુજરાતી છે, એવી ગુજરાતીઓની સિદ્ધિઓની કોઈ સીમા નથી.
વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ગુજરાતને જે વિકાસના રોડમેપ ઉપર મૂકી આપ્યું તેની તબક્કાવાર વાત કરીને કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું કે, ગુજરાતનો વિકાસ નિહાળીને સમગ્ર દેશભરના લોકોએ શ્રી નરેન્દ્રભાઈને દેશનું સુકાન સોંપી દીધું, અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ આજે ભારતની એ શાખ ઊભી કરી છે કે, દુનિયાભરમાં કોઈ પણ સમસ્યા હોય તો સૌ દેશો મદદ માટે ભારત તરફ મીટ માંડે છે. કોરોનાના કપરા કાળમાં વડાપ્રધાન શ્રી મોદીએ સમગ્ર ભારતમાં નિઃશુલ્ક કોરોના-રસી સૌને આપી અને ૧૦૦ જેટલા દેશોને કોરોનાની રસી પહોંચાડીને અન્ય દેશોના લોકોને પણ બચાવ્યા છે.
‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકોના એડિટર-ઇન-ચીફ અને યુકેના ગુજરાતી સમાજના આગેવાન શ્રી સી.બી. પટેલે પોતાના સંબોધનમાં પહેલી મે, 1960ના રોજ છૂટા પડેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યોને સહોદર ગણાવીને જણાવ્યું કે, બંને રાજ્યો આજે પણ અનેક રીતે સંકળાયેલાં છે. આંતરરાજ્ય લગ્નો સૌથી વધારે ગુજરાત-મહારાષ્ટ્ર વચ્ચે થાય છે. ભારતના રાજકીય આગેવાનો તથા મંત્રીઓ વિદેશના ગુજરાતી સમાજોની સાથે સંપર્કમાં રહે તથા અવારનવાર મુલાકાતો લેતા રહે તો ગુજરાતી ભાષાનો પ્રચાર-પ્રસાર વધશે, એવી લાગણી રજૂ કરી હતી.
ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ પટેલે મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાની સેવાઓની પ્રશંસા કરીને વિવિધ મુદ્દે તેમની સહાયતા અંગે આભાર વ્યક્ત કર્યો હતો. ઓર્ગેનાઇઝેશનના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા આ ઉજવણીમાં ભારતથી જોડાયા હતા અને પ્રાસંગિક પ્રવચન રજૂ કર્યું હતું. ઓનલાઇન સમારોહને સફળ બનાવવા માટે ઓર્ગેનાઇઝેશનના સૌ સભ્યો, કમિટીઓ વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. ‘ગુજરાત સમાચાર’ તથા ‘એશિયન વોઇસ’ સાપ્તાહિકોના એડિટર-ઇન-ચીફ શ્રી સી.બી. પટેલ, NCGO-UKના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખ શ્રી જિતુભાઈ પટેલ, શ્રી ચંદ્રકાંત મહેતા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી ધીરુભાઈ ગઢવીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમને અનુલક્ષીને ‘લાઇવ મ્યુઝિક’નાં શ્રી અલકા ઠાકુર તથા શ્રી ઋત્વિજભાઈ તથા તેમની ટીમે કાર્યક્રમને શ્રીગણેશ-સ્તુતિથી શરૂ કરીને સંગીતના સૂરથી એકસૂત્રે બાંધી રાખ્યો હતો અને ગુજરાતની ગાથાઓ ગાતી સુંદર સંગીત-રચનાઓ રજૂ કરી હતી. આ કાર્યક્રમ માટે ટેક્નિકલ સહયોગ બ્રાઇટનના અનંતભાઈ સૂચક અને મહેન્દ્રભાઈ ચૌહાણે પૂરો પાડ્યો હતો. ઓર્ગેનાઇઝેશનના ઉપપ્રમુખ શ્રી જીતુભાઈ પટેલે આભારવિધિ કરી હતી.