લંડનઃ વિમેન ઈન કન્વર્ઝેશનનો પ્રથમ ઈવેન્ટ ૨૦૧૯ની ૨૨ ઓક્ટોબરે ભારે ધામધૂમથી Eyની ઓફિસે ઉજવાયો હતો. Eyના સીનિયર પાર્ટનર ઝિશાન નુરમોહમ્મદે ડેલિગેટ્સનું સ્વાગત કર્યું હતું અને સ્ટાર્ટઅપ્સ અને નાના બિઝનેસીસમાં ભાગીદારીમાં Eyની ભૂમિકા સંક્ષિપ્તમાં રજૂ કરી હતી. એશિયન વોઈસ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યત્વે આર્ટ્સ, ફેશન, કોર્પોરેટ વર્લ્ડ, એન્ટ્રેપ્રીન્યોર્સ જેવાં વિવિધ ક્ષેત્રોની મહિલાઓ અને થોડી સંખ્યામાં પુરુષો તેમજ પોતાનો બિઝનેસ શરૂ કરવા ઈચ્છતી મહિલાઓનો સમાવેશ થયો હતો.
ચર્ચાની પેનલમાં એલેક્સ ફ્રીએન, નિકી મુલિન અને માહા સરદારનો સમાવેશ થયો હતો. એલેક્સ ફ્રીએન સ્ટર્લિંગ બેન્કનાં કોર્પોરેટ એફેર્સના વડા છે. તેઓ ધ ટાઈમ્સ અને ધ સન્ડે ટાઈમ્સ સહિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નાલિઝમ ક્ષેત્રે ૩૦થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે. બિઝનેસ બુક પબ્લિશિંગમાં સન્માનીય વ્યક્તિત્વ નિકી મુલિન યુરોપમાં પાંચમા ક્રમના સૌથી મોટા પુસ્તક પ્રકાશનગૃહ LID Business Media માં બિઝનેસ ડેવલપમેન્ટ વિભાગના વડા છે. માહા સરદાર સફળ બેરિસ્ટર છે, જેમણે હાઈ પ્રોફાઈલ કેસીસ પર કામ કર્યું છે. સરદાર માનવ અધિકારોના હિમાયતી, સામાજિક પરિવર્તનકાર અને એન્ટ્રેપ્રીન્યોર છે.
બિઝનેસીસમાં રહેલી મહિલાઓ સામેના પડકારો, તેના ઉપાયો, ફાયનાન્સિંગ, ઉપયોગી બની શકે તેવી માહિતી અને પુસ્તકનું પ્રકાશન કેવી રીતે કરાવવું તે આ ચર્ચા માટેના વિષયો હતા.
પેનલિસ્ટ અને સ્ટર્લિંગ બેન્કના એલેક્સ ફ્રીએને જણાવ્યું હતું કે સૌથી શ્રેષ્ઠ રોલ મોડલ્સ સેલેબ્રિટીઝ નથી પરંતુ, તમે રોજબરોજ તમામ પશ્ચાદભૂ સાથેની સ્ત્રીઓને મળો છો તે જ છે. આ તેમની કથાઓમાં સહભાગી બનવાની એક તક હતી.
02h Venturesના એક્ઝિક્યુટિવ ચેરમેન પ્રશાંત શાહે કહ્યું હતું કે વિમેન ઈન કન્વર્ઝેશન ઈવેન્ટમાં કારકીર્દિની અંગત કથાઓ સાંભળવી પ્રેરણાદાયી લાગી છે.
UBS Wealth Managementના ક્લાયન્ટ એડવાઈઝર શાયલજા સ્વામિનાથને જણાવ્યું હતું કે વૈવિધ્યતાની ચેમ્પિયન સમાન અભૂતપૂર્વ મહિલાઓને મળવા અને તેમને સાંભળવાની તક સાથેનો આ સુઆયોજિત ઈવેન્ટ હતો.
પેનલિસ્ટ અને LID Publishingના નિકી મુલિને જણાવ્યું હતું કે ‘વિમેન ઈન કન્વર્ઝેશન’ ઈવેન્ટના લોન્ચિંગ પેનલનો હિસ્સો બનવાનું ગૌરવ હતું. આ કાર્યક્રમ જ વિશિષ્ટ નેટવર્કિંગ, વાર્તાલાપ અને મહિલાઓ સંદર્ભે અદ્ભૂત રહ્યો હતો. આ જ રીતે ભાગ લેનારા પુરુષોને ઓડિયન્સમાં નિહાળવા પણ સારી બાબત છે. અમે પેનલ તરીકે ઓડિયન્સ સાથે વાર્તાલાપનો જે અનુભવ પ્રાપ્ત કર્યો તેનાથી હું ખરેખર પ્રેરણા પામી છું. હું આગામી ઈવેન્ટ માટે અત્યંત આતુર છું!
લાવણ્યા પ્લસ લિમિટેડના સહસ્થાપક અને ચીફ ફાઈનાન્સિયલ ઓફિસર રાજલ પટણીએ જણાવ્યું હતું કે કાર્યના સ્થળે મહિલાઓએ સામનો કરવો પડે છે તેમજ બિઝનેસીસ દ્વારા આ ચિંતાઓ પર પ્રકાશ પાડી કાર્યવાહી કરવા સહિતના મુદ્દાઓ વિશે જાગરુકતા ઉભી કરવાની આ પ્રશંસનીય પહેલ છે. ઉત્તેજનાસભર અને વિચારપ્રેરક કાર્યક્રમ. એશિયન વોઈસ અને EY નો આભાર
RationalFX & Xendpayના સ્થાપક અને નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પરેશ દાવડ્રાએ જણાવ્યું હતું કે EY અને એશિયન વોઈસ દ્વારા આયોજિત વિમેન ઈન કન્વર્ઝેશન’ ઈવેન્ટમાં આમંત્રિત કરાયાનો મને ઘણો ઈનંદ છે. પેનલિસ્ટ્સ દ્વારા ઘણા રસપ્રદ મુદ્દાઓ પર પ્રકાશ પડાયો હતો. મારી ૧૬ વર્ષની દીકરી છે અને મને લાગે છે કે આવાં પ્રેરણાદાયી રોલ મોડેલ્સ તેના જનરેશનને અસર કરી શકે છે. વધુ મહત્ત્વનું તો તેમનો અવાજ સંભળાય અને વિધેયાત્મક પરિવર્તન લાવવાનું છે.