શ્રી વિલ્સડન સ્વામિનારાયણ મંદિર દ્વારા વડીલો માટે તૈયાર થનારા નવા રહેણાક સંકુલનું ખાતમૂહુર્ત નરનારાયણ દેવ ગાદી અમદાવાદના આચાર્ય પૂ. કોશલેન્દ્ર પ્રસાદજી તથા સ્વામિનારાયણ મંદિર, ભૂજના પૂ.ધર્મનંદનદાસજીના હસ્તે ગત ૨ જુલાઈને રવિવારે સવારે કરાયું હતું. આ પ્રસંગે મહારાજશ્રી અને મહંત સ્વામી તથા ભૂજથી આવેલા ૧૮ સંતોની પાવન ઉપસ્થિતિમાં કરાર પર હસ્તાક્ષરોની વિધિ યોજાઈ હતી. આ રીજનરેશન પ્રોજેક્ટ ઝડપથી અને સફળતાપૂર્વક બે વર્ષમાં પૂરો થાય તે માટે મહારાજશ્રી અને મહંતસ્વામીએ સંકુલના નિર્માણકાર્યમાં સંકળાયેલા સૌને આશીર્વચન પાઠવ્યા હતા.
ખાતમૂહુર્ત સ્થળે દાતાઓ દ્વારા પૂજન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હરિભક્તોએ સ્વામિનારાયણ મંત્રધૂન બોલાવીને વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. કાર્યક્રમના અંતે હજારો ભાવિકભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો. બાળકો આનંદ માણી શકે અને પોતાના મિત્રોની સાથે રમત રમી શકે તે માટે ફન ડેનું પણ આયોજન કરાયું હતું.
શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડનના ૪૨મા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે યોજાયેલા વિશેષ મહોત્સવ અંતર્ગત વડીલો માટે નવા રહેણાક સંકુલના ખાતમૂહુર્ત ઉપરાંત, વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં કથા, સમુહ યોગા, ભક્તિસંગીત અને સમૂહ રાસ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ઘનશ્યામ મહારાજના અભિષેકનો સમાવેશ થતો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર, વિલ્સડન લંડનનું સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિર છે. હાલ માત્ર લંડનમાં જ સ્વામિનારાયણ સંપ્રદાયના છ મંદિર છે. આ મંદિરની જગ્યાએ અગાઉ એક ચર્ચ હતું. મંદિર દ્વારા ૧૯૭૫માં આ ચર્ચ ખરીદીને તેનું રિનોવેશન કરી ૧૧ ઓક્ટોબર, ૧૯૭૫ને શરદપૂર્ણિમાના પાવન દિવસે આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજીએ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, હનુમાનજી અને ગણેશજીની મૂ્ર્તિઓની પ્રતિષ્ઠા કરી હતી. મંદિર દ્વારા ગુજરાતી ભાષાના ક્લાસીસ, લાયબ્રેરી અને ફોટો ફ્રેમિંગ સર્વિસ તેમજ અન્ય યુવા પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી હતી.
૧૯૮૬માં આ બન્ને બિલ્ડિંગને તોડીને તેની જગ્યાએ હિંદુ મંદિર સ્થાપત્ય કલા અને બ્રિટિશ શૈલીની ડિઝાઈન્સના સમન્વય સાથે ત્રણ માળનું મંદિર સંકુલ બનાવવાની દરખાસ્ત રજૂ કરાઈ હતી. તેું ખાતમૂહુર્ત ૧૨ ઓક્ટોબર, ૧૯૮૬ના રોજ થયું હતું. ૨૯ જુલાઈ, ૧૯૮૮ના દિવસે આચાર્ય મહારાજ શ્રી તેજેન્દ્રપ્રસાદજી પાંડેએ લંડનના સૌપ્રથમ શીખરબધ્ધ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું.