લંડનઃ યુકેના ચેરિટી વોચડોગ ચેરિટી કમિશને કન્ઝર્વેટિવ પાર્ટીના બોબ બ્લેકમેન MPદ્વારા પાર્લામેન્ટમાં આયોજીત સેમિનારમાં વિવાદાસ્પદ વક્તા પશ્ચિમ બંગાળમાં હિંદુ સંહાતીના સ્થાપક તપન ઘોષને ચાવીરૂપ વક્તવ્ય આપવા બોલાવવા બદલ નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ (યુકે) (NHCTUK) સામેના કેસની કાર્યવાહી શરૂ કરી છે. બ્લેકમેને બ્રિટિશ હિંદુઓ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APAG)ના અધ્યક્ષ તરીકે આ સેમિનાર યોજ્યો હતો.
દિવાળી પર્વની ઉજવણી નિમિત્તે ગઈ ૧૮ ઓક્ટોબરે તેમને ‘ટોલરેટિંગ ધ ઈનટોલરન્ટઃ ધ એબ્યુઝ ઓફ હિંદુ હ્યુમન રાઈટ્સ ઈન યુરોપ એન્ડ ઈન્ડિયા’ કાર્યક્રમમાં આપેલા વક્તવ્યમાં ઘોષે અંતિમવાદી મંતવ્યો રજૂ કર્યા હોવાનો આક્ષેપ છે. જોકે, NHCTUK દ્વારા જણાવાયું હતું કે કાર્યક્રમનો મુખ્ય વિષય હિંદુ અને શીખ યુવતીઓ પર અત્યાચાર અને તેમને લક્ષ્ય બનાવવાની બાબત, ધર્મના આધારે તેમની પસંદગી અને પાછળથી બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાના હેતુથી તેમની પર થતો શારીરિક અને માનસિક અત્યાચાર હતો.
ચેરિટી કમિશને જણાવ્યું હતું કે કેસની કાર્યવાહી હાથ ધરાઈ છે જેમાં વધુ પગલાંની જરૂર વિશે નિર્ણય લેવા માટે ટ્રસ્ટીઓની પૂછપરછ કરવામાં આવશે. દરમિયાન, બ્રિટિશ મુસ્લિમ્સ એસોસિએશન 'એશિયન મુસ્લિમ નેટવર્ક' ના સભ્યોએ ચેરિટી કમિશનને એક પત્ર પાઠવીને નેશનલ કાઉન્સિલ ઓફ હિંદુ ટેમ્પલ્સ (યુકે)નો ચેરિટીનો દરજ્જો પાછો ખેંચી લેવાની માગણી કરી હતી.
દિવાળીના અન્ય કાર્યક્રમમાં પ્રીતિ પટેલ અને સાજિદ જાવિદ સાથે હોમ સેક્રેટરી અંબર રડ હાજર રહેતા તે પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. તે કાર્યક્રમમાં તપન ઘોષ હાજર હતા પરંતુ તેમનું પ્રવચન ન હતું. પાછળથી હોમ ઓફિસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે હોમ સેક્રેટરી ઈસ્લામ વિશેના ઘોષના મંતવ્યો સાથે સૈદ્ધાંતિક રીતે સંમત નથી.