વિશ્વ ઉમિયાધામમાં ચતુર્થ પાટોત્સવઃ ભક્તોનું ઘોડાપુર

Thursday 07th March 2024 05:06 EST
 
 

અમદાવાદ: જાસપુર ખાતે નિર્માણ પામનારા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વ ઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ચતુર્થ પાટોત્સવ ઉજવાયો હતો. બે દિવસીય ચતુર્થ પાટોત્સવમાં અમેરિકા-કેનેડા સહિતના દેશો અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો ઉમિયાભક્તો ઊમટી પડયા હતા. ચતુર્થ પાટોત્સવના અંતિમ દિવસે સવારે ધ્વજારોહણ કરાયું હતું. અમેરિકાના ન્યૂ જર્સી સ્થિતિ ઉમિયા માતાજી મંદિરના ચેરમેન વી.પી. પટેલના યજમાનપદે ધ્વજારોહણ કરાયું હતું. આ અવસરે નવચંડી મહાયજ્ઞ પણ યોજાયો હતો. ભક્તિમાં ભાવવિભોર બનેલા ઉમાભક્તોએ અખંડ રામધૂનનો પણ લાભ લીધો હતો. આ સાથે જ જગત જનની મા ઉમિયાને પાટોત્સવ નિમિતે ભવ્ય અન્નકુટ ધરાવાયો હતો. સંધ્યાસમયે મા ઉમિયા મહાઆરતી કરાઈ હતી. આ કાર્યક્રમની સાથો સાથ મેગા મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો જેમાં અમદાવાદની વિવિધ 10થી વધુ હોસ્પિટલના તજજ્ઞો હાજર રહ્યા હતા. જેમાં 1000થી વધુ દર્દીઓએ તેનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ઉમાભક્તોએ રક્તદાન કર્યું હતું.
(ફોટોઃ હાર્દિક પંચોલી)




to the free, weekly Gujarat Samachar email newsletter