લંડનઃ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા બિઝનેસ કોમ્યુનિટીના પસંદગીના મહેમાનો માટે ‘ચેન્જિંગ ડાયમેન્શન્સ ઓફ હિન્દુઝ ગ્લોબલી’ વિષય અંગે વિશેષ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાના મુખ્ય મહેમાન અને વક્તા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી દત્તાત્રેય હોસબલેએ તમામ ક્ષેત્રોમાં હિન્દુઓની વૈશ્વિક હાજરી અને પ્રભાવ, ભવિષ્યના પડકારો અને તક તેમજ હિન્દુ ફીલોસોફીનો સંદેશો સારી રીતે પ્રસરાવવાની આવશ્યકતા વિશે જણાવ્યું હતું.
આ સભામાં જીપી હિન્દુજા, ડેમ આશા ખેમકા, રાજેશ રામ સતિજા, સુભાષ ઠકરાર, શશીભાઈ વેકરિયા અને વિજય ગોયેલ સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક અને તંત્રી સી.બી. પટેલે કહ્યું હતું કે , ‘આ પ્રસંગ વિશ્વના તમામ ખંડોમાં વૈશ્વિક સંપર્કો અને નેટવર્ક્સ ધરાવતા ઓર્ગેનાઈઝેશન તરફથી વિશ્વમાં ભારતીયો અને હિન્દુઓની સિદ્ધિઓ સારી રીતે સમજવાની મહત્ત્વની તક હોવાં સાથે આ પ્રકારનું પ્રથમ વ્યાપક આંદોલન છે જેણે હિન્દુઓને રાજકારણ, વિજ્ઞાન અને ફીલોસોફીથી માંડી બિઝનેસ તેમજ પરોપકાર સહિતના તમામ ક્ષેત્રોમાં હિન્દુઓ અને ભારતીયોને પ્રભાવિત કર્યા છે.’ સી.બી.એ ઉમેર્યું હતું કે, ‘હું ઘણા વર્ષોથી RSSવિશે જાણું છું અને અનુસરતો આવ્યો છું. સમાજના કલ્યાણ માટે નિઃસ્વાર્થપણે કાર્યરત નેતાઓ અને કાર્યકરોના નિર્માણ માટે તેમણે કરેલી કામગીરીનું મને ભારે ગૌરવ છે. આમ છતાં, સંસ્થા વિરુદ્ધ ઘણી વખત નકારાત્મક પ્રચાર થયો છે અને ખરાબ વાત તો એ છે કે પોતાનો એજન્ડા ધરાવતા લોકો દ્વારા તેમને નિશાન બનાવાતા રહ્યા છે. યુકે તથા અન્યત્ર RSS અને તેના જેવી જ પદ્ધતિ સાથે કામ કરતા લોકોનો મારો અનુભવ એવો છે કે તેઓ હિન્દુઓ અને ભારતીયો તેમજ સમગ્ર સમાજના કલ્યાણ માટે ઐક્યસર્જક પરિબળ બની રહ્યા છે.’
વાર્તાલાપ શૈલીના ઈન્ટરવ્યૂમાં શ્રી દત્તાત્રેય હોસબલેએ હિન્દુઓએ તમામ ક્ષેત્રોમાં હાંસલ કરેલી સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું. તેઓ જે દેશોમાં સ્થિર થયા હતા ત્યાંના મુખ્ય પ્રવાહમાં હળીમળી જવા સાથે તેમણે પોતાના મજબૂત સાંસ્કૃતિક આધારને પણ જાળવી રાખ્યો હતો. શ્રી દત્તાત્રેયે જણાવ્યું હતું કે, ‘યુકેમાં ખૂબજ સફળ હિન્દુ બિઝનેસ કોમ્યુનિટીએ હવે આ દેશની સંસ્થાઓને પ્રભાવિત કરનારી પહેલોને સપોર્ટ કરવા પરોપકારી સંસ્થાની રચના વિશે ગંભીરતાથી વિચારવું જોઈએ.’ વ્યક્તિગત રીતે તો હિન્દુઓએ ભારે સફળતા દર્શાવી છે અને સંબંધિત સંસ્થાઓમાં સમાજભાવનાના મહાન ઉદાહરણો પણ જોવાં મળે છે. આમ છતાં, તમામ હિન્દુઓને એક સાથે લાવે તેવા સંગઠિત હિન્દુ અવાજને વિકસાવવાથી વિશેષ પ્રભાવ અને તાકાત મળશે.
શ્રી દત્તાત્રેયે સમજાવ્યું હતું કે, ‘સુગઠિત સમાજ એ છે કે તેમની અન્ય વિવિધતા અને મતભેદોને ધ્યાનમાં લીધા વિના જ પોતાના તમામ નાગરિકો વતી સામાન્ય પ્રતિભાવ આપવાનું વ્યવસ્થાતંત્ર ધરાવે.’ RSS કેવી રીતે આ ઉદ્દેશ્ય તરફ કામગીરી કરે છે અને સમાજના મોટા ભાગના ક્ષેત્રોમાં સંપૂર્ણપણે સક્રિય ૪૦થી વધુ વિવિધ ઓર્ગેનાઈનેઝન્સ દ્વારા પોતાની પહોંચનો વિસ્તાર કરે છે તે પણ શ્રી દત્તાત્રેયે સમજાવ્યું હતું. આ સંસ્થાઓમાં વિજ્ઞાનીઓના સમુદાય, સૌથી મોટા ખેડૂતસંઘ અને વિદ્યાર્થી યુનિયન સહિત ભારતના કેટલાક વિશાળ સંગઠનોનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે સંસ્થાના પૂર્ણકાલીન સ્વયંસેવક તરીકે ઓળખાવાતા RSS પ્રચારક એટલે શું તેની પૃચ્છાનો મર્મભેદક ઉત્તર વાળતા તેમણે કહ્યું હતું કે, ‘RSS પ્રચારક હિન્દુ સમાજની સંપત્તિ છે.’
આ કાર્યક્રમમાં હિન્દુઓ માટે સંપર્કના વૈશ્વિક મંચ, વિચારોના આદાનપ્રદાન, પારસ્પરિક પ્રેરણા અને સર્વકલ્યાણ ને અસર કરનારી આગામી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ (www.worldhinducongress.org)ની પણ રજૂઆત કરાઈ હતી. દર ચાર વર્ષે યોજાતી વર્લ્ડ હિન્દુ કોંગ્રેસ આ વખતે ૭થી ૯ સપ્ટેમ્બર, ૨૦૧૮ના ગાળામાં યુએસએના શિકાગોમાં યોજાશે, જે શિકાગોમાં વિશ્વ ધર્મસંસદ (Parliament of World Religions) સમક્ષ સ્વામી વિવેકાનંદના ઐતિહાસિક સંબોધનની ૧૨૫મી વર્ષગાંઠ પણ હશે. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં સાત સમાંતર કોન્ફરન્સીસનું આયોજન છે, જેમાં આર્થિક, શિક્ષણ, મીડિયા, સંગઠનકીય અને રાજકીય સહિત વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિક હિન્દુ ડાયસ્પોરાના મૂલ્યો, સર્જનાત્મકતા અને ઉદ્યોગસાહસિકતાના જોશને તેમજ હિન્દુ નારીઓ અને યુવાવર્ગના અનોખાં નેતૃત્વ અને પ્રદાનને દર્શાવવામાં આવશે. ૨૦૧૪માં વર્લ્ડ હિન્દુ કોંગ્રેસનું દિલ્હીમાં આયોજન કરાયું હતું, જેમાં ૫૩ દેશના ૧૮૦૦ ડેલિગેટ્સની હાજરી રહી હતી. આ વર્ષનો વિષય ‘સુમંત્રિતે સુવિક્રાંતે’ (Think Collectively, Achieve Valiantly) એટલે કે ‘સમૂહમાં વિચારો અને પુરુષાર્થથી હાંસલ કરો’ રખાયો છે. વર્લ્ડ હિન્દુ કોંગ્રેસમાં રજિસ્ટ્રેશન કરાવવા [email protected]ને ઈમેઈલ કરશો. (૬૪૭)