ચીફ ઇન્સ્પેક્ટર લારા એલેક્ઝાન્ડર-લોઈડ સહિત અન્ય પોલીસ અધિકારીઅો સમક્ષ વેલિંગબરોના ગુજરાતીઅો દ્વારા થયેલી ઉગ્ર રજૂઆતોને પગલે વેલિંગબરો અને નોર્ધમ્પટન વિસ્તારની પોલીસે સતર્ક થઇને આદરેલી કામગીરી દરમિયાન કુલ નવ જેટલા શકમંદ તસ્કરોની ધરપકડ કરાઇ હતી અને એક શકમંદને કસ્ટડીમાં ધકેલવામાં આવ્યો હતો. પરંતુ હજુ કોઈ એક પર આરોપ લગાવવામાં આવ્યો નથી.
ગત નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન વેલિંગબરો અને નોર્થમ્પટનમાં ચોરીઅોના ૩૦ જેટલા બનાવો બન્યા હતા જે પૈકી દસેકમાં હિંસા આચરવામાં આવી હતી. ગત રવિવારે હિન્દુ કોમ્યુનિટી સેન્ટર વેલિંગબરો ખાતે ઘટનાઓને પગલે યોજાયેલ બેઠકમાં લગભગ ૨૫૦ લોકોએ હાજરી આપી હતી.
આ બેઠકમાં હાજરી આપનાર ચીફ ઇન્સ્પેક્ટર લારા એલેક્ઝેન્ડર-લોઇડે જણાવ્યું હતું કે "આ બેઠક મારા મતે મુશ્કેલ હતી, પરંતુ સાથે સાથે રચનાત્મક પણ હતી. આ કામગીરી અમારા માટે અગ્રતા ક્રમે છે અને આ બનાવો છેલ્લા છ અઠવાડિયા દરમિયાન બન્યા હતા. કેટલાક બનાવને લૂંટ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, પરંતુ બધા બનાવો પાછળનો હેતુ એશિયન લોકો પાસેથી સોનાની ચોરી કરવાનો હતો. મોટા ભાગના બનાવો નોર્ધમ્પ્ટનમાં બન્યા હતા. જ્યારે વેલિંગબરોમાં ૧૦ બનાવો બન્યા હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીઅો સમજે છે કે શા માટે લોકો ચિંતિત છે અને તેઅો સૌ પોલીસ પાસેથી હૈયાધારણ માંગે છે.”
તેમણે કહ્યું હતું કે "લોકો વધતા જતા ચોરીઅોના બનાવોથી ચિંતિત છે જે તદ્દન યોગ્ય છે. આ બેઠક ગુનાખોરી અટકે તે માટે હતી અને આવા બનાવો અોછા બને તે માટે તેમણે જાતે જ કાઇંક કરવું પડશે. નોર્ધમ્પટન અને વેલિંગબરોમાં કાર્યરત અધિકારીઓ દ્વારા ચોરીના બનાવોને અટકાવવા માટે અસંખ્ય પગલા લેવાયા છે અને જવાબદાર લોકોને શોધી કાઢવામાં આવ્યા છે. સ્પેશ્યલ કોન્સ્ટેબલો દ્વારા નજરે ચઢે તે રીતે પેટ્રોલિંગ કરવામાં આવે છે. નેઇબરહુડ પોલિસિંગ ટીમો અને ટેક્ટિકલ રોડ્સ પોલિસિંગ ટીમ તરફથી તેમને મદદ કરવામાં આવે છે.”
મીટિંગ પછી પોલીસ અને સમુદાયના નેતાઓ વચ્ચે નવા ગુના સહિત નીયમીત જાણકારી આપવા સહિત કેટલાક પગલાંઓ બાબતે સહમતી સધાઇ હતી. પોલીસે લોકોને સંપર્કમાં રહેવા અને કોઈ માહિતી હોય તો પોલીસને 101 નંબર ઉપર અથવા ક્રાઇમ સ્ટોપર્સને 0800 555111 ઉપર જાણ કરવા વિનંતી કરી હતી. પોલીસ સર્જરીમાં આવીને સૌ સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરી શકે છે અને ગુનો નિવારણ સલાહ મેળવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે (અંક ૨૦-૧-૧૮) ગુજરાત સમાચારમાં પાન નં. ૨૯ ઉપર આ બેઠક અંગે સમચાર પ્રસિધ્ધ થયા હતા.