લંડનઃ વેલ્સ ફર્સ્ટ મિનિસ્ટર કાર્વિન જોન્સ દિવાળી અને નવા હિન્દુ વર્ષની ઉજવણીના મૂડમાં આવી ગયા હતા અને ૧૬ ઓક્ટોબરની રાત્રે કાર્ડિફમાં દાંડિયા રાસ ગાનારાઓની સાથે જોડાઈ તેમણે મોજ માણી હતી. વેલ્સના માનદ ભારતીય રાજદૂત રાજેશ અગ્રવાલ દ્વારા વેલ્સ મિલેનિયમ સેન્ટરમાં આયોજિત પરંપરાગત ભારતીય સંગીત અને નૃત્યના કાર્યક્રમમાં ૩૦૦થી વધુ લોકો હાજર રહ્યા હતા. વેલ્સ અભિનેત્રી વિકી બોબે પણ અહીં પરફોર્મન્સ આપ્યું હતું.
ઓનરરી કોન્સલ રાજ અગ્રવાલે જણાવ્યું હતું કે દિવાળીની ઉજવણીના કાર્યક્રમમાં ફર્સ્ટ મિનિસ્ટરને નૃત્ય કરતા નિહાળવાનો લ્હાવો અદ્ભૂત રહ્યો હતો. આ કાર્યક્રમમાં સંબોધનો દરમિયાન રાજ અગ્રવાલે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ અમલી કરાયેલા વેલ્સમાં સ્મોલ એન્ડ મીડિયમ સાઈઝના બિઝનેસીસ માટે નવા વેપાર સોદાની જાહેરાત કરી હતી. એક્સેસ ઈન્ડિયા પાઈલોટ સ્કીમમાં ભારતમાં ઉત્પાદન અને વેપાર કરવા ટેકનોલોજી ફર્મ્સની શોધ ચલાવાઈ છે, જેમાં પ્રાદેશક અને રાષ્ટ્રીય રેડ-ટેપિઝમને દૂર કરી બિઝનેસ નેટવર્ક્સ સાથે જોડાણ કરી અપાશે.
મિ. અગ્રવાલે કહ્યું હતું કે સત્તાવાર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ વિના જ વેપાર કરવાનું સરળ બનાવાયું હોઈ વેલ્શ કંપનીઓ ઈયુ અંકુશોને બાયપાસ કરી શકશે. વેલ્શ કંપનીઓને આંતરરાષ્ટ્રીય સ્પર્ધકો સામે કુદરતી ફાયદો હાંસલ થશે, જેનો આપણે લાભ લેવો જ જોઈએ.