લંડનઃ સાઈબાબાની મહાસમાધિના શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે તા.૧૮ નવેમ્બર, ૨૦૧૭ને શનિવારે શિરડી સાંઈ ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા શ્રી શિરડી સાઈ સંસ્થાન યુકેના સહયોગથી ભારતના વિવિધ નૃત્યો અને સંગીત સાથે સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેમ્બલીના સનાતન હિંદુ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમના મુખ્ય મહેમાનપદે શિરડી સાઈ ગ્લોબલ ફાઉન્ડેશનના ચેરમેન ડો. સી.બી. સત્પથી ઉપરાંત, વીરેન્દ્ર શર્મા MP, ભગવાનજી ચૌહાણ (મેયર ઓફ બ્રેન્ટ), મોહમ્મદ ભટ (બ્રેન્ટ કાઉન્સિલના વડા) અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ભારતના વિવિધ પ્રાંતોનું પ્રતિનિધિત્વ કરતા કુચીપુડી, ઓડિસી, ભરતનાટ્યમ અને અન્ય પ્રકારના નૃત્યો હતા. કેટલીક નૃત્યરચનાઓ ડો. સત્પથીએ લખેલા ગીતો પર આધારિત હતી.
સ્થાનિક સંસ્કૃતિ સાથે ભળી જવાના ડો. સત્પથીના સંદેશને અનુસરતા મિસ આઈરિન રોબિન્સને બેગપાઈપ વાદન રજૂ કર્યું હતું. લેટિવિયામાં જન્મેલા અને સ્વીડનમાં નૃત્ય શીખેલા મિસ કેટરિના રૂટે ઓડિસી નૃત્ય રજૂ કર્યું હતું.
યુકેમાં ચાલતા ચેરિટી કાર્યોમાં મદદરૂપ થવા ડો. સત્પથીએ મેયર ઓફ બ્રેન્ટને આર્થિક સહાય સુપરત કરી હતી.
આ પ્રસંગે યુકે અને વિશ્વના અન્ય ભાગોમાં માનવતાવાદી અને પરોપકારના કાર્યો બદલ ડો. સી.બી. સત્પથીનું સન્માન ભગવાનજી ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું હતું.