લંડન: અનુપમ મિશનના અધિષ્ઠાતા પરમ પૂજ્ય સાહેબજીની વૈશ્વિક તીર્થયાત્રાને 50 વર્ષ થઈ ગયા છે. 1973માં શરૂ થયેલી આ મહાતીર્થયાત્રા, સંત સમાગમ, સત્સંગ અને સેવાના 50 વર્ષની ઉજવણી અનુપમ મિશન યુકેમાં 18 જૂન, રવિવારે થઈ.
આ પ્રસંગે સાહેબજીએ કહ્યું- “પ્રભુના કાર્યમાં વફાદારી અને નિષ્ઠા અગત્યની છે. યોગીજી જેવા સત્પુરુષ ની કૃપાથી આ 50 વર્ષનો ઇતિહાસ લખાયો છે. સાચી ઉજવણી એ 50 વર્ષની સત્સંગ સભાની છે. ગુરુદેવ યોગીજી મહારાજે આ સત્કાર્યની શરૂઆત કરી હતી. 1970માં યોગીજી મહારાજ લંડન આવ્યા. સ્વામિનારાયણ સંતોમાં અહીંયા પધારનાર તેઓ પહેલા હતા.”
સાહેબજીએ જણાવ્યું, “સાધુનું સિરમોર ગુણ દાસત્વ ભક્તિ છે. સંતોને લીધે ભારતીય પરંપરા અને સંસ્કૃતિ ટકી રહી છે. કુસંગ દૂર થયો અને સત્સંગ શરૂ થતાં સમાજ પ્રગતિના પંથે અગ્રસર થયો. સંતોની આજ્ઞાથી જે કોઈ કાર્ય કરે તો એનું ફળ તીર્થયાત્રાથી પણ મોટું છે. ધર્મ, મંદિર, સત્સંગથી જ માનવ માત્રનું ભલું થશે. કોઇ પણ પરિવારની સૌથી મોટી મૂડી એના દીકરા-દીકરીઓ છે. બે પૈસા ઓછા કમાવો પણ સંતાનોને સાધુ-સંતો અને સંસ્કૃતિથી પરિચય કરાવો. જે રીતે કાદવમાં ખરડાઇ ગયેલા બાળકને માતા નવડાવે છે એ જ રીતે સંતો બાળકના મનને શુદ્ધ કરે છે.”
હિમત સ્વામી, વિનોદભાઈ નકારજા, હિતેશભાઇ, તૃપ્તિબેન પટેલ, સતિશભાઇ ચટવાણીએ છેલ્લા 50 વર્ષની સ્મૃતિઓને વાગોળી હતી. સંચાલન ભાવિશા બેન ટેલરે કર્યો હતો. હૈરોના મેયર રામજી ચૌહાણ, સીબી પટેલ, દીપક જટાણીયા, પ્રવીણ અમીન, પ્રમોદ ઠકરાર, વિનોદ ઠકરારને ખેસ પહેરાવીને ખાસ સમ્માન કરવામાં આવ્યો હતો.
ગુજરાત સમાચાર સાથે પણ 50 વર્ષનો સંબંધ
સાહેબજીએ કહ્યું કે, ગુજરાત સમાચાર સાથે પણ 50 વર્ષનો સંબંધ છે. કુસુમબેને ઓફિસમાં પધરામણી માટે બોલાવ્યા પછી સીબી પટેલે છાપુ લીધું અને આજે પણ સરસ રીતે ચાલે છે, એ જોઈને આનંદ થાય છે. તેઓ સમાજ અને સંસ્કૃતિના જતન માટે જે પ્રયાસો કરે છે, એ અનુકરણીય છે. શાંતિદાદાનું સ્મરણ કરતાં સાહેબજીએ કહ્યું, “આ એક મુલાકાત મારી એવી છે જેમાં મારી સાથે શાંતિભાઈ નથી. એમને હું મિસ કરૂં છું. ભગવાનની સેવામાં તેઓ હોમાઈ ગયા.”
સાહેબજી આપ ખરેખર માણસને માણસ બનાવી શક્યા છો: સીબી પટેલ
સી બી પટેલે કહ્યું કે, હિંદુ ડાયસ્પોરા વિશ્વમાં સૌથી મોટો અને પ્રભાવશાળી છે. સંત અને ગુરુ પરંપરાનું આગવું સ્થાન છે. સંતોના પરોપકારી કાર્ય જોઇને હું કહી શકું છું કે પરમાત્મા મેં જોયા નથી પણ પરમાત્મા કોનામાં છે, મેં જોયા છે. અનુપમ મિશનની આ જગ્યા પર શૂન્યમાંથી સ્વર્ગનું સર્જન મેં જોયું છે. સાહેબજીના સંકલ્પથી કેટલું સુંદર કાર્ય થયું છે. સાહેબજી આપ ખરેખર માણસને માણસ બનાવી શક્યા છો. આ કાર્યોની આપણી ત્રીજી પેઢીને પણ ખબર પડે એના માટે એવા સદ્પ્રયાસોને ગ્રંથસ્થ કરવાની તાતી જરૂર છે.