સંસ્કારવાહિની: લોકસાહિત્ય અને ચારણી સંસ્કૃતિનો Zoom કાર્યક્રમ

તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૧, રવિવારે બપોરે ૩.૦૦થી ૫.૦૦- ઓનલાઇન 'ઝૂમ' કાર્યક્રમ

Wednesday 06th January 2021 04:14 EST
 
 

કોરોના અને નવા કોરોના સ્ટ્રેઇનની મહામારીથી યુ.કે.ભરના શહેરો, નગરોમાં લોકડાઉનની પરિસ્થિતિ પ્રવર્તે છે. ક્રિસમસ કે ૨૦૨૧ને વધાવતી ન્યૂયરની સહપરિવાર ઉજવણી કે પાર્ટી પણ આપણે કરી શક્યા નહિ. આવી પરિસ્થિતિમાં હામ હાર્યા વગર સૌ બ્રિટનવાસીઓએ સરકારી એલાનની ગંભીરતાને સમજી સૌએ ઘરમાં જ રહી આ વર્ષની ક્રિસમસ ઉજવી. સમય અને સંજોગને આધીન થયેલા માનવજગતે કોરોનાકાળમાં નિરાશ થયા વગર લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરી "ઝૂમ" (Zoom) દ્વારા એકબીજા સાથે સંપર્ક રાખ્યો છે. ઘરની ચાર દિવાલો વચ્ચે એ પૃથ્વીના કોઇપણ ખૂણે બેઠેલા સગા-સ્નેહી કે મિત્રો સાથે ચહેરો જોઇ-બતાવી, જાણે પ્રત્યક્ષ જ વાત કરતા હોય એવો નવો ટ્રેન ઉભો કર્યો. આ 'ઝૂમ' દ્વારા ઘરે બેસી કામ કરનારા, સંસ્થાઓ, ચેરિટી ઓર્ગેનાઇઝેશનો તેમજ સંગીત-જલસા અને ભક્તિસંગીતના કાર્યક્રમો માણી શકાય છે.
‘ગુજરાત સમાચાર' તથા 'Asian Voice’ ના કેટલાક વાંચકો, શુભેચ્છકોની ઓનલાઇન કાર્યક્રમ પ્રસ્તુત કરવાની માંગને ધ્યાનમાં લઇને તંત્રીશ્રી સી.બી. પટેલે 'ઝૂમ' પર "ચારણી લોકસાહિત્ય"નો એક સુંદર લાઇવ કાર્યક્રમ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે.
સૌરાષ્ટ્રની ધરતી પર ગીરના જંગલોમાં જયાં મોટા મથ્થાળા સિંહો છૂટા ફરે છે એ ગિરના જંગલના નેહડામાં જન્મેલ, સિંહો વચ્ચે રમતો એક ૧૪ વર્ષનો ચારણ બાળક રવિરાજ ચારણી લોકસાહિત્ય રજૂ કરશે. ગીરના નેહડામાં રહેતા અને પ્રકૃતિ વચ્ચે લાકડીના ટેકે ચારણી ભાષામાં મા ભવાનીને વંદિત દોહા લલકારતો જોઇ અમે આ કાર્યક્રમ 'ઝૂમ' પર પ્રસારિત કરવા નિર્ણય લીધો છે. આ બાળકને શિક્ષણની ઝાઝી વ્યવસ્થા મળતી નથી પણ એની રગેરગમાં ચારણી લોકકલા વહે છે. કાર્યક્રમમાં એની સાથે રાજકોટ સ્થિત ચારણી સંગીત અને લોકસાહિત્યના પ્રખર વક્તા રાજભા ગઢવી પણ એમના પડછંદ અવાજે લોકસાહિત્યને રજૂ કરશે. ગુજરાતમાં જાણીતા રાજભા ગઢવી પણ ગીરનું જ ફરજંદ છે.
‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે તા.૧૭ જાન્યુઆરી ૨૦૨૧, રવિવારે બપોરે ૩.૦૦થી ૫.૦૦ સુધી યોજાનાર આ ઓનલાઇન 'ઝૂમ' કાર્યક્રમનું સંચાલન બ્રાયટન સ્થિત ધીરૂભાઇ ગઢવી અને 'ગુજરાત સમાચાર'ના મેનજીંગ એડિટર કોકિલા પટેલ કરશે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે 'વેસ્ટકોમ્બ ગ્રુપ'ના ડિરેકટર અને ભક્તિસંગીત પ્રેમી વ્રજભાઇ પાણખાણિયા જોડાશે.
ચારણી લોકસાહિત્ય જેની રગેરગમાં વહે છે, મા ભવાનીની સ્તુતિ-સ્તવન જેના કંઠે સતત રમે છે એવા ગઢવીઓના ઘેઘુર કંઠે સતત બે કલાક લોકસાહિત્ય માણવા મળશે.
આ લોકસાહિત્યના કાર્યક્રમમાં બ્રિટનમાં વસતા ચારણીપુત્રો મહેશભાઇ ગઢવી, ધ્રુવ ગઢવી, પ્રતાપ ગઢવી અને અમેરિકા સ્થિત રામભાઇ ગઢવી અને નામાંકિત મહાનુભાવો પણ ખાસ જોડાશે. આ પ્રસંગે જાણીતા ગાયક મહેશ, ગઢવી, અને નીતુ ગઢવી એમના સુરીલા કંઠે ગીતો રજૂ કરશે.
આખાય ઓનલાઇન 'ઝૂમ' કાર્યક્રમનું ટેકનિકલ સંચાલન બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના મહેન્દ્રભાઇ ચૌહાણ અને અનંતભાઇ સૂચક સંભાળશે.

‘ઝૂમ' પર જોડાવવા લીંક માટે સંપર્ક [email protected]. કોકિલા પટેલ [email protected].
વહેલો તે પહેલાના ન્યાયે કાર્યક્રમમાં સૌનો સમાવેશ થઇ શકશે. કાર્યક્રમમાં જોડાવા ઇચ્છુકને આવતા સપ્તાહે લીંક મોકલવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter