• સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુકે દ્વારા વક્તવ્યનું આયોજન: સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુકે દ્વારા ‘સરદાર ત્યારે અને અત્યારે’ વિષય પર એક પ્રેરણાદાયી વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ સંબોધન કરશે. કાર્યક્રમ ઝૂમ મીટીંગ એપ પર રવિવાર, પાંચમી જુલાઈના રોજ લંડન સમય અનુસાર બપોરે ૪.૩૦ કલાકે યોજાશે. કાર્યક્રમમાં સંસ્થાના ચેરમેન સી. બી. પટેલ, લોર્ડ રેમી રેન્જર સીબીઈ, સેક્રેટરી ક્રિષ્ના પૂજારા સહિતના હોદ્દેદારો અને સભ્યો સામેલ થશે. સમગ્ર કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમિંગ ફેસબુકના સરદાર પટેલ મેમોરીયલ સોસાયટી યુકેના પેજ પરથી કરાશે તેમ પણ સંસ્થાની યાદીમાં જણાવાયું છે. (કાર્યક્રમની વધુ વિગતો માટે જૂઓ જાહેરખબર પાન ૭)
• વેમ્બલી અને લેટનસ્ટન મંદિરમાં દર્શન ખુલશે: શ્રી વલ્લભ નિધિ યુકે સંસ્થા દ્વારા સરકારની માર્ગદર્શિકાને અનુસરીને બુધવાર પહેલી જુલાઈથી વેમ્બલી અને લેટનસ્ટન મંદિર ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવશે. વેમ્બલી મંદિર સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી ખુલ્લું રહેશે.
લેટનસ્ટન મંદિર – રામ મંદિર અને હવેલી- સવારે દસ વાગ્યાથી બપોરે ૧૨ અને બપોરે ચાર થી સાંજે છ સુધી ખુલ્લું રહેશે. ભક્તો અને સંસ્થાના કર્મીઓની સુરક્ષાને અનુલક્ષીને મંદિરની મુલાકાત અને દર્શન તથા પૂજ-અર્ચના માટે નિયમોને આધિન રહીને પ્રવેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ મંદિરમાં પ્રવેશતા અગાઉ સંસ્થા દ્વારા દર્શાવેલા નિયમો વાંચીને તેના અમલ સાથે પ્રવેશ કરે. મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે જેથી કોવિડ-૧૯ મહામારી સામે રક્ષણ મેળવી શકાય. મંદિરમાં સામાન્ય રકમ ચૂકવીને કાર પાર્કિંગ કરી શકાશે. દર્શનાર્થીઓને પોતાની સાથે પ્રસાદ નહિ લાવવા માટે પણ સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.
• બાલમ મંદિર ખાતે મનોરથ અને ઓનલાઇન સત્સંગ: ૩૩ બલહામ હાઈ રોડ, sw12 9AL સ્થિત બાલમ મંદિર ખાતે ગિરિરાજ ત્રહેતીમાં ભોજનથાળ મનોરથ અને ઓનલાઇન સત્સંગનું આયોજન કરાયું છે. શનિવાર ચોથી જુલાઈના રોજ યુકે સમય અનુસાર બપોરે ૩.૧૫ કલાકે આધ્યાત્મિક પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાશે. શનિવારે ૩.૧૫ કલાકે સત્સંગ થશે, ૪ કલાકે લાઇવ ઉત્સવ દર્શન અને આરતી થશે. જેજેશ્રી દ્વારા કિર્તન સહિત વચનામૃત કરાશે. સત્સંગનો લાભ લેવા ઇચ્છુકો ઝૂમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાઈ શકશે.
• નેહરુ સેન્ટર દ્વારા પરિસંવાદનું આયોજન: ધી હાઈ કમિશન ઓફ ઈન્ડિયા તરફથી નેહરુ સેન્ટર દ્વારા અ ટોકઃ યોગા એન્ડ ધી કોવિડ ક્રાઈસિસ વિષય પર ત્રીજી જુલાઈ, શુક્રવારે એક પરિસંવાદનું આયોજન કરાયું છે. યુકે સમય અનુસાર શુક્રવાર, ત્રીજી જુલાઈએ બપોરે ૧૨ કલાકે સોશ્યલ મીડિયા પર આ પરિસંવાદ યોજાશે. કાર્યક્રમમાં જાણીતા આધ્યાત્મિક લીડર, લેખક સમાજ સુધારક યોગી શ્રી એમ સાથે લીલી સંસ્થાનાં અધ્યક્ષા મોહિની કેન્ટ નૂન ભાગ લેશે. તેઓ યુકેમાં લીલી અગેઇન્સ્ટ હ્યુમન ટ્રાફિકિંગ એન્ડ ગ્લોબલ એન્વોય ઓફ ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કન્ફડેરેશનની કમાન સંભાળે છે. કાર્યક્રમમાં શ્રી એમ પ્રશ્નોના ઉત્તર આપશે. સમગ્ર કાયક્રમ ઓનલાઇન એક કલાક સુધી ચાલશે તેમ સંસ્થા દ્વારા એક યાદીમાં જણાવાયું છે. કાર્યક્રમમાં રસ ધરાવનારા ઓનલાઇન માધ્યમથી વક્તાઓ સાથે જોડાઈ શકશે.
• ભારતીય વિદ્યા ભવનના સમર ક્લાસીસનું આયોજન ૧૩ જુલાઇથી ૨ ઓગષ્ટ ૨૦૨૦ સુધી કરવામાં આવ્યું છે. આ બધા વર્ગો ઝૂમ પર ચાલશે. વધુ વિગત માટે જુઓ વેબસાઇટ: www.bhavan.net