સનાતન ધર્મપરંપરામાં શિક્ષાપત્રી અને વચનામૃતના યોગદાનને બિરદાવતા દિગ્ગજ પંડિતો

Wednesday 25th September 2024 04:23 EDT
 
 

વડતાલઃ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં યોજાયેલા ત્રિદિનાત્મક આંતરરાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત દક્ષિણ ભારત અને બનારસના પંડિતો - પ્રોફેસરો અધ્યાપકો - શોધછાત્રોએ રિસર્ચ પેપર સાથે ભાગ લીધો. શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે ‘સનાતન ધર્મ અનુપ્રાણિત સ્વામિનારાયણ સંપ્રદાયના વચનામૃત અને શિક્ષાપત્રી ગ્રંથમાં પ્રાપ્ત ભારતીય જીવનમૂલ્ય’ વિષય પર વડતાલ મંદિર દ્વારા આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજાયો હતો. જેમાં દિલ્હીસ્થિત ભારતીય તત્વાનુસંધાન પરિષદ સહિત 18 જેટલી કેન્દ્રીય અને રાજ્ય સ્તરીય યુનિવર્સિટીઓ સાથે મળીને 500થી વધુ સારસ્વતો જોડાયા હતા.
સમારંભમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. જ્ઞાનજીવન સ્વામી - કુંડળ, ચેરમેન દેવપ્રકાશ સ્વામી સહિતના વરિષ્ઠ સંતો વગેરે સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદનું આયોજન ગુજરાતના મોટા ગજાના વિદ્વાન સારસ્વત ડો. બળવંત જાનીના નેતૃત્વમાં અને શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસ સ્વામીના અધ્યક્ષપદે કરાયું હતું.
પૂ. માધવપ્રિયદાસજીએ શાસ્ત્રીય રીતે અશાસ્ત્રીય વાતોનું નિરાકરણ કરીને મૂળ સંપ્રદાયનું દર્શનતત્ત્વ રજૂ કર્યું હતું , જેથી બનારસ અને દક્ષિણ ભારતના વિદ્વાનોએ સંતોષ સાથે કહ્યું હતું કે, આજે અમને વિશેષ મૂળ સંપ્રદાયનો સિદ્ધાંત સ્પષ્ટ થયો છે. આ પ્રસંગે વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિ - ઉપકુલપતિ - વિભાગોના અધ્યક્ષો અને તજ્જ્ઞ વિદ્વાનોએ મનનીય વક્તવ્ય આપીને પરિસંવાદને સફળ બનાવ્યો હતો. વિશિષ્ટ વ્યાખ્યાનથી વૈશ્વિક પરિસંવાદ સંસ્મરણીય થયો હતો. જેમાં શિક્ષાપત્રી અને વચનામૃતને સનાતન ધર્મના પ્રાણતત્વ ગણાવીને આ બંને ગ્રંથો અંગે વૈશ્વિક સ્તરે વિવિધ વિષયો પર વિશેષ વ્યાખ્યાન પ્રવચન જ નહિ, જીવન ઉપયોગી પ્રયોગાત્મક ઉદ્બોધન થવા જોઈએ તેવી લાગણી વ્યક્ત થઇ હતી.
શિક્ષાપત્રીના શ્લોકોમાં વર્તમાન જીવનની સમસ્યાઓનો ઉકેલ છે. મેનેજમેન્ટના પ્રશ્નોનું - પર્યાવરણ અને પરિવારના પ્રશ્નોનું નિરાકરણ છે. આમ શિક્ષાપત્રીની તાકાત સમયાનુસાર ઉઠતા પ્રશ્નોના સમાધાન આપવાની છે. જ્યારે વચનામૃત ગુજરાતનું આધુનિક ગદ્યનું મૌલિક સ્વરૂપ છે. વચનામૃતનાં પાને પાને સનાતન ધર્મનું પ્રાણતત્વ પથરાયેલ છે. ગીતા, ભાગવત અને ઉપનિષદના સુત્રોનો અર્ક નિતરે છે. આ પરિસંવાદમાં પ્રો. અવની ચગ (નેધરલેન્ડ) ઉપસ્થિત રહ્યા હતા તો અમેરિકા પેન્સિલવિનીયાના બાબુ સુથાર, કોલંબિયાના યોગી ત્રિવેદી, લંડનના જગદીશ દવેના નિબંધોનું વાંચન થયું હતું.
ગુજરાત સાહિત્ય અકાદમી અનુપ્રાણિત સત્રમાં નિસર્ગ આહિર, નરેન્દ્ર પંડયા, અજયસિંહ ચૌહાણ, સંજય મકવાણા, પુલકેશ જાની વગેરેએ રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. ગુજરાત અને ગુજરાતી સંશોધકોના પત્રોની વિદ્વાનોએ મુક્તકંઠે પ્રસંશા કરી હતી. પરિસંવાદમાં ઉપસ્થિત સંપ્રદાયના યુવા સંતોએ ધારા પ્રવાહ સંસ્કૃતભાષામાં આપેલા વક્તવ્યથી વિદ્વાનોએ આનંદ વ્યક્ત કરતાં કહ્યુ હતું કે, આ મૂલ સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશિષ્ટ યોગદાન ગણાશે. આપ સંસ્કૃતની નવી પેઢી તૈયાર કરી રહ્યા છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter