શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) દ્વારા રવિવાર 25મી જૂન 2023ના દિવસે ભગવાન જગન્નાથજીની પવિત્ર રથયાત્રાની ઉજવણી લંડનના સાઉથોલ ખાતે કરવામાં આવી હતી જ્યાં સેંકડો હરિભક્તોએ ‘હરિ બોલો’ અને ‘જય જગન્નાથ’ના આનંદી જયઘોષથી તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. લંડન અને સમગ્ર યુકેના ભાવિક ભક્તો ભગવાન જગન્નાથજી અને તેમના ભાઈ ભગવાન બલભદ્રજી અને બહેન દેવી સુભદ્રાજી તેમના મોસાળ ગુંડિચા મંદિર સુધી વાર્ષિક ભવ્ય રથયાત્રા કરે છે તેનો મોકળાશથી લાભ લઈ શકે તે માટે SJSUK દ્વારા વિલિયર્સ હાઈ સ્કૂલ સાઉથોલમાં ઉજવણીનું આયોજન કર્યું હતું.
ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવાથી તમામ સંચિત પાપકર્મ ધોવાઈ જતાં હોવાની માન્યતા છે. નાના બાળકોથી માંડી વયોવૃદ્ધ 500થી વધુ ભાવિકો ઉજવણીના સ્થળે આવી પહોંચ્યા હતા અને ભગવાન જગન્નાથજીનો રથ ખેંચવા સાથે આનંદપૂર્વક નૃત્ય અને ભજનકિર્તનની રમઝટ બોલાવતા રથયાત્રામાં જોડાયા હતા.
ઓડિશાના પૂરીમાં પૂજારીઓ દ્વારા કરાતી તેમજ સ્કંદ પુરાણમાં લિખિત પરંપરાગત જગન્નાથ રીતિ અને વિધિઓ અનુસાર પૂજન કરાયું હતું. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્રજી, દેવી સુભદ્રાજી અને સુદર્શન માટે ભગવાન જગન્નાથજીના ભક્તો દ્વારા હાથથી નિર્મિત અને પેઈન્ટ કરાયેલા સુસજ્જિત રથને ફૂલથી શણગારાયા હતા. સાઉથોલના શ્રી રામ મંદિરમાં સિંહાસન પર બેસાડાયેલી દિવ્ય મૂર્તિઓને નવાં વસ્ત્રો અને અને ઝવેરાતથી સુશોભિત કરવામાં આવી હતી. ઘંટ અને શંખનાદની મધ્યે ભવ્ય પાહાન્દી યાત્રામાં ભક્તો પ્રેમપૂર્વક ભગવાનની વિગ્રહ મૂર્તિઓને વિલિયર્સ હાઈ સ્કૂલ લઈ ગયા હતા. ભગવાનને ખીચડીનો ભોગ ધરાવાયો હતો.
રથ પ્રતિષ્ઠા પૂજાવિધિ પછી છેરા પાહાન્રા વિધિમાં રથની આગળના હિસ્સાની સાવરણીથી સફાઈ કરાઈ હતી. આ પછી ભક્તોના હરિ બોલોના જયનાદ અને શંખ-ઘંટના અવાજો અને મહાપ્રભુ સમક્ષ નૃત્યોથી વાતાવરણમાં ભક્તિભાવ ફેલાઈ ગયો હતો અને રથ ખેંચાવાનો આરંભ થયો હતો. ભક્તોએ રથસ્થિત મૂર્તિઓની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. ભક્તોને વિશિષ્ટ 56 વાનગીઓ તથા છેના તાડીઆ, પોડા પીથા અને ખીરમોહન જેવી સ્વાદિષ્ટ વાનગીઓના બનેલા છપ્પન ભોગ પ્રસાદ પીરસવામાં આવ્યો હતો.
ભગવાનની મૂર્તિઓને રથમાંથી મંદિરમાં લઈ જઈ અધરપાન નીતિ અને નિલાદ્રી બિજે વિધિઓ પણ કરવામાં આવી હતી. જોકે, રિસામણે ચડેલા લક્ષ્મી દેવીને મનાવવા લક્ષ્મી નારાયણા કાલિ વિધિ પણ કરવામાં આવી હતી. ભગવાનને તેમના સિંહાસનો પર બેસાડી સંપૂર્ણ ભોજન અને આરતી સાથે દિવસની ઉજવણીનું સમાપન કરાયું હતું.
શ્રી જગન્નાથ સોસાયટી યુકે (SJSUK) ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રજિસ્ટર્ડ ચેરિટેબલ સંસ્થા છે અને લંડનમાં શ્રી જગન્નાથ મંદિરના નિર્માણ અને તેના થકી યુરોપમાં જગન્નાથ સંસ્કૃતિના પ્રસાર માટે પ્રતિબદ્ધ છે. સંસ્થા માટે વધુ માહિતી વેબસાઈટ https://www.shreejagannatha.uk પરથી પ્રાપ્ત કરી શકાશે.