એશિયન વોઈસ ન્યૂઝવીક્લી દ્વારા આયોજિત બીજા એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૯ મેના દિવસે હિલ્ટન પાર્ક લેન ખાતે કરવામાં આવ્યું હતું. માનવતાને પોંખવાની સલૂણી સાંજના આ ભવ્ય સમારંભમાં બોલિવૂડની અભિનેત્રી અને મનમોહક મોડેલ જેક્વેલિન ફર્નાન્ડીસ આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. જેક્વેલિનને ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ વર્ષના એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સમાં ચેરિટી ઓફ ધ યરનો એવોર્ડ એન્ક્ઝાઈટી યુકેના ફાળે ગયો હતો.
ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન એવોર્ડ સ્વીકારતાં જેક્વેલિને જણાવ્યું હતું કે,‘હું હેબિટેટ ફોર હ્યુમેનિટી સંસ્થાનો આભાર માનું છું અને તેમના વતી આ એવોર્ડ સ્વીકારું છું. તેમની સાથે પાંચ વર્ષની કામગીરી ખરે જ મારી આંખ ઉઘાડનારી બની રહી હતી. તેનાથી મને સંખ્યાબંધ લોકો તેમને રહેવાના ઘર મેળવી ગૌરવ સાથે જીવન જીવી શકે તેવું મદદકારી કાર્ય કરવાની તક મળી છે. હું એવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરું છું જ્યાં મારા સહ-સિતારાઓ હીરો કહેવાય છે પરંતુ, મારાં માટે તો તમે જ સાચા હીરો છો.’
આ વર્ષના એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સમાં ચેરિટી ઓફ ધ યરનો એવોર્ડ મેળવનારી સંસ્થા એન્ક્ઝાઈટી યુકેની સ્થાપના એન્ક્ઝાઈટી-ચિંતાતુરતાના ડિસઓર્ડર્સથી અસરગ્રસ્ત લોકો માટે ૧૯૭૦માં કરવામાં આવી હતી. તેના સ્થાપકના એગોરાફોબિયાના અંગત અનુભવો તેની સ્થાપનામાં કારણભૂત બન્યાં હતાં.
એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સમાં સહાયક સંસ્થા ચેરિટી ક્લેરિટી માત્ર એવી સખાવતી સંસ્થાઓની જ વાત નથી, જેઓ વર્તમાન બ્રિટન અને વિશ્વમાં સૌથી પડકારજનક સામાજિક મુદ્દાઓનાં નિરાકરણની દિશામાં કાર્યરત છે પરંતુ, એ સંસ્થાઓ પણ છે જેઓ નાવીન્યપૂર્ણ વિચારો અને શ્રેષ્ઠતા સ્થાપિત કરવા ઈચ્છુક છે અને જેમની સફળતા તેમના આખરી પરિણામો સુનિશ્ચિત કરે છે. આ એવોર્ડ્સનો અર્થ પરિસ્થિતિઓને વધુ સારી બનાવવા કાર્યરત સંસ્થાઓને સન્માનિત કરવાનો છે. પ્રસિદ્ધ લેખક લોર્ડ જેફ્રી આર્ચરને યુકેમાં વિવિધ ચેરિટીઝને સેવા આપવામાં વીતાવેલાં વર્ષો બદલ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો. લોર્ડ આર્ચરે ખુદ અનેક ચેરિટીઝ અને ફાઉન્ડેશનોને સપોર્ટ કર્યો છે એટલું જ નહિ, પોતાના હૃદયની નિકટ રહેલાં અસંખ્ય માનવતાવાદી ઉદ્દેશો માટે ભંડોળ એકત્ર કરવા અનેક સંસ્થાઓને મદદ કરી છે.
ડિપાર્ટમેન્ટ ઓફ કલ્ચર, મીડિયા અને સ્પોર્ટ્સ વિભાગમાં ૨૦૧૬થી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટની ફરજ બજાવતા રોબ વિલ્સને આ સલૂણી સાંજના મુખ્ય મહેમાનનું પદ સંભાળ્યું હતું. તેમનો હોદ્દો જ ચેરિટીઝ, વોલન્ટીઅરિંગ, સામાજિક સાહસો અને યુકે સરકારના ‘સિવિલ એન્ડ બિગ સોસાયટી’ સાથે સંકળાયેલો છે. સમારંભમાં સંબોધન કરતા મિનિસ્ટરે જણાવ્યું હતું કે,‘આપણે પરિવર્તનના મોટા સમયખંડ તરફ જઈ રહ્યા છીએ અને આપણા દેશને વધુ બહેતર બનાવવા તેને પુનઃ આકાર આપવાની તકને ઓળખીએ તે મહત્ત્વનું છે. આપણે સમૃદ્ધ થતું અર્થતંત્ર તેમજ આપણી સફળતાથી દરેકને લાભ મળે અને પોતાનો અવાજ સંભળાશે તેવી ખાતરી ધરાવતો સમાજ ઈચ્છીએ છીએ. આપણી કોમ્યુનિટીઓ વચ્ચે મજબૂત સંબંધ બાંધવાની તેમજ જાતિ, લિંગ અથવા સામાજિક વર્ગ સંબંધિત અન્યાયો, એટલું જ નહિ, સખત પરિશ્રમી પરિવારોમાં ધ્યાનમાં નહિ લેવાતા રોજિંદા અન્યાયો સહિત તમામ અન્યાયોનો અંત લાવવા ભારે લડત આપવાની જરૂર છે. ચેરિટી સંસ્થાઓ આપણા સમાજમાં કેટલું પરિવર્તન લાવી શકે છે તે મેં નિહાળ્યું છે. ચેરિટી સેક્ટરમાં એશિયન કોમ્યુનિટીનું પ્રદાન ખરેખર વ્યાપક અને વિશાળ છે. હિન્દુ કોમ્યુનિટીમાં ‘સેવા’નો આદર્શ સ્વાભાવિક રીતે જ નિઃસ્વાર્થ સેવાનો છે અને સખાવતનો એક મુખ્ય સ્તંભ છે. બ્રિટિશ સમાજને તમે આપેલા અદ્ભૂત પ્રદાન, તમે કરેલાં અને આગળ ધપાવી રહેલાં કાર્યો માટે હું અંગત રીતે પણ આભાર વ્યક્ત કરવા ઈચ્છું છું.’
મેચ સોલિસિટર્સના ડિરેક્ટર તથા લીગલ મેટર્સ મેગેઝિનના સ્પોન્સર અનિતા ચોપરાએ ઓડિયન્સને સંબોધતાં જણાવ્યું હતું કે,‘એજ્યુકેશન લોના ક્ષેત્રમાં ગત ૨૦થી વધુ વર્ષ પ્રેક્ટિસ કરવામાં અમારી સમક્ષ એ સ્પષ્ટ જોવાયું છે કે બાળકોનાં શિક્ષણની વાત આવે છે ત્યારે માત્ર એશિયન કોમ્યુનિટીમાં નહિ, ચોક્કસ સમુદાયોમાં ઘણા લાંછન-કાળી ટીલીઓ જોવાં મળે છે. બાળકોને વિશિષ્ટ શૈક્ષણિક જરુરિયાતો હોય અથવા વિદ્યાર્થી સામે શિસ્તભંગ અથવા યુનિવર્સિટીમાં નિષ્ફળતાના મુદ્દા હોય ત્યારે આ બાબતો ખાસ જોવાં મળે છે. સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવતી વેળાએ અથવા સ્વતંત્ર સ્કૂલમાંથી બાળકને ઉઠાડી લેવાનો હોય ત્યારે દર વર્ષે ઘણી લડાઈઓ થતી રહે છે. અમે આ ક્ષેત્રના કાનૂની નિષ્ણાતો તરીકે અમારી પાસે આવેલા દરેક ક્લાયન્ટ માટે થાક્યા વિના અને ખંત સાથે લડાઈઓ લડી છે.
શૈક્ષણિક કાયદો અલગ સ્થાન ધરાવે છે. આ દેશમાં શિક્ષણની જોગવાઈઓનું નિયમન કરતા ઘણા સંસદીય કાયદાઓ છે, જે નિયમો અને નિયંત્રણોનો અમલ યુનિવર્સિટીઓ અને કોલેજોએ કરવાનો રહે છે. હું શાળામાં અને તે પછી યુનિવર્સિટીમાં હતી ત્યારે લેક્ચરર અથવા પ્રોફેસરને ચેલેન્જ કરવાની વાત કદી સાંભળી ન હતી. પરંતુ, હવે વિશ્વ બદલાયું છે. પેરન્ટ્સ અને વિદ્યાર્થીઓ પોતાને ગ્રાહક તરીકે નિહાળી રહ્યાં છે. સારું શિક્ષણ વધુ મોંઘું બનતું જાય છે અને લોકો સેવાનું સ્તર ઉચ્ચ કક્ષાનું ઝંખે છે.
અમે મેચ સોલિસિટર્સ ખાતે સર્વિસ પ્રોવાઈડર અને સર્વિસ યુઝર વચ્ચે સંબંધોની સમતુલા જાળવવા સખત મહેનત કરીએ છીએ. બુદ્ધિશાળી સમાજમાં શિક્ષણનું મૂલ્ય અગાઉ કરતા ઘણુ વધારે છે. સારા શિક્ષણથી પ્રવેશદ્વારો ખુલી જાય છે, તે એવા માર્ગો તરફ યુવાનોને દોરી જાય છે, જ્યાં તેમનું જીવનધોરણ બદલવાની ક્ષમતા હોવાં સાથે સમગ્ર પરિવારના જીવનધોરણ તેમજ જે સમાજમાંથી તેઓ આવે છે તે સમગ્ર સામાજિક વ્યવસ્થા બદલવાની સક્ષમતા આવે છે. એજ્યુકેશન લો વિશે સમજ પ્રસરાવવા એશિયન વોઈસ સાથે મળીને કામ કરવાની તક સાંપડી તેનો અમને આનંદ છે.’ સમારંભમાં આમંત્રિત મહેમાનોને લીગલ મેટર્સ મેગેઝિન સાથે લઈ જવા ખાસ સુલભ બનાવાયું હતું.
નિર્ણાયક પેનલમાંથી સુભાષ ઠકરારે જણાવ્યું હતું કે,‘ધ એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ સતત બીજા વર્ષે પણ અનેરી સફળતાને વર્યા છે. ઘણા ઓછા એવોર્ડ્સ કાર્યક્રમો છે જ્યાં વિજેતાઓને માત્ર સુંદર ટ્રોફી નહિ પરંતુ, અનેક લાભોની ગાંસડી પણ સાથે મળે છે. લાભોની આ ગાંસડીમાં માર્કેટિંગ સપોર્ટ, કન્સલ્ટિંગ, વેબસાઈટ એન્હેન્સમેન્ટ, ટ્રેનિંગ વર્કશોપ સહિતનો સમાવેશ થાય છે. એશિયન વોઈસ માત્ર ચેરિટીઝ અને તેમના સુંદર કાર્યોની કદર અને સપોર્ટ કરતું નથી, તેમને આગળ વધારવામાં પણ મદદ કરે છે. ટેકનિકલ પાર્ટનર ચેરિટી ક્લેરિટીએ પોતાના સ્વતંત્ર મૂલ્યાંકન ટૂલથી દરેક અરજદારના મૂલ્યાંકનમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી ચોક્કસ રેટિંગ આપ્યાં છે. દાતાઓ દાન કરવાનો નિર્ણય કરે તે પહેલા ચોક્કસ ચેરિટીના સ્કોર જાણી શકે તેવી મદદ ચેરિટી ક્લેરિટી દ્વારા આપવામાં આવી છે. આ સેવા નિઃશુલ્ક છે. ચેરિટી સંસ્થાઓ પણ પોતાનું સારું માર્કેટિંગ કરવા રેટિંગ મેળવવા અથવા દાતાઓ માટે વધુ આકર્ષક બનવા કયા ક્ષેત્રમાં સુધારો કરવાની જરૂર છે તે જાણવા માટે પણ ચેરિટી ક્લેરિટીની મદદ પ્રાપ્ત કરી શકે છે.’
‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના પ્રકાશક/તંત્રી અને એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સના ચેરમેન સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘સંખ્યાબંધ લોકો સખાવતી કાર્યો અને ચેરિટેબલ સંસ્થાઓ સાથે સંકળાયેલા રહે છે. કેટલાક વ્યાવસાયિક અને નૈતિક દૃષ્ટિએ પણ અતિ લાભકારી કાર્યો કરે છે. કેટલાકને પોતાના માળખા અને પરફોર્મન્સને વિકસાવવાની આવશ્યકતા જણાય છે. ચેરિટી ક્લેરિટી દ્વારા ઘણી અસરકારક અને દેખરેખ રાખવાની પદ્ધતિ વિકસાવી છે. ચેરિટી ક્લેરિટીના સાથમાં એશિયન વોઈસ ચેરિટી એવોર્ડ્સ આપણા વાચકો અને કોમ્યુનિટીની અમારી સેવાને આગળ વધારવાનું એક કદમ છે.’
સમારંભમાં ઉદ્ઘોષિકાની કામગીરી સુપર મોડેલ અને બોલીવૂડની અભિનેત્રી એલેના ફર્નાન્ડીસે બજાવી હતી. ઈનોવેટિવ પોપ ડ્યુઓ- જેક એન્ડ જોએલ, એ કે બોલીવૂડ ડાન્સ અને અડાગીઓ એક્રો ડ્યુઓ દ્વારા મનોરંજન પીરસવામાં આવ્યું હતું.
એવોર્ડવિજેતાઓની સંપૂર્ણ યાદી
સ્ટાર્ટ અપ ઓફ ધ યરઃ વન કાઈન્ડ એક્ટ
મોસ્ટ એન્ટરપ્રાઈઝિંગઃ એકેડેમી
સોશિયલ ઈમ્પેક્ટ એવોર્ડઃ ગ્રેહામ લેટન ટ્રસ્ટ
મોસ્ટ ઈન્સ્પાયરિંગ ઈન્ડિવિડ્યુઅલઃ મીનલ સચદેવ
ચેરિટી ઓફ ધ યરઃ એન્ક્ઝાઈટી યુકે
એક્સેલન્સ ઈન CSR: નેશનવાઈડ બિલ્ડિંગ સોસાયટી
એડિટર્સ ચોઈસ એવોર્ડ્સઃ
લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડઃ લોર્ડ જેફ્રી આર્ચર
ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન એવોર્ડઃ જેક્વેલિન ફર્નાન્ડીસ
(Photo courtesy: Raj D Bakrania, PrMediapix, Gaurav K and Vineet Johri)