પરમ પૂજ્ય સ્વામી દયાનંદ સરસ્વતીના શિષ્ય પૂ. સ્વામી પરમાત્માનંદજી લંડનની મુલાકાતે આવી રહ્યા છે. સ્વામીજીના સત્સંગ કાર્યક્રમનું આયોજન આગામી તા. ૯-૧૦ જુલાઇ ૨૦૧૫ના રોજ સાંજે ૭થી ૯ દરમિયાન પાટીદાર હાઉસ, ૨૨, લંડન રોડ, વેમ્બલી HA9 7EX ખાતે કરવામાં આવ્યું છે.
પૂ. સ્વામીજીએ ઋષિકેશ અને અન્ય સ્થળોએ પ.પૂ દયાનંદ સરસ્વતીજીના માર્ગદર્શન હેઠળ વેદ, સંસ્કૃત અને યોગનો અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ પૂર્ણ કર્યા પછી સ્વામીજીએ ભારત અને વિદેશમાં નિયમિત રીતે શિક્ષણ આપવાનું શરૂ કર્યું, તેઓ છેલ્લા ૩૦ વર્ષથી શિક્ષણ આપી રહ્યા છે. સ્વામીજી શાળા-કોલેજના વિદ્યાર્થીઓથી લઇને કોર્પોરેટ એક્ઝિક્યુટિવ સુધીના સમાજના તમામ વર્ગોમાં શિક્ષણ આપવાની અનોખી યોગ્યતા ધરાવે છે. તેમણે રાજકોટ, પોરબંદર, સુરતમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, ભરૂચ ચેમ્બર, વડોદરા ચેમ્બર, જયપુર ચેમ્બર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, વિડીયોકોન, રોટરી ક્લબ, લાયન્સ ક્લબના હોદ્દેદારોએ એ તેમના જ્ઞાનનો લાભ લીધો છે.
પૂ. સ્વામીજી ભારતના પરંપરાગત મૂલ્યોમાં ઊંડો રસ દાખવીને તેના પ્રત્યે સભાન છે, જે તેમના સામાજિક કાર્યોમાં જોવા મળે છે. પૂ. સ્વામીજી સરળ ભાષા અને રસાળ શૈલીમાં પોતાની વાત સમજાવે છે. આ ઉપરાંત તેમના પ્રવચનો તાર્કિક, યોગ્ય ઉદાહરણ સાથે રજૂ થતાં હોવાથી ખૂબ જ જીવંત લાગે છે. સ્વામીજીનું અંગત જીવન પણ સાદગી અને તમામ લોકો માટે સૌહાર્દભર્યું છે. સ્વામીજીએ ભારત સરકાર દ્વારા આયોજિત ટીચર્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ૩૫૦૦થી વધુ શિક્ષકોને તાલિમ આપી છે. આ ઉપરાંત તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એકેડેમિક સ્ટાફ કોલેજ અને બીજી સંસ્થાઓમાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કાર્યરત છે. સ્વામીજી વિશ્વના ધર્મ ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે. તેઓ હિન્દુ ધર્મ આચાર્ય સભાના સેક્રેટરી જનરલ પણ છે. આ ઉપરાંત ધર્મ સંસ્થા પ્રમુખ સભા, ધર્મ રક્ષા મંચ, ગંગા રક્ષા મંચ, વિશ્વ મંગલ ગૌ ગ્રામ યાત્રા સાથે સંકળાયેલા છે.
તેમણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ વિવિધ ધર્મ કોન્ફરન્સમાં પ્રતિનિધિત્વ કર્યું છે. તેમણે ન્યૂ યોર્કમાં જૂન-૨૦૦૯માં આયોજિત અમેરિકન જુસ કોમ્યુનિટી કોન્ફરન્સમાં હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જૂન-૨૦૧૦માં કેનેડામાં આયોજિત જી૮ વર્લ્ડ રિલિજિયસ સમિટમાં હિન્દુત્વનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ ઉપરાંત વિશ્વમાં અનેક સ્થળે યોજાયેલ ધર્મ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
વધુ માહિતી માટે સંપર્ક: અજય રાઠી 07586 624687