આ વર્ષે સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતીને ચિન્મય મિશનના યુવા કેન્દ્ર દ્વારા ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલન તરીકે ઊજવવામાં આવશે. વિવેકાનંદજી, શ્રીમદ્ ભગવદ્ ગીતા અને યુવાનોને સાંકળતા આ સંમેલનને “ગિફ્ટ – ગીતા એન ઇન્સ્પાયરીંગ ફ્રેન્ડ ટુ ટ્રેઝર” એટલે કે શ્રીમદ્ ભગવદ્ ગીતા - આપણો પ્રેરણાદાયી અને બહુમૂલ્ય મિત્ર એવા વિચારને લઈને ઓનલાઇન રાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
ભગવદ્ ગીતા એવો મિત્ર છે જે ક્યારેય નિષ્ફળ ન જવા દે, એક એવો વૈશ્વિક ગ્રંથ છે જે બધી જ ઉંમરના લોકોને અપીલ કરે છે. ગીતાનો સંદેશ કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું ધ્યેય હાંસલ કરવામાં મદદરૂપ થઈ શકે છે. આથી આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને ભગવદ્ ગીતા સાથે જીવનભરની મિત્રતા કેળવવા પ્રેરિત કરવાનો છે જેથી ગીતાનો સંદેશ સમજીને અમલમાં મૂકીને તેઓ પોતાનું જીવન સાર્થક અને સફળ બનાવી શકે. ૧૦મીથી ૧૨મી જાન્યુઆરી ત્રણ દિવસ માટે ઓનલાઇન યોજાનારા આ સંમેલનમાં ૧૬થી ૨૮ વર્ષના યુવાનો વિનામૂલ્યે https://chinmayayuvakendra.chinmayamission.com/ પર રજિસ્ટર કરી શકશે. ચિન્મય મિશન અમદાવાદના ફેસબુક પેજ https://www.facebook.com/cmahmedabad પર પણ આ વિશે વધુ માહિતી મેળવી શકાશે. ઓનલાઇન સંમેલનનો સમય ત્રણેય દિવસ માટે સાંજે ૭ થી ૮.૩૦ વાગ્યાનો છે. આ કાર્યક્રમમાં વર્કશોપ્સ, ઇન્ટરવ્યુ, પેનલ ડિસ્કશન્સ, પરિસંવાદ દ્વારા અનેક યુવા પ્રતિભાઓ અને પ્રતિષ્ઠિત મહાનુભાવો પોતાના અનુભવો અને પ્રેરણાદાયી વાતોથી યુવાનોને જીવનમાં સફળ કઈ રીતે થઈ શકાય તે વિશે જણાવશે.