લંડનઃ યુકેસ્થિત ભારતીય હાઈ કમિશને ઈન્સ્પાયરિંગ ઈન્ડિયન વિમેન- IIWના સહયોગથી ૧૬ નવેમ્બર ૨૦૧૭ના રોજ ‘વિમેન એન્ડ વેલ બીઈંગ’ પર સેમિનારનું આયોજન કર્યું હતું. સાઈકિયાટ્રિસ્ટ, હીલર્સ, આધ્યાત્મિક વક્તાઓ, ડોક્ટર્સ, ફિટનેસ નિષ્ણાતો, મૌન રહીને પીડા સહન કરનારાઓ, કર્મશીલો, ચેરિટી સંસ્થાઓ સહિત તમામ સંબંધિતોને એક મંચ પર એકત્ર કરવાનો અને તમામને ભારપૂર્વક અવાજ ઉઠાવવાની પહેલ કરાવતો આ પ્રથમ પ્રયાસ હતો. આ સેમિનારમાં ડાયસ્પોરાની સામાજિક રીતે સક્રિય મહિલાઓનું પ્રતિનિધિત્વ જોવાં મળ્યું હતું અને ચાલુ દિવસે પણ ૧૦૦ જેટલી વ્યક્તિ ઉપસ્થિત રહી હતી.
કાર્યક્રમના ચીફ ગેસ્ટ વિરેન્દ્ર શર્મા હતા, જ્યારે હાઈ કમિશનના મિનિસ્ટર ઓફ કો-ઓર્ડિનેશન એ.એસ. રાજન અતિથિવિશેષ તેમજ તૃપ્તિ પટેલ, કૃષ્ણા પૂજારા, અંજુ વાધવા નારંગ (પંજાબી સોસાયટી ઓફ બ્રિટિશ આઈલ્સ), માંધાતા સમાજના પ્રેસિડેન્ટ તારા પટેલ, પરમશક્તિ પીઠ યુકેના પ્રેસિડેન્ટ ડો. હર્ષા જાની, નેશનલ કાઉન્સિલ ઓફ હિન્દુ ટેમ્પલ્સ યુકેના કોમ્યુનિકેશન ઓફિસર દેવીન્દર કે. શાસ્ત્રી, અનિતા રુપારેલીયા (નેશનલ કોંગ્રેસ ઓફ ગુજરાતી ઓર્ગેનાઈઝેશન-NCGO), બ્રાહ્મિન સોસાયટી નોર્થ લંડન (BSNL)ના માનદ ટ્રસ્ટી વંદના યોગેન જોષી, હિન્દુ ફોરમ યુરોપના પ્રેસિડેન્ટ ડો. લક્ષ્મી વ્યાસ, હિન્દુ કાઉન્સિલ મેટ પોલીસના સત્ય મિન્હાસ, પ્રભાકર કાઝા, પૂર્ણિમા રાવલ વ્યાસ (MET પોલીસ) અને એશિયન બીરેવમેન્ટ સર્વિસના નીના બેદી વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. ભાનુ સિસ્ટલા અને સિમી અરોરા કાર્યક્રમના યજમાન હતાં. શ્વેતા ધાલે ગાયેલાં ‘યે હૌસલા’ ગીત સાથે સેમિનારની જમાવટનો આરંભ થયો હતો. સમગ્ર સેમિનાર ત્રણ વિભાગ- "સમસ્યાઓ, કોનો સંપર્ક કરવો અને ઉપાયો"માં વિભાજિત કરાયો હતો.
જાગરુકતા કેટગરીમાં બ્રિટિશ સાયકોલોજિકલ સોસાયટીની સાયકોલોજી ઓફ વિમેન્સ સેક્શનના કમિટી સભ્ય તેમજ રીજેન્ટ્સ કોલેજમાં સાયકોથેરાપી એન્ડ કાઉન્સેલિંગના પૂર્વ ટ્યૂટર શુભા રાવ, ચાર્ટર્ડ બિઝનેસ સાયકોલોજિસ્ટ, ફૂલબ્રાઈટ સ્કોલર અને હાર્વર્ડ કેનેડી સ્કૂલમાં રિસર્ચ ફેલો મિસ મોનિકા મેન્ડિરાટ્ટા, સાઈકિયાટ્રિસ્ટ ડો. ચાંદની પૂજારાએ વિવિધ મુદ્દાઓ પરત્વે સમજ આપી હતી. ઓલ લેડીઝ લીગ - બકિંગહામના ચેરપર્સન, ઓટિસ્ટિક બાળકો અને મેન્ટલ હેલ્થ ચેરિટી MIND સાથે ઘનિષ્ટ કામગીરી બજાવનારાં કિરણ અનિલે તરુણાવસ્થાની હતાશા, સોશિયલ મીડિયાની અસરો વિશે સુપેરે સમજાવ્યું હતું.
"હુ ટુ કોન્ટેક્ટ" કેટેગરીમાં હેફઝીબાહ ઓલુગ્બેમી, રિદ્ધિ વ્યાસ, દા વિન્સી પ્રોજેક્ટના સ્થાપક અને લેખિકા શાહલા ખાન, સહેલી યુકેના સીઈઓ સહિત ૨૧ વર્ષ સુધી વિવિધ ભૂમિકામાં અગ્રણી કૃષ્ણા પૂજારા, સાયકોથેરાપિસ્ટ અને સામાજિક કાર્યકર કિર્તી સોનીએ વિવિધ વિષયો પર સમજ આપી હતી. વિરામ દરમિયાન મિસ કલ્પના દોશીના લાફ્ટર યોગ સાથે લોકો હસીને લોટપોટ થઈ ગયા હતા.
સોલ્યુશન્સ સેક્શનમાં ક્રોયડન હિન્દુ કાઉન્સિલના ચેરપર્સન મયૂરા પટેલ, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિ પટેલ, એંગર મેનેજમેન્ટ અને આયંગર યોગના નિષ્ણાત લક્ષ્મી વ્યાસ, ક્લિનિકલ હિપ્નોથેરાપિસ્ટ અને રિગ્રેશન થેરાપિસ્ટ રચના શર્મા સિરતાજ તેમજ સાયકોલોજી નિષ્ણાત અને લાઈફ કોચ રેણુ વર્માએ વક્તવ્યો આપ્યાં હતાં. મેડિટેશન અને તેની પદ્ધતિઓ વિશેના સ્પીચ સેશનમાં મિસ શશીરેખાએ માનસિક આરોગ્ય અને સ્વાસ્થ્યની જાળવણીમાં ધ્યાનની મદદના સોનેરી સૂત્રો સમજાવ્યાં હતાં.