લંડનઃ ધ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા તેના ૧૬મા દિવાળી ઈવેન્ટની ઉજવણી ૧૮ ઓક્ટોબરે કરવામાં આવી હતી. દર વર્ષે HFB મિનિસ્ટરો તથા તમામ પક્ષના પીઅર્સ અને સાંસદો, યુકેના બિઝનેસ અગ્રણીઓ, હિંદુ કોમ્યુનિટીના વડા અને ઘણાં મંદિરોના પ્રતિનિધિઓને એક મંચ પર લાવીને દિવાળીની ઉજવણી કરે છે. હિંદુ ધર્મનો આ એક અનેરો જુસ્સો છે જે દરેક માનવીમાં એકતા અને સંબંધને ગાઢ બનાવે છે. આ વર્ષે પાર્લામેન્ટના યજમાનો બોબ બ્લેકમેન MP, લોર્ડ ધોળકિયા, વીરેન્દ્ર શર્મા MP અને કેરોલિન લુકાસ MP હતા. આ પ્રસંગે HFBના ચીફ પેટ્રન તેમજ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સહિત સમાજના વિવિધ વર્ગના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટકોમ્બ ગ્રૂપના V ફાઉન્ડેશનના કમલ પાણખણિયા આ ઈવેન્ટના મુખ્ય સ્પોન્સર હતા. સન માર્ક લિમિટેડના રેમી રેન્જર અને વાસ્ક્રોફ્ટના શશી વેકરિયા HFB ચેરિટીના મુખ્ય દાતા હતા.
પ્રારંભમાં જલારામ મંદિર ગ્રીનફર્ડના પૂજારી અને HFBના સ્પીરીચ્યુઅલ કમિશનર ગૌરી દાસે (ISKCON UK) પ્રાર્થના રજૂ કરી હતી. HFBના પ્રમુખ તૃપ્તિબહેન પટેલે સૌને આવકાર્યા હતા અને હિંદુ સમાજમાં દિવાળીના મહત્ત્વનું વર્ણન કર્યું હતું.
સેક્રેટરી ઓફ સ્ટેટ, ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રીતિ પટેલે દિવાળીના પર્વ વિશે તથા હિંદુ પેરન્ટસ અને વડીલો તેમના બાળકો અને યુવાનોને કેવી રીતે હિંદુ મૂલ્યો મુજબ જીવતા શીખવે છે તેની વાત કરી હતી. આ ઈવેન્ટના મુખ્ય સ્પોન્સર અને હેરો ઈસ્ટના MP બોબ બ્લેકમેને સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
યુકે ખાતેના ભારતના હાઈ કમિશનર વાય કે સિંહાએ જણાવ્યું હતું કે યુકેમાં જે રીતે માત્ર હિંદુઓ દ્વારા જ નહીં પરંતુ વિવિધ કોમ્યુનિટી દ્વારા તેની ઉજવણી થાય છે તે ખૂબ સરસ વાત છે. હોમ સેક્રેટરી અંબર રડ, ડેમિયન ગ્રીન MP, સાજિદ જાવિદ MP, લોર્ડ જીતેશ ગઢિયા, શૈલેષ વારા MP, થેરેસા વિલિયર્સ MP, પૌલ સ્કલી MP, હિંદુ સમિતિ ઓફ બંગાળ, ઈન્ડિયાના ચીફ પેટ્રન તપન ઘોષ, જલારામ મંદિરના ટ્રસ્ટી રશ્મિ ચટવાણીએ તેમના વક્તવ્યમાં દિવાળીની શુભકામના પાઠવી હતી.
અરુણીમા કુમાર અને તેમના ગ્રૂપ તથા નેહા પટેલે શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. હેરોની સાઈ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગીતો રજૂ કર્યા હતા.