લંડનઃ હિંદુ સ્વયંસેવક સંઘ (HSS) અને સમિતિએ તા.૧૩થી ૧૯ નવેમ્બર, ૨૦૧૭ દરમિયાન પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. પ્રતાપ શાખા એન્ડ શક્તિ સમિતિ (ફિંચલી) દ્વારા ૧૭ નવેમ્બરે ફિંચલીની બિશપ ડગ્લાસ સ્કૂલમાં પાર્લામેન્ટ વીક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સાંસદો થેરેસા વિલિયર્સ અને માઈક ફ્રીર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બન્નેએ કાસ્ટ કોન્સ્ટિટ્યુશન બીલને તદન બિનજરૂરી અને સંસદનો સમય બગાડનારું ગણાવીને તેઓ તેના વિરોધી હોવાનું જણાવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સૂર્યનમસ્કારના નિદર્શન સાથે સંઘ અને સમિતિની પ્રવૃત્તિઓના પરિચયથી થયો હતો. પૃથ્વીબહેન શાહે સાપ્તાહિક શાખા અને શાખામાં શીખવવામાં આવતા નેતૃત્વના કૌશલ્ય વિશે વાત કરી HSS ના ૫૦મા સ્થાપના દિનની ઉજવણીની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સંઘ અને સમિતિ દ્વારા ચાલતા SEWA પ્રોજેક્ટ બદલ સંસ્થા ગૌરવ અનુભવે છે.
શાખાના સભ્યોની શિસ્ત જોઈને થેરેસા વિલિયર્સ પ્રભાવિત થયા હતા. તેમણે જણાવ્યું હતું કે યુવાનોએ રાજકારણમાં ભાગ લેવાની ખૂબ જરૂર છે. માઈક ફ્રીરે જણાવ્યું હતું કે યુવાનો માટે સ્થાનિક સરકાર, સરકારી વિભાગો અને પાર્લામેન્ટમાં રહેલી તકોની વાત કરી હતી.
ઉપસ્થિત સૌએ અલ્પાહારનો આસ્વાદ માણ્યો હતો. વિશ્વધર્મ કી જયના નારા સાથે કાર્યક્રમ પૂરો થયો હતો. ફિંચલીમાં દર શુક્રવારે સાંજે ૭થી રાત્રે ૯ દરમિયાન પ્રતાપ શાખા અને શક્તિ સમિતિની પ્રવૃત્તિઓ યોજાય છે.