હિંદુ સ્વયંસેવક સંઘ યુકે દ્વારા ‘પાર્લામેન્ટ વીક ૨૦૧૮’ની ઉજવણી

Wednesday 28th November 2018 02:00 EST
 
 

લંડનઃ૧૯૬૬માં સ્થપાયેલા હિંદુ સ્વયંસેવક સંઘ યુકેના ૧૦૦ પ્રવૃત્તિ કેન્દ્ર છે અને તેમાં ચાલતી પ્રવૃત્તિઓમાં દર સપ્તાહે ૨,૦૦૦થી વધુ લોકો ભાગ લે છે. મહિલાઓ માટેની પ્રવૃત્તિ હિંદુ સેવિકા સમિતિ દ્વારા અને બાળકો માટેની પ્રવૃત્તિ બાલગોકુલમના બેનર હેઠળ થાય છે. આ વર્ષે ૧૨થી ૧૮ નવેમ્બર ૨૦૧૮ દરમિયાન ૯ પ્રવૃત્તિકેન્દ્રો પર પાર્લામેન્ટ વીકની કરાયેલી ઉજવણીમાં ૩૦૦ લોકોએ ભાગ લીધો હતો.

નોર્થમાં ઓલ્ધામની કૃષ્ણ શાખાથી લઈને સાઉથમાં બ્રોમલી બાલગોકુલમમાં પાર્લામેન્ટ વીકની ઉજવણીમાં ઉપસ્થિત લોકોએ ચર્ચા, મતદાન પ્રક્રિયા, બેલેટ એનાઉન્સમેન્ટ, ફિંચલી શાખામાં સફ્રાગેટ આંદોલન વિશે પોસ્ટર, પાર્લામેન્ટની કામગીરી અને સાંસદો દ્વારા પ્રવચનો સહિતની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. ચર્ચાના વિષયોમાં જનતા દ્વારા ફટાકડાનો ઉપયોગ, સ્કૂલ યુનિફોર્મ, પર્યાવરણને બચાવવા માટે સરકાર દ્વારા વેજિટેરિયન ખોરાકને વધુ પ્રોત્સાહનનો સમાવેશ થતો હતો.

યુકે યુથ પાર્લામેન્ટના સભ્ય સનાહ કશ્યપે જણાવ્યું હતું, ‘ હું અનુભવ લેવા માટે ભલામણ કરું છું. વધુ હિંદુ યુવકોએ પાર્લામેન્ટમાં સક્રિય થવું જોઈએ. અલ્ટ્રિન્ચમ અને સેલ વેસ્ટના સાંસદ સર ગ્રેહામ બ્રેડીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું અને લોકશાહીમાં યુવાનોએ ભાગ લેવાની જરૂર વિશે વાત કરી હતી. એમરશામ બાલગોકુલમ ખાતે મેડનહેડ કન્ઝર્વેટિવ પાર્ટીના ડેમન ક્લાર્કે સંસદ અને રાજકીય મુદ્દાઓ સાથે સંકળાયેલા રહેવું એ કેટલું મહત્ત્વનું છે તેની સમજ આપી હતી.

ફિંચલી પ્રતાપ અને શક્તિ શાખામાં સાંસદ થેરેસા વિલર્સનો સંદેશો વાંચી સંભળાવવામાં આવ્યો હતો. તેમાં તેમણે જણાવ્યું હતું, ‘ ...તમારામાંથી જ કોઈ ભાવિ વડા પ્રધાન બની શકે.’

યુકે પાર્લામેન્ટની બાબતો આપણા રોજબરોજના જીવનને સ્પર્શતી હોય છે અને આપણને સ્પર્શતી બાબતો વિશે આપણે સીધા જ સંસદ સભ્યને વાત કરી શકીએ છીએ તે અમને જાણવા મળ્યું. આપણે જે મત વ્યક્ત કર્યો હોય તેનો સિલેક્ટ કમિટીના અહેવાલમાં સમાવેશ થઈ શકે, કોઈ પણ મુદ્દાને લઈને આપણે પિટિશન કરી શકીએ અને તેના પર સાંસદો દ્વારા ચર્ચા કરાવી શકીએ. આ કાર્યક્રમના આયોજનથી થયેલા લાભોમાં ચર્ચાના કૌશલ્યનો વિકાસ અને વલણમાં પરિવર્તન અને યુકે પાર્લામેન્ટ, લોકશાહી, રાજકારણ અને નીતિ ઘડવાની બાબતે વધુ માહિતીનો સમાવેશ થાય છે.

હિંદુ સ્વયંસેવક સંઘ યુકે દ્વારા પ્રથમ વખત પાર્લામેન્ટ વીક ૨૦૧૮માં રાષ્ટ્રીય ધોરણે ભાગ લેવાથી યુકેની સંસદ અને લોકશાહીની પ્રક્રિયા સાથે જોડાણ વધ્યું છે. સંસ્થાએ શરૂઆત કરી છે હવે વધુ હિંદુ સંસ્થાઓએ ૨૦૧૯માં ભાગ લેવો જોઈએ. ચાલો આપણે આપણા અવાજને અને સિદ્ધિઓને સંસદ સુધી પહોંચાડીએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter