માંચેસ્ટરમાં પવિત્ર શ્રાવણ માસે પૂ.ભાઇશ્રીના મુખેથી "રાધા શ્યામ કી કથા ભાગવતી" વહેતી રહી છે. ભાગવતી કથાના પાંચમા દિવસે કૃષ્ણજન્મોત્સવ માણવાનો અમને અવસર સાંપડ્યો. રવિવારે ઇવેન્ટ સિટીના ભવ્ય હોલમાં માંચેસ્ટર સહિત લેસ્ટર, બોલ્ટન, પ્રેસ્ટન, મિલ્ટનકિન્સ, બર્મિંગહામ, કોવેન્ટ્રી તથા લંડનથી લગભગ ૩૦૦૦થી વધુ હિન્દુધર્મપ્રેમીઓ કથાશ્રવણ કરવા ઉમટ્યા હતા. શ્રી સંજયભાઇ તથા એમના વડેરા પરિવાર આયોજિત આ ભાગવત કથામાં યુવા પેઢીની હાજરી ધ્યાનાકર્ષક રહી. ભાગવતકથામાં સંસ્કૃતના વૈદિક મંત્રોચ્ચાર સાથે સાથે પૂ.ભાઇશ્રી યુવાનો-બાળકોને અંગ્રેજી-હિન્દીમાં અર્થ સમજાવતા. રવિવારે પાંચમા દિવસે રાધાભક્તિ, યુગે યુગે વિવિધ રૂપે ઇશ્વરના અવતારોની કથા, કૌરવો-પાંડવોના મહાભારતની કથા અને એના પાત્રો સાથે ભગવાન શ્રીકૃષ્ણના સંબંધોના કેવા તાણાવાણા ગૂંથાયેલા હતા એની સુંદર રજૂઆત કરી હતી. પૂ.ભાઇશ્રીએ કહ્યું કે, કૃષ્ણનો અર્થ બ્રહ્મ. કૃષ અર્થાત્ સત્તા. સત્તાનો અર્થ પાવર અહીં અર્થ છે એકઝીસ્ટંટ. ‘ણ'નો અર્થ આનંદ.
ભગવદ્ ગીતાનો સારાંશ કહેતા પૂ.ભાઇશ્રીએ કહ્યું કે, શરીર છે ત્યાં સુધી આપણે છીએ.વ્યક્તિના મૃત્યુ સાથે જ એનું શરીર અને નામ પણ નષ્ટ પામે છે. મૃત્યુથી આપણે ભયભીત છીએ. વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય-જેમ માણસ જૂના કપડાં ઉતારી નવા ધારણ કરે એવું આ બને છે. જન્મ અને મૃત્યુ શરીર સાથે છે. શરીર મરે એટલે આપણે નથી મરતા. લાઇટનો બલ્બ તૂટે તો કરંટ બધેજ બંધ થઇ જાય એવું બનતું નથી. આત્મા પેદા થતો નથી અને મરતો ય નથી. દવાની બોટલ કે પાણીની બોટલ પર એકસપાયરી ડેટ હોય છે એમ શરીરની પણ એક્સપાયરી ડેટ હોય છે. જે સમયે આપણે જન્મીએ ત્યારથી જ કાઉન્ટ ડાઉન શરૂ થઇ જાય છે, ક્ષણે ક્ષણે શરીરનો ક્ષય થતો જાય છે. આત્મા ચૈતન્ય છે, એ જડ શરીરને ધારણ કરે છે.
પૂ.ભાઇશ્રીએ કહ્યું કે, માનવ જીવનમાં ધર્મનું ખૂબ મહત્વ છે. અહીંના બાળકોને મારે હિન્દુધર્મનું જ્ઞાન આપવાનું શરૂ કરવું છે. એ પછી પોરબંદરના સાંદિપનીમાં વધુ જ્ઞાન અર્થે લઇ જવા છે. ધર્મ વિનાનો મનુષ્ય પશુ સમાન છે. મનુષ્ય રૂપી પશુ પાસબધ્ધ છે, ઇશ્વરના મજબૂત પાસબધ્ધમાં બંધાયેલો છે. પશુના પતિ એ મહાદેવ છે.-પૂ.ભાઇશ્રીએ કહ્યું કે, એ પૂજ્ય પ્રમુખસ્વામી સાથે ટોરન્ટોમાં હતા ત્યારે સીધી સાદી ભાષામાં પૂ. પ્રમુખસ્વામીએ કહ્યું હતું કે, "ભગવાન ભજી લેતાં મોહનો ક્ષય થાય એ જ મોક્ષ.”
ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે પહેલું બીજ આવ્યું કે પહેલું વૃક્ષ. (પહેલાં ઇંડુ કે પહેલાં મરઘી?) આ બેમાં ભેદ નથી. વૃક્ષ એટલે અવિકસીત બીજ અને બીજ એટલે અવિકસીત વૃક્ષ.
-શરીર મળ્યું એટલે નામ મળ્યુ પણ મર્યા પછી નનામી (ઠાઠડી) પર જ મૃતદેહ મૂકાય. શરીર અનિત્ય છે પણ હું (આત્મા) નિત્ય છું. જીવ અને શિવ અજ્ઞાનને કારણે બે દેખાય છે બાકી તો છે એ એક જ.
- કૃષ્ણ બ્રહ્મ છે, જ્ઞાન બ્રહ્મ છે. ચિદાનંદ રૂપમ્ શિવોહમ્ શિવોહમ્
- સુખ છે તો દુ:ખ છે, સુખને સામે છેડે દુ:ખ છે. દિવસ છે તો સામે છેડે રાત છે.
-કઠોરતા જેનામાં બહુ ભરી હોય એ ભક્તિમાં ના જઇ શકે, વ્યક્તિમાં તરલતા હોવી જોઇએ.
- જનોઇ ધારણ કરે એને શ્રાવણીમાં બદલાવવી જોઇએ. ક્રિમેશનમાં ગયા હોય તો બદલાવવી પડે, બાળકનો જન્મ થયો હોય અથવા પરિવારમાં કોઇનું મૃત્યુ થયુ હોય તો સૂતક લાગે. શ્રાવણી વખતે જાણે અજાણ્યે થયેલા પાપનું, દોષનું પ્રાયશ્ચિત કરી જનોઇ બદલવાની વિધિ વૈદિક પરંપરામાં છે. જનોઇ ધારણ કરનારે રોજ દશ ગાયત્રી મંત્ર કરવા જોઇએ. જનોઇ બદલ્યા પછી દેવઋષિ તર્પણ કરવાનું હોય. તાંબાના પાત્રમાં તુલસી પાન પધરાવી મૂળ સાથેનો દર્ભ લેવો. દર્ભ એટલે કૂશ. દર્ભને મૂળથી ઉપાડી લાવવાની આવડત (ટ્રીક) એને કૂશળતા કહેવાય. તમારું ગોત્ર હોય એમ શબ્દનો ગોત્ર હોય. આપણા ઋષિઓએ જ્ઞાન દ્વારા તમને જીવતાં શીખવાડ્યું. ધર્મ પુસ્તકો અને ગ્રંથો આપ્યા, જીવન જીવવાના માર્ગ ચીંધ્યા. આપણી ધાર્મિક અને પરંપરાગત વિધિઓમાં કઇ આંગળીનું કેવું મહત્વ હોય એ વિષે સમજણ આપી. જલ આચમન હથેળીમાં કઇ રીતે કરવું એ બતાવી પૂ.ભાઇશ્રીએ કહ્યું કે, હિન્દુધર્મનું સાયન્સ સમજવા જેવું છે. એમાં ખૂબ ગહેરાઇ છે. સમુદ્ર પાસે ઉંડાઇ છે, હિમાલય પાસે ઉંચાઇ છે પણ હિન્દુધર્મ પાસે હિમાલયની ઊંચાઇ છે અને ફિલોસોફીકલ ડેપ્થ એટલે કે ઊંડાઇ પણ છે. આપણે આપણી જાતને ધન્ય માનવી જોઇએ કે આવી પરંપરામાં આપણે જન્મ્યા છીએ.
- શિષ્ય એટલે શાસિતમ્ યોગ્ય. પ્રેમમાં પ્યાસ અને તૃપ્તિ બન્ને હોય છે. જ્ઞાન સૂર્ય છે એટલે જેમ સૂર્ય એક સરખો પ્રકાશિત રહેતો નથી, સતત અજવાળું રહેતું નથી એમ જ્ઞાન રૂપી અજવાળું કાયમ રહેતું નથી.
- આપણા હાથમાં જ બધા તીર્થો છે. વડેરા પરિવારે આ સદકાર્ય દ્વારા ચારેય તીર્થોને તૃપ્ત કર્યાં છે. તમે તમારા પિતૃઓને તૃપ્ત કર્યા, જનતાજનાર્દનને તૃપ્ત કર્યા, કથા દ્વારા બ્રાહ્મણોને તૃપ્ત કર્યા, કથા દ્વારા ઋષિમુનિઓને યાદ કર્યા અને કથાએ વ્યાસજીને તૃપ્ત કર્યા છે.
રવિવારે બપોરે ૩.૦૦ વાગ્યે શરૂ થયેલી ભાગવતી રાત્રે ૧૦ વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ સાથે સંપન્ન થઇ હતી. વાસુદેવજી અને દેવકીજીના કંસના કારાવાસમાં અષ્ટભૂજાધારી નારાયણનાં દર્શન કર્યાં, વાસુદેવજીમાં ભગવાન નારાયણનું તેજ સમાય જતાં તેજોમય મુખમુદ્રા બની, દેવકીજીના ખોળે બાલસ્વરૂપે નારાયણનો જન્મ થયો એમ વર્ણન કરતાં વ્યાસપીઠ પરથી પૂ.ભાઇશ્રીએ બાલકૃષ્ણ લાલ"નો જયઘોષ કર્યો, શંખનાદ થયો.
કૃષ્ણ જન્મની કથા આગળ વધારતા પૂ.ભાઇશ્રી સુંદર રીતે વર્ણવે છે, "કંસના કારાવાસના દરવાજા આપોઆપ ખૂલ્યા, મથુરાથી વાસુદેવજી બાલકૃષ્ણને ટોપલામાં મૂકી ગોકુળ જતાં યમુનાજી પાર કરે છે ત્યાં સૂર્યપુત્રી યમુના મહારાણી નારાયણના પગને અડકવા અધીરાં બને છે. નારાયણ અંગૂઠો બહાર કાઢી યમુનાજીને ચરણસ્પર્શનો લાભ આપે છે. વાસુદેવજી રાત્રે ગોકુળમાં યશોદા-નંદજીને ઘેર બાલકનૈયાને મૂકી આવે છે. વહેલી પરોઢિયે નંદબાબા યશોદાજીના પડખે સૂતેલા બાલકૃષ્ણને નિહાળી આનંદ વિભોર બને છે. આવું સુંદર વર્ણન કરી વ્યાસપીઠ પર બિરાજમાન પૂ.ભાઇશ્રીએ ગોકુળમાં "નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલકી"નો જયઘોષ કરતાંની સાથે જ દદૂંભી ગાજ્યાં, ઢોલ-મંજીરા સાથે સિટી હોલ ગૂંજી ઊઠ્યો અને વડેરા પરિવારના સંજયભાઇ, વિપુલભાઇ, કલાવતીબેન, મીનાબેન, રીટાબેન તથા નીશાબેન અને અવિ, કવિ, દિલન, વિયાન સૌ રજવાડીઠાઠ સાથે બાલકૃષ્ણને ટોપલામાં પધરાવી વાજતે ગાજતે કથા મંડપમાં આવ્યા ત્યારે સૌ શ્રોતાજનો ભાવવિભોર બન્યા હતા. વ્યાસપીઠ પર બિરાજેલા પૂ.ભાઇશ્રીને પણ રજવાડી પાઘડી પહેરાવી હતી. આનંદ વિભોર વડેરા પરિવાર મંચ પર બાલકૃષ્ણને લઇને આવ્યા ત્યારે આતશબાજીથી વાતાવરણ ઝળહળી ઊઠ્યું હતું. વડેરા પરિવારના સૌ સભ્યોએ હર્ષોલ્લાસ સાથે મનમૂકીને મિઠાઇ-મિસરી ઉછાળી હતી.