લંડનઃ હીલિંગ લિટલ હાર્ટ્સ ચેરિટીને પ્રમોટ કરવાનો કાર્યક્રમ ગત સપ્તાહે લોર્ડ અને લેડી હમીદના નિવાસસ્થાને હેમ્પસ્ટીડમાં યોજાયો હતો. હાઉસ ઓફ લોર્ડ્સમાં લિબરલ ડેમોક્રેટ્સના ડેપ્યુટી લીડર લોર્ડ નવનીત ધોળકિયાએ લેસ્ટરના કન્સલ્ટન્ટ પીડિઆટ્રિશિયન ડો. સંજીવ નિચાની અને લંડનમાં હીલિંગ લિટલ હાર્ટ્સના એમ્બેસેડર ડો. ધર્મેશ દોશી સહિતના મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ડો. નિચાનીએ ચિરિટી જે મહત્ત્વના કાર્યો સાથે સંકળાયેલી છે તેના વિશે મહેમાનોને જણાવ્યું હતું.
બાળકો માટે સારવાર ઝડપથી મળતી નથી તેવા અલ્પવિકસિત દેશોમાં નવજાત શિશુઓ, બાળકો અને તરુણો માટે કાર્ડિયાક કેરના અભાવને પૂરવા હીલિંગ લિટલ હાર્ટ્સની ૨૦૦૭માં સ્થાપના કરાઈ હતી. ડો. નિચાનીએ જણાવ્યું હતું કે દર વર્ષે સારવાર નહિ કરાયેલા હૃદયરોગોથી ઓછામાં ઓછાં એક મિલિયન બાળકો મોતને ભેટે છે. યુકેમાં દર વર્ષે ૬,૦૦૦ બાળકો હૃદયરોગ સાથે જન્મે છે, જેમાંથી ૯૫-૯૬ ટકાની સફળ સારવાર થાય છે.
હીલિંગ લિટલ હાર્ટ્સ સૌથી ગરીબ દેશોમાં બાળકો પર હાર્ટ સર્જરી કરવા તેમજ સ્થાનિક ડોક્ટર્સ અને નર્સીસને બાળકોની કાર્ડિયાક કેરમાં તાલીમબદ્ધ કરવા ડોક્ટર્સ અને નર્સીસની વોલન્ટીઅર ટીમ્સ મોકલે છે. હીલિંગ લિટલ હાર્ટ્સ દર વર્ષે સરેરાશ ૨૦ ઈન્ટરનેશનલ કાર્ડિયાક કેમ્પ ચલાવે છે અને અને અત્યાર સુધી વિશ્વના ૧૧ દેશમાં ૧૭૫૯ નવજાત શિશુઓ, બાળકો અને તરુણો પર સર્જરી કરવામાં આવી છે. યુકે, યુરોપ, યુનાઈટેડ આરબ એમિરેટ્સ, ભારત અને ઓસ્ટ્રેલિયાથી ડોક્ટર્સ અને નર્સીસ સેવાભાવથી સામેલ થાય છે.
ડો. નિચાનીએ કહ્યું હતું કે હૃદયરોગોનું વિશાળ પ્રમાણ જોતાં મોટી સંખ્યામાં સેવાભાવી ટીમ્સ મોકલવાની તેમજ ગરીબ દેશોમાં આ સમસ્યાની નાબૂદીની જાગૃતિ સર્જવા સાથે મોટા પાયે ભંડોળ એકત્ર કરવાની પણ ખાસ જરૂર છે.