લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મેની ગેરહાજરીમાં પણ તેમના સત્તાવાર નિવાસસ્થાન ૧૦, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. થેરેસા મે સોમવાર ૧૬ ઓક્ટોબરની સાંજે બ્રેક્ઝિટ મંત્રણાઓ માટે બ્રસેલ્સમાં હતાં. જોકે, મેની કેબિનેટમાં એકમાત્ર ભારતીય સાંસદ અને સેક્રેટરી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ પ્રીતિ પટેલે દિવાળીની ઉજવણીનું યજમાનપદ સંભાળ્યું હતું, જેમાં યુકેના લગભગ તમામ હિન્દુ સંગઠનોએ હાજરી આપી હતી. ખંડની મધ્યમાં BAPS સ્વામીનારાયણ ટેમ્પલ દ્વારા સુશોભિત અન્નકૂટનું દર્શન કરી શકાતું હતું. ભારતીય હસ્તકલાથી સીડીઓને સુશોભિત કરાઈ હતી. પરંપરાગત ભારતીય વસ્ત્રોમાં સજ્જ બાળાઓએ મહેમાનોનું સ્વાગત પેંડાથી કર્યું હતું. કૃષ્ણા અવંતિ સ્કૂલના બાળકોએ સંસ્કૃતમાં પ્રાર્થના સાથે સલૂણી સાંજનો આરંભ કર્યા પછી શાસ્ત્રીય નૃત્યની રજૂઆત થઈ હતી. મહેમાનોમાં યુકેમાં ભારતીય મૂળના નવા કન્ઝર્વેટિવ લોર્ડ જીતેશ ગઢિયા સહિત સાંસદો અને ઉમરાવો તથા આર્મ્ડ ફોર્સીસના પ્રતિનિધિઓનો સમાવેશ થયો હતો. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર યશ કુમાર સિન્હા અને પ્રીતિ પટેલ દ્વારા દીપપ્રાગટ્ય સાથે ઉજવણીનો આરંભ થયો હતો. ભક્તિવેદાંત મેનોરના શ્રુતિધર્મા દાસે દિવાળીની ભાવનાને સુસંગત વ્યક્તિએ ‘કાર્યને વળગીને રહેવા’ વિશે ટુંકુ પ્રવચન આપ્યું હતું અને નાની વેદપ્રાર્થના પણ સંભળાવી હતી.
પ્રીતિબહેન પટેલે ૨૫૦થી વધુ મહેમાનોને સંબોધતાં એવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે,‘ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ ભારત અને યુકે વચ્ચે વિકસી રહેલા સંબંધો વધુ મજબૂત બનશે. વડા પ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની ભારત સરકાર બ્રિટનની મહાન મિત્ર છે. ગત ત્રણ વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતમાં મજબૂત નેતાગીરીનું પ્રદર્શન કર્યું છે તેમજ વિશ્વની અગ્રણી સત્તા અને આધુનિક રાષ્ટ્ર તરીકે ભારતનું સ્થાન પુનઃસ્થાપિત કર્યું છે.’
યુકેમાં વસતા ૧૫ લાખ ભારતીયોના સમુદાય પ્રત્યે આદર વ્યક્ત કરતાં તેમણે ઉમેર્યું હતું કે,‘દિવાળી એવો પ્રસંગ છે જ્યારે પરિવાર, મિત્રો અને સમાજ એકસાથે હળેમળે છે. આપણે ભૂતકાળને વાગોળીએ છીએ, ભવિષ્ય તરફ નજર કરીએ છીએ અને રામ-સીતાની કથાની યાદ અપાવતા ઉત્સવને સહભાગી બની માણીએ છીએ. અશુભ પર શુભ, અંધકાર પર પ્રકાશ અને અસત્ય પર સત્યના વિજયને ઉજવીએ છીએ. પડકારોથી ભરેલા વર્તમાન અનિશ્ચિત વિશ્વમાં આપણે સહુ કેવી રીતે મક્કમ અને આત્મવિશ્વાસી બની શકીએ તેની પ્રેરણા દિવાળીની કથામાંથી મેળવી શકીએ છીએ. બ્રિટિશ ભારતીય તરીકે આપણે મક્કમ અને આત્મવિશ્વાસી લોકો છીએ. બ્રિટનની ભારતીય કોમ્યુનિટીએ આ દેશને મહાન પ્રદાન કર્યું છે. દિવાળીની ઉજવણીની સાથોસાથ આપણા દેશને તમે આપેલા ફાળાને પણ હું ઉજવવા ઈચ્છું છું.’
ડાયસ્પોરાના ફાળા વિશે વધુ વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે,‘હર્ટફોર્ડશાયરના દિલિપ પટેલ અને કૃષ્ણા પૂર્ણા દેવી દાસીએ તેમના સ્થાનિક હરે કૃષ્ણ મંદિરમાં ૩૫ વર્ષ સ્વૈચ્છિક સેવા આપી છે. તેઓ સાથે મળી ભારતની બહાર સૌથી મોટા હિન્દુ ઉત્સવનું આયોજન કરે છે, જેમાં ૨૦ લાખ મુલાકાતીઓ હર્ટફોર્ડશાયર આવે છે. દિલિપ અને કૃષ્ણાના માર્ગદર્શન હેઠળ જન્માષ્ટમી ફેસ્ટિવલમાં ૧૫૦૦ સ્વયંસેવકો સંકળાય છે અને દર વર્ષે લાખો લોકો ખેંચાઈ આવે છે. આપણામાંથી ઘણા ભક્તિવેદાંત મેનોરની ઉજવણીઓમાં સામેલ થયાં છીએ. સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે તેનો પ્રભાવ અને વિસ્તાર વધારવામાં દિલિપ અને કૃષ્ણાનું કાર્ય નોંધપાત્ર છે.’
હાઈ કમિશનર વાય.કે. સિન્હાએ જણાવ્યું હતું કે,‘દિવાળી બ્રિટનના જીવનનો હિસ્સો બની ગઈ છે. હવે તે માત્ર હિન્દુ કે ભારતીય ઉત્સવ જ રહ્યો નથી, તે વૈશ્વિક ઉજવણી બની રહી છે. વિશ્વની સૌથી મોટી ડાયસ્પોરા વસ્તીઓમાંથી એક યુકેમાં વસતી હોય ત્યારે દિવાળીના ઉત્સવની ઉજવણી માટે વધુ સારું સ્થળ બીજું કયું હોઈ શકે.’ (૫૫૧)