યુગાન્ડાના ગોકુળીયા ગામ તરીકે જાણીતા બુસોગા ડીસ્ટ્રીક્ટના બુલોપાવાસીઅો રવિવાર તા.૧૪ જુન ૨૦૧૫ના રોજ લંડન અાવ્યા બાદ પ્રથમ વાર એકબીજાને મળ્યા એ એક યાદગાર પ્રસંગ બની રહ્યો. સાઉથ હેરોમાં અાવેલ ધામેચા લોહાણા સેન્ટરમાં ૪૫૦થી ૫૦૦ જેટલા ભાઇ-બહેનોએ એકબીજાને મળી વર્ષોની યાદોંનો ખજાનો ખોલતા અાનંદ -અાનંદ વરતાઇ ગયો હતો.
લંડન અાવ્યાને ૪૨ વર્ષના વ્હાણા વાયા બાદ ચાર-ચાર પેઢી સાથે સપરિવાર અાવેલ ભાઇ-બહેનોએ સવારના ચા-નાસ્તા, સંગીત અને સાંજના સ્વાદિષ્ટ શાકાહારી ભોજનની મિજબાની માણી. ગામની બહેન-દિકરીઅો સહિત સૌ કોઇને ભેગાં કરી ખુશીઅોની લ્હાણ કરવાનું શ્રેય ગામના ઉત્સાહી, સમાજસેવી વડિલ શ્રી પ્રભુદાસભાઇને ફાળે જાય છે. છેલ્લા છ મહિનાથી બુલોપાવાસીઅોને શોધી-શોધી ભેગાં કરવાનું અા ભગીરથ કાર્ય કરવામાં શ્રી સુરેશભાઇ રાજા અને શ્રી દિલિપભાઇ રાજાનું અનુદાન અને સહાયની ભૂમિકા પણ મહત્વપૂર્ણ હતી.
સૌ પ્રથમ સૌનું ભાવભીનું સ્વાગત કરતા શ્રી પ્રભુદાસભાઇએ સ્પોન્સરો, રાજા બંધુઅો, અંગત મિત્રો શ્રી કાન્તીભાઇ તથા કલ્યાણજીભાઇ ઠકરારનો ખાસ અાભાર માન્યો અને જણાવ્યું કે, "ગુજરાત સમાચાર” અાપણી કોમ્યુનીટીનું અખબાર છે અને હરહંમેશ અાપણને સપોર્ટ કરે છે. અાપણી પણ ફરજ છે કે, અાપણે એના સબસક્રાઇબર ન હોય તો બનવું જોઇએ. અા પ્રસંગે "ગુજરાત સમાચાર"ના પ્રતિનિધિ તરીકે પધારેલ કન્સ્લટીંગ એડીટર જ્યોત્સનાબેન શાહનું પણ શાલ અોઢાડી સન્માન કરાયું અને એમણે અાવો સરસ મિલન સમારંભ યોજવા બદલ શ્રી પ્રભુદાસભાઇ સહિત સૌ કોઇને ધન્યવાદ પાઠવ્યાં. બુલોપાવાસી શ્રી કિશોરભાઇ ગોંડલિયા અને ગૃપે કોઇપણ ચાર્જ લીધા વિના સુમધુર સંગીત પીરસ્યું અને મીરા સલાટે એની અાગવી અદાથી નૃત્યો પેશ કરી સૌના મન જીતી લીધાં.
અા પ્રસંગે પૂ.રામબાપાએ પધારી અાશીર્વચન પાઠવતા અાવા પ્રસંગો વારંવાર ઉજવાય જેથી એકતા-સંપ અને નિકટતા વધે એમ જણાવ્યું હતું. ગામના વડિલો સર્વશ્રી પ્રભાબેન રૂગાણી (૯૦), લલિતાબેન તન્ના (૮૮), શાંતાબેન રાજા (૮૫) અને રંજનબેન પટેલ (૮૦)નું સન્માન કરવામાં અાવ્યું અને પ્રભુદાસભાઇને પણ એમના ગામવાસીઅોને એકત્ર કરી ભારે જહેમત ઉઠાવવા બદલ શાલ અોઢાડી સન્માન કર્યું. અા પ્રસંગે એમણે જણાવ્યું કે, મારૂં સન્માન ન હોય!
અા પ્રસંગે શ્રી કાન્તીભાઇ અમલાણી તરફથી અાઇસ્ક્રીમની ભેટ સાદર કરાઇ હતી. ફોટોગ્રાફીની સેવા શ્રી સંદીપભાઇએ અાપી હતી.