બ્રેક્ઝીટ પછી આવેલી અણધારી ચૂંટણીઅો આ વખતે અલગ પરિણામો લાવે તો નવાઇ નહિં. કારણ એટલું જ છે કે આપણા ગુજરાતી ભારતીય મતદારોની પસંદગી બદલાઇ રહી છે, તો સામે પક્ષે તેને પારખીને બે મોખરાના પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગીમાં પણ ભારતીય અને ગુજરાતી મતદારોની લાગણી અને માગણી પર ખૂબજ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેનું ઉદાહરણ છે કોન્ઝર્વેટીવ પક્ષ દ્વારા પસંદ કરાયેલા ઉમદવાર અમિત જોગીયા અને લેબર દ્વારા પસંદ કરાયેલ ઉમેદવાર નવીનભાઇ શાહ.
કોન્ઝર્વેટીવ પાર્ટીના બ્રેન્ટ નોર્થના ઉમેદવાર અમીત જોગીયા એક સામાન્ય પરિવારમાંથી આવે છે. એક સમય હતો કે તેમનો પરિવાર ઘર વગરનો હતો અને અમીતનો ઉછેર કાઉન્સિલ એસ્ટેટમાં થયો હતો. અમીત નાના હતા ત્યારથી જ સ્થાનિક સમુદાયની જરૂરિયાતો અને મુશ્કેલીઅોને સમજે છે. સ્વાભાવિક છે કે અમીત તરફ સૌ એવી અપેક્ષા રાખે કે તે સૌ ભારતીયો વતી પાર્લામેન્ટમાં લડશે અને સમુદાયના સારા માટે બધા પ્રયત્નો કરશે.
ખૂબજ લોકપ્રિય અને અનુભવી નેતા નવીનભાઇ શાહ હેરો ઇસ્ટમાંથી ચૂંટણી લડી રહ્યા છે. તેઅો છેલ્લી ત્રણ ટર્મથી હેરો અને બ્રેન્ટ વિસ્તારમાંથી લંડન એસેમ્બલીની બેઠક પરથી જીતી રહ્યા છે અને વિશાળ રાજકીય અનુભવ ધરાવે છે. તેઅો પોતાના સામાજીક - સેવાભાવી કાર્યોને કારણે મશહૂર છે. સમુદાયના સદ્ભાવ માટે કાર્યરત નવીનભાઇ સમાનતામાં માને છે અને સમાજના લોકો તેમના માટે ગૌરવ લઇ શકે છે. પોલીસ, NHS અને શિક્ષણ ખર્ચ પર મૂકવામાં આવેલા કાપ પર નવિન શાહ લડવા માંગે છે.
મિત્રો, આ ઉપરાંત પણ ઘણાં ભારતીય અને ગુજરાતી સમુદાયના નેતાઅો દેશભરમાં ચૂંટણી લડી રહ્યા છે. આગામી ૮મી જૂન ગુરૂવારના રોજ આપનો કિંમતી અને પવિત્ર મત જરૂર આપજો.