આનંદ મેળવવા માટે કદી ઉંમર, નાત, જાત કે દેશનું બંધન નથી હોતું. સૌના આનંદ માટે પ્રતિ વર્ષ ઉજવાતા આનંદ મેળામાં અબાલ વૃધ્ધ સૌ કોઇ ઉમટી પડે છે. કોઇને સાડી ખરીદવામાં રસ હોય છે તો બાળકોને બરફ ગોળા ખાવામાં તો પછી કોઇને નવિન કુંદ્રા અને અન્ય કલાકારોના ગીતો અને નૃત્યોમાં રસ હોય છે. આ વર્ષે ૯૨ વર્ષની પાકટ વય ધરાવતા મોહનલાલ નાથુભાઇ શાહ આનંદ મેળામાં પધાર્યા હતા.
હાલ વેમ્બલી પાર્ક ખાતે રહેતા અને મૂળ સૌરાષ્ટરના પડાણા - રાસનપર ગામના વતની મોહનલાલ નાઇરોબીમાં સ્થાયી થયા હતા. ઇસ્ટ આફ્રિકા અને જામનગરમાં મોહનભાઇ ચાવાળાના નામે જાણીતા મોહનભાઇને તેમના આગમન માટે કારણ પુછ્યું તો તેઅો સહેજ માર્મિક હસ્યા અને કહ્યું કે "ભાઇ આજ-કાલ કેવો મેળો થાય છે તે જોવા આવ્યો છું. અમે તો જીવનમાં બહુ બધા મેળા જોય પણ લંડનમાં તમે કેવો મેળો કરો છો તે જોવાનું મન થયું એટલે આવી પહોંચ્યો. મને તો તમારો મેળો બહુ ગમ્યો.” મોહનલાલને વ્હીલચેર વિષે પૂછતાં જણાવ્યું હતું કે ભાઇ વ્હીલચેર આવે એટલે શું મઝા કરવાનું છોડી દેવાનું? મોહનલાલને તેમના પ્રપૌત્રી શ્વેતાબહેન શાહ લઇ આવ્યા હતા.
મોહનલાલ ચાવાળાની જેમ જ ઘણા વડિલો પોતાના પૌત્ર-પ્રપૌત્રોને લઇને મેળામાં મઝા માણવા આવ્યા હતા અને આનંદ મોજ મસ્તી કરી હતી.