‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ દ્વારા મધર્સ ડેની ઉજવણી નિમત્તે લંડન સ્થિત ભારતીય વિદ્યા ભવન ખાતે રવિવાર, ૨૬ માર્ચના રોજ સમી સાંજે સર્વે માતાઓ પ્રતિનું ઋણ અને આદર વ્યક્ત કરવા સંગીતમય માતૃવંદના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. મધર્સ ડે પ્રસંગે વિશેષ મેગેઝિન 'માતૃ વંદના' વિશેષાંકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લોર્ડ જિતેશ ગઢિયા, જાણિતા ઉદ્યોગપતિ ડો. રેમી રેન્જર CBE, ઇલીંગ સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્મા અને ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એમ.એન. નંદકુમાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કોકિલકંઠી ગાયિકા માયા દીપક અને સાથી કલાકારોએ શ્રોતાઅોને આ પ્રસંગને અનુરૂપ મંત્રમુગ્ધ કરતા ખાસ પસંદ કરાયેલા ગીતો - ભક્તિ ગીતો અને કાવ્યો રજૂ કર્યા હતા.
‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના લવાજમી ગ્રાહકો, વાચકો અને શુભેચ્છકો ભારતીય વિદ્યા ભવનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સલૂણી સાંજનો આરંભ સ્વાદિષ્ટ શાકાહારી ભોજનથી થયો હતો. જેને માણીને મહેમાનો કાર્યક્રમના આરંભની આતુરતાપૂર્વક રાહ જોતાં તેમની બેઠકો પર ગોઠવાયાં હતાં.
શ્રોતાઅોને મંત્રમુગ્ધ કરવા ખાસ ભારતથી પધારેલાં સર્વતોમુખી પ્રતિભા ધરાવતાં ગાયિકા માયા દીપકે તેમના વિશિષ્ટ અને સુમધુર સ્વર અને સૂરો સાથે સુગમ ગીત-સંગીતની રસલહાણ પીરસી હતી. હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતમાં તાલીમ પ્રાપ્ત માયાબહેન ગુજરાતના પ્રસિદ્ધ ગાયિકા છે અને પોતાના કાર્યક્રમો આપવા તેમણે સમગ્ર યુરોપ, મસ્કત, ભારત, અમેરિકા અને દુબઈના પ્રવાસો પણ ખેડ્યાં છે. તેમણે માતૃવંદના, માતૃભાષા અને માતૃભૂમિ વિશેના ગીતોથી શ્રોતાને ડોલાવ્યાં હતાં અને તાળીઅોના ગડગડાટ મેળવ્યો હતો.
ભવનના ઓફિસ સુપરવાઈઝર પાર્વતી નાયરની પ્રાર્થના સાથે કાર્યક્રમનો આરંભ થયો હતો. પ્રાર્થના પછી સાંસદો અને અન્ય અગ્રણીઓએ તેઓની વાત્સલ્યમૂર્તિ માતાઓ પ્રત્યે પ્રેમ, સન્માન અને ગૌરવ દર્શાવતા પ્રવચનો સાથે પોતાની લાગણીઓને વાચા આપી હતી.
લોર્ડ જિતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે,‘આપણે જ્યારે કોઈ પ્રત્યે સન્માન દાખવવા ઈચ્છતા હોઈએ ત્યારે હંમેશાં તેની આગળ ‘મધર’ શબ્દને સાંકળી મધર અર્થ, મધર ઈન્ડિયા, મધર ગંગા, મધર ટેરેસા કહી સંબોધન કરીએ છીએ.’ લોર્ડ ગઢિયા ૨૨ માર્ચે છ કલાક સુધી પાર્લામેન્ટમાં પુરાઈ રહ્યા હતા અને આ ‘ભયાવહ અનુભવે કેટલીક બાબતે પરિપ્રેક્ષ્યોને સ્પષ્ટ કર્યા હતા. લોકો ચિંતા સાથે મારી સલામતીની પૂછપરછ કરતા હતા. તેમણે મારી માતાને પણ ફોન કર્યા હતા.’ લોર્ડ જિતેશ ગઢિયાએ કહ્યું હતું કે, ‘ આજે આપણે થોડી પળો થોભીશું અને આપણી લોકશાહી પર કરાયેલા હિચકારા હુમલાનો ભોગ બનેલા લોકો અને તેમના પરિવારો પ્રત્યે આપણી લાગણી અને પ્રાર્થનાઓ પહોંચાડીશું. આજે હેડ કોન્સ્ટેબલ કિથ પાલ્મરની પુત્રી અને માતા કદી ન પૂરાય તેવી ખોટ અનુભવી રહ્યાં હશે. આપણે બધાં, સમગ્ર બ્રિટિશ ભારતીય અને બ્રિટિશ હિન્દુ સમુદાય, બધાં જ બ્રિટિશ અને બ્રિટિશ એશિયનોએ તેમના દુઃખની આ પળોમાં ખભા મિલાવીને ઉભાં રહેવું જોઈએ.’ લોર્ડ જિતેશ ગઢિયાએ આવા સ્મરણીય ઈવેન્ટના વિચાર-કલ્પના અને સફળ આયોજન બદલ ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
ઇલીંગ સાઉથોલના સાંસદ વિરેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે, ‘કોઈ પણ માતાએ આપેલાં બલિદાન અને પ્રદાનને સલામી આપવી જ જોઈએ, ભલે તે માતા શ્રીમંત હોય કે ગરીબ.’ તેમણે પોતાનાં પરિવાર પ્રત્યે માતાના પ્રતિબદ્ધતાની વાત કરી પુનરુચ્ચાર કર્યો હતો કે, ‘કોઈ માતા પોતાના બાળકને દુષ્ટ વ્યક્તિ બનવાનું શીખવતી નથી. તેઓ હંમેશાં સમાજની સેવા કરવાનું જ શીખવે છે. આપણે વિશ્વમાં સૌથી મહત્ત્વપૂર્ણ માનવી - માતાનું સન્માન કરીએ તેની આવશ્યકતા છે.’
શ્રી નંદકુમારે જણાવ્યું હતું કે, આપણી માતાનું ઋણ આપણે કદી ચુકવી શકીશું નહિ. આપણે વિશ્વમાતાના સદૈવ આભારી બની રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, ‘માતાથી મહાન દેવ કોઈ જ નથી. હું સીબી અને આપણી માતાઓને આદરાંજલિ અર્પવા અહીં એકત્ર થયેલા સહુનો આભારી છું. ચાલો, આપણે સાથે મળીને ‘માતૃ દેવો ભવ’ બોલીએ.’
ડો. રેમી રેન્જર CBEએ કલ્પનાદૃષ્ટિ સાથેના લોકો કેવી રીતે વિકાસ સાધે છે તેની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ‘માતા મહત્ત્વપૂર્ણ છે કારણકે તે આગામી પેઢીનું ઘડતર કરે છે. મારી માતાની દૃષ્ટિએ જ અમારું ઘડતર કર્યું હતું. આ દેશમાં હું એકમાત્ર એવી વ્યક્તિ છું, જેનું ક્વીન દ્વારા આઠ વખત સન્માન કરાયું છે. આ પ્રતાપ મારી માતાની દૃષ્ટિનો છે.’
આ ઉપરાંત હંસાબહેન ગઢિયા, હેમલતાબહેન લાડવા અને ભારુલતા કાંબલેને પણ પુષ્પગુચ્છ અર્પણ કરાયાં હતાં. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના દીર્ઘકાલીન સમર્થક બની રહેલાં કાન્તાબહેન પ્રભાકાંત પટેલનું પણ પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી કેન્યામાં શિક્ષીકા તરીકે સેવાઅો આપીને અગણિત વિદ્યાર્થીઅોના જીવન અને ઘડતરમાં મહત્વપૂર્ણ ભાગ ભજવનાર કાન્તાબહેન અને તેમના પતિ પ્રભાકાન્તભાઇએ સખાવતી પ્રવૃત્તીઅોમાં પણ મેદાન માર્યુ છે. ગુજરાતના જાણીતા કવિ શ્રી ન્હાનાલાલના દોહિત્રી કાન્તાબહેનને પુષ્પગુચ્છ અર્પણ કરાતા હોલમાં ઉપસ્થિત અગ્રણીઅો શ્રી હસુભાઇ માણેક, વંદનાબહેન જોશી સહિત કેટલાય વિદ્યાર્થીઅોએ પોતાના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવનાર કાન્તાબહેનને શુભેચ્છાઅો પાઠવી હતી. રવિવારે અમારા પૂર્વ મેનેજિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહનો જન્મદિન હતો અને પુષ્પો સાથે તેમને વધાવી લેવાયાં હતાં. માયા દીપકે તેમના માટે જન્મદિનનું ગીત ગાઈને માહોલ વધુ ઉત્સવપૂર્ણ બનાવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે એશિયન વોઇસના એસોસિએટ એડિટર સુશ્રી રૂપાંજના દત્તા અને ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા આપી એબીપીએલ ગૃપ દ્વારા પ્રતિ વર્ષ યોજાતા એશિયન એચિવર્સ એવોર્ડ, એશિયન વોઇસ પોલિટિકલ પબ્લિક લાઇફ એવોર્ડ, એશિયન વોઇસ ચેરિટી એવોર્ડ્સ, વડિલ સન્માન, શ્રવણ સન્માન અને વિદ્યાર્થીઅોને બિરદાવતા સરસ્વતિ સન્માન સમારોહ વિષે માહિતી આપી માતૃ વંદના કાર્યક્રમની મહત્વતા સમજાવી અને સમગ્ર બ્રિટનભરમાં યોજાયેલા કાર્યક્રમો અંગે માહિતી આપી તેમાં મોટા પ્રમાણમાં જોડાવા સૌને અપીલ કરી હતી. હતી. કાર્યક્રમનું સંચાલન કમલ રાવે કર્યું હતું.
વાચકો અને શુભેચ્છકોએ વરસાવેલા અપાર સ્નેહ બદલ ABPL તેમનો સૌનો અત્યંત આભાર વ્યક્ત કરે છે. ભારતીય વિદ્યાભવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત નહિં રહી શકેલા સર્વેને આગામી તા. ૧ એપ્રિલે બાર્કિંગ, ૨ એપ્રિલે ટાયસ્લી, બર્મિંગહામ, ૭ એપ્રિલે લેસ્ટર અને ૮ એપ્રિલે પ્રેસ્ટન ખાતે યોજાયેલા માતૃવંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માતૃવંદના કરી શકશે. વધુ માહિતી માટે જુઅો જાહેરાત પાન ૧૨.
(તસવીર સૌજન્યઃ રાજ ડી. બકરાણીઆ, PrMediapix)
(વિડીયોગ્રાફી: વિનીત જોહરી)