સ્પીકર હાઉસમાં ક્રોસ પાર્ટી દિવાળી ઉજવણી

Wednesday 03rd November 2021 07:28 EDT
 
 

સમગ્ર યુકેના હિંદુ કોમ્યુનિટીના સભ્યો સ્પીકર હાઉસમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવા માટે સાંસદો અને હાઉસ ઓફ કોમન્સના સ્પીકર સાથે જોડાયા હતા. લિન્ડસે હોયલના સ્પીકરપદ દરમિયાન યોજાયેલો આ ક્રોસ પાર્ટી કાર્યક્રમ ‘આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ’ હતો અને તેનું આયોજન નવેન્દુ મિશ્રા MP, શૈલેષ વારા MP અને વીરેન્દ્ર શર્મા MP એ સંયુકતપણે સ્પીકર લિન્ડસે હોયલની સાથે મળીને કર્યું હતું.
આ પર્વની ઉજવણીમાં સ્પીકર્સ સ્ટેટ રૂમ્સમાં હાજર રહેલા મહેમાનો સાથે હિંદુ પૂજારી પણ જોડાયા હતા. તેમણે આ તહેવારના મહત્ત્વના ભાગરૂપ અને અનિષ્ટ પર ઈષ્ટના વિજયના પ્રતીકરૂપ પરંપરાગત દીવો પ્રગટાવ્યો હતો.  
સાંસદો અને પીઅર્સની સાથે હિંદુ કોમ્યુનિટીના અગ્રણીઓ જોડાયા હતા. વડા પ્રધાન બોરિસ જહોન્સન COP 26માં ભાગ લઈ રહ્યા હોવાથી તેઓ આ ઉજવણીમાં હાજર રહી શકયા ન હતા.    
પરંતુ, તેમનો દિવાળી સંદેશ શૈલેષ વારાએ વાંચી સંભળાવ્યો હતો. તે જ રીતે કોવિડ – ૧૯ને લીધે સેલ્ફ આઈસોલેશનમાં રહેલા વિરોધપક્ષના નેતા સર કીર સ્ટાર્મરનો સંદેશ નવેન્દુ મિશ્રાએ વાંચી સંભળાવ્યો હતો.
સ્પીકર લિન્ડસે હોયલે જણાવ્યું હતું,‘ આ વર્ષે દિવાળીનું પર્વ ઉજવી રહેલા તમામ લોકોને હું શુભકામના પાઠવું છું. સ્પીકર્સ હાઉસમાં આ પ્રસંગ ઉજવાયો તે ખરેખર  સન્માનની બાબત છે. આપણે પ્રકાશના આ પર્વની ઉજવણીમાં પાર્લામેન્ટરી કોમ્યુનિટી અને મિત્રો સાથે જોડાયા છીએ તે ખૂબ મહત્ત્વની વાત છે.  
નવેન્દુ મિશ્રા MPએ જણાવ્યું હતું કે હાઉસ ઓફ કોમન્સમાં  સ્પીકર હાઉસમાં લિન્ડસે હોયલની સ્પીકરશીપ દરમિયાન પ્રથમ દિવાળી ઉજવણીની સહ યજમાની કરતાં તેઓ ખૂબ આનંદ અનુભવે છે. મને આશા છે કે હિંદુ અને શીખ કોમ્યુનિટી જે તહેવારોની ઉજવણી કરે છે તેના વિશે વધુ જાગ્રતિ ફેલાવવાની દિશામાં આ એક પગલું હશે. દિવાળીનું મહત્ત્વ સમજવામાં અને સ્ટેટ રૂમ્સમાં આ પ્રસંગની ઉજવણી કરવાની અમને પરવાનગી આપવા બદલ હું સ્પીકર લિન્ડસે હોયલનો આભાર માનું છું. આ પર્વ અંધકાર પર પ્રકાશના, અનિષ્ટ પર ઈષ્ટના અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયની ઉજવણીનું પર્વ છે, જે વાસ્તવમાં આપણી પાર્લામેન્ટના આદર્શોનો પ્રતિધ્વનિ છે.        શૈલેષ વારા MP એ ઉમેર્યું કે આપણે ફરી રૂબરૂમાં અને ખાસ કરીને સ્પીકર સ્ટેટ રૂમ્સની અદભૂત પાર્શ્વભૂમિમાં દિવાળી ઉજવી શકીએ છીએ તે ખૂબ સારી વાત છે. મંગળવારને ૨જી નવેમ્બર. અનિષ્ટ પર ઈષ્ટનો વિજય દિવાળીનું સૂચક છે અને આજનો દિવસ યુગોથી ખૂબ મહત્ત્વનો રહ્યો છે. તે મહામારીના કાળા પડછાયા પર વિજય મેળવવા માટે આશાનો સંદેશ આપે છે. આપણે ધીમે ધીમે મહામારીમાંથી બહાર આવી રહ્યા છીએ ત્યારે છેવટે તો અચ્છાઈનો વિજય થશે જ તેવી આશા અને વિશ્વાસ આપણે જાળવી જ રાખવા જોઈએ.    વીરેન્દ્ર શર્મા MP એ જણાવ્યું હતું કે તમામ હિંદુ તહેવારોમાં સૌથી અગત્યના તહેવાર દિવાળીની ઉજવણીનું પાર્લામેન્ટમાં સહઆયોજન કરવું તે રાજકારણમાં એકતાની સૌથી મહત્ત્વની પળ છે. અમે અગાઉ પણ પાર્લામેન્ટમાં દિવાળીની ઉજવણી કરી છે. પરંતુ, સ્પીકર્સ હાઉસ અને સ્ટેટ એપાર્ટમેન્ટ્સમાં તેનું આયોજન કરવું તે ખરેખર વિશિષ્ટ રહ્યું હતું. આ દેશ માટે સેંકડો વર્ષોથી હિંદુ અને શીખ કોમ્યુનિટીએ સમર્પણ અને સખત મહેનત કરી છે. પરંતુ, ખાસ કરીને છેલ્લાં બે વર્ષમાં કોવિડ – ૧૯નો સામનો કરવામાં જે કાર્ય કર્યું છે તે પ્રેરણાદાયક છે. ભવિષ્યમાં પણ  આ મુખ્ય તહેવારની દર વર્ષે ઉજવણી થાય તેવી અપેક્ષા છે. પ્રકાશનો સંદેશ અને ભલાઈનો વિજય અગાઉ કરતાં હાલ ખૂબ મહત્ત્વનો છે. તેમણે સૌને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.      
આ કાર્યક્રમમાં SBI UK એ કેટરિંગ સ્પોન્સર કર્યું હતું. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter