લંડનઃ ૭/૭ના ત્રાસવાદી હુમલાની દસમી વરસીએ ફરીથી ત્રાસવાદનો આતંક ફેલાવવાનું ષડયંત્ર રચનારા દંપતી સાના અહમદ ખાન અને મોહમ્મદ રહેમાનને ઓલ્ડ બેઈલી કોર્ટે ૩૦ ડિસેમ્બરે આજીવન કેદની સજા ફરમાવી છે. સાનાએ ઓછામાં ઓછાં ૨૫ વર્ષ અને રહેમાનને ઓછામાં ઓછાં ૨૭ વર્ષ જેલમાં ગાળવા પડશે. સાનાએ તેના પતિ મોહમ્મદ સાથે મળી ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ લેવેન્ટ (Isil) પ્રેરિત સ્યુસાઇડ બોમ્બિંગનું ષડયંત્ર ઘડ્યું હતું. કાવતરાખોર દંપતીનું લક્ષ્ય વેસ્ટફિલ્ડ શોપિંગ સેન્ટર અથવા લંડન અન્ડરગ્રાઉન્ડ નેટવર્કનું હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ થઈ હતી. જજ મિ. જસ્ટિસ બેકરે ચેતવણી આપી હતી કે તેઓ પોતાના કટ્ટર ઈસ્લામી મત નહિ છોડે તો કદાચ કદી જેલમુક્ત નહિ કરાય. ટ્રાયલમાં રહેમાન અને સાનાએ એકબીજા વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા.
દંપતી ૭/૭ના આત્મઘાતી બોમ્બર શેહઝાદ તન્વીરના ભક્ત બની ગયા હતા અને રહેમાને પોતાની શહીદીની વિડિયો પણ તૈયાર કરી હતી. તે ‘સાયલન્ટ બોમ્બર’ નામે ઓનલાઈન રહેતો હતો અને તેણે ક્યાં હુમલા કરવા જોઈએ તેની પૂછપરછ ટ્વીટર ફોલોઅર્સને કર્યાના પગલે પોલીસને શંકા જાગી હતી. મે મહિનામાં તેની ધરપકડ થઈ હતી. પોલીસે તેના રીડિંગ ખાતે ઘરના શેડમાંથી હાથબનાવટના વિસ્ફોટકો જપ્ત કર્યા હતા.
યુનિવર્સિટી ઓફ ગ્રીનિચથી ઈંગ્લિશની સ્નાતક સાના ખાને પોતાના પગાર અને પેડે લોન્સનો ઉપયોગ બોમ્બ ફેક્ટરી માટે કેમિકલ્સ ખરીદવાના ભંડોળ તરીકે કર્યો હતો. તેનું સ્વપ્ન ‘શહીદ’ની વિધવા તરીકે સીરિયામાં Isil સાથે જોડાવાનું હતું. મેજિસ્ટ્રેટ માતાની પુત્રી સાનાએ દયા રાખવાની અરજ કરી હતી, પરંતુ જજે ફગાવી દીધી હતી. જજે કહ્યું હતું કે બન્ને આરોપી જનતા માટે જોખમી છે. રહેમાનના પરિવારે તો કહ્યું હતું કે બન્ને આ માટે જ લાયક હતા.