લેસ્ટરમાં શ્રૃતિ આર્ટ્સ મ્યુઝીકલ ગૃપની સ્થાપના કરી સ્થાનિક સમાજમાં ભારતીય સંગીતને વહેતું કરવામાં અને સંગીત પ્રતિ રૂચી- રસ જગાવવામાં અમૂલ્ય પ્રદાન આપનાર ચંદુભાઇ મટ્ટાણીના નામથી મોટાભાગના ગુજરાતીઓ પરિચિત છે. એમણે પોતાનો સંગીત વારસો દિકરા હેમંતભાઇને, વહુ પ્રીતિબેન તથા પૌત્રીને આપ્યો છે. વારસાગત આ સંસ્કારો એક મોટી મૂડી છે. ચંદુભાઇએ સોના રૂપાના નામ હેઠળ ઘણાં બધાં સંગીત આલ્બમો પ્રસિધ્ધ કર્યા છે અને અનેક નામી કલાકારોને આમંત્રી કાર્યક્રમો રજુ કરવાનું સ્તુત્ય કાર્ય કર્યું છે.
તેઓશ્રી સદેહે આપણી વચ્ચે નથી પરંતુ એમની પ્રેરણાથી પુત્રશ્રી હેમંતભાઇએ પિતાશ્રીની બીજી પુણ્યતિથિ (તા.૨૮-૭-૨૦)ની સ્મૃતિરૂપે ચંદુભાઇના કંઠે ગવાયેલ આધ્યાત્મિક પ્રાર્થનાઓની સી.ડી. “હરિ ઓમ" પ્રસિધ્ધ કરી સુયોગ્ય અંજલિ અર્પી છે.
એમની ઇચ્છા હતી કે, સારા કે નરસા સમયે પ્રાર્થનાઓ ઘર-ઘરમાં ગવાવી જોઇએ. ખાસ કરીને આ દેશમાં જન્મેલ યુવા પેઢી માટે આસાનીથી, શુધ્ધ ઉચ્ચારો સહિત ગાઇ શકે એવી ધૂનો, પ્રાર્થનાઓ હોવી જોઇએ. આપણી સવારની શુભ શરૂઆત શ્લોક, મંત્રગાન અને પ્રાર્થનાથી થાય એ હેતુથી આવી સી.ડી. પ્રસિધ્ધ કરવાનું પિતાજીનું સપનું હતું જે સુપુત્ર હેમંતભાઇએ પૂર્ણ કર્યું છે.
સામાન્ય માન્યતા એવી હોય છે કે, પ્રાર્થના કોઇ સ્વજનના મૃત્યુ વેળા જ ગવાય પરંતુ એ સમજ ભૂલભરેલીછે. મુશ્કેલીના સમયમાં પ્રાર્થના આપણને અભયદાન આપે છે. કોરોનાના સમયમાં વ્યક્તિ જ્યારે એકાંત કે ડીપ્રેશનની લાગણી અનુભવે ત્યારે આ પ્રાર્થનાઓના શ્રવણથી મનને શાંતિ અને સાંત્વના મળે છે.
"બાપુજીના જવાનું દુ:ખ તો થાય પરંતુ આ સી.ડી.માં એમનું સંગીત જીવંત છે. એ જે કામ કરી ગયા છે એનો અમને પરમાનંદ છે." એમ હેમંતભાઇએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું. આ સી.ડી.નું પ્રથમ ભજન હરિ ઓમ હરિહરને ગાયું છે અને સંગીત હેમંતભાઇ આપેલ છે. ચંદુભાઇના કંઠમાં ઇશાવસ્યમ્, હરિ ઓમ તત્સત્, હે નાથ જોડી, મંગલ મંદિર ખોલો પ્રાર્થનાઓ અને છેલ્લા મા ગીતમાં "મા હૈ કેવલ મા"માં ચંદુભાઇના સ્વર અને સંગીત સમાયેલ છે. સા...થી સંગીતની શરૂઆત અને મા થી જીવનની શરૂઆત થાય છે.
એ સિવાય જાણીતા કલાકારો આશિત-હેમા દેસાઇ, સંજીવ અભ્યંકર, આલાપ દેસાઇ, અનુપ જલોટા આદીના સૂરોની સંગતથી સર્જાયેલ આ આલ્બમનું શ્રવણ અવાર-નવાર કરવાનું મન થાય એવું છે. કુટુંબમાં એક સાથે બેસી ભક્તિ કરવાથી પ્રેમ અને નિકટતા જળવાઇ રહે છે.