લંડનઃ સ્વરોજગાર ધરાવતા લોકો પર બજેટમાં NICમાં વધારાની ચાન્સેલર ફિલિપ હેમન્ડની દરખાસ્ત આખરે અભરાઈએ ચડાવી દેવાઈ છે. ગત બજેટમાં નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં વધારાથી બે વર્ષના ગાળામાં ૨ બિલિયન પાઉન્ડની આવક મેળવવાનો વિચાર રજૂ કરાયો હતો. જોકે, તેની સામે ચૂંટણીમાં મતદારોનો વિરોધ સ્પષ્ટ નજરે પડ્યો હતો અને ટોરી પાર્ટીએ બહુમતી ગુમાવી હતી.
વડા પ્રધાન થેરેસા મેના ડેપ્યુટી ડેમિયન ગ્રીને બીબીસી રેડિયો ૪ના ટુડે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં ટોરી પાર્ટીને મળેલી પછડાટના લીધે આ દરખાસ્તો ફરી લાવવાનો પ્રયાસ નહિ કરાય. ગ્રીને જણાવ્યું હતું કે સરકાર મેથ્યુ ટેલરના રિપોર્ટ સંદર્ભે નવી નીતિઓ જાહેર કરશે પરંતુ, સ્વરોજગારી વર્કર્સ પર ક્લાસ-૪ નેશનલ ઈન્સ્યુરન્સ ફાળાને વધારવાની દરખાસ્ત તેમાં નહિ હોય. પૂર્વ RSA ચીફ એક્ઝિક્યુટિવ મેથ્યુ ટેલર દ્વારા વિશાળ અર્થતંત્રની સમીક્ષા કરવામાં આવી છે, જેમાં ઘણા કામદારને સેલ્ફ એમ્પ્લોઈડ તરીકે ગણવામાં આવે છે.
ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ગ્રીને જણાવ્યું હતું કે હાઉસ ઓફ કોમન્સમાં પણ NICમાં વધારાની દરખાસ્તો પુનઃ નહિ લવાય તેમ અમે કહ્યું જ છે. આ પછી, વડા પ્રધાનના સત્તાવાર પ્રવક્તાએ પણ આ જાહેરાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે આના પર ધ્યાન અપાયું છે અને અમે તેને ટેકો આપવાના નથી.