લેસ્ટર ઇસ્ટના એમપી અને બ્રિટીશ એશિયન સમુદાયના લોકપ્રિય નેતા શ્રી કિથ વાઝે શ્રી હરીશભાઇ પટેલને શ્રધ્ધાસુમન અર્પણ કરતાં જણાવ્યું હતું કે 'સ્વ. શ્રી હરીશ પટેલ બ્રિટીશ એશિયન સમુદાયના મહામાનવ હતા. એ સાચુ છે કે તેમણે બ્રિટન વતી એથલેટીક્સમાં ગોલ્ડ મેડલ નહોતો જીત્યો કે પછી વેમ્બલી સ્ટેડીયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં વિનીંગ ગોલ નહોતો કર્યો. પરંતુ જો માણસનું મુલ્ય આંકવા બેસીએ તો તેઅો ખરા અર્થમાં મહામાનવ હતા. તેમનું અકલ્પનીય અવસાન આપણને સૌને દુભવી ગયું છે. કિપલીંગએ એક ખૂબજ સરસ વાક્ય લખ્યું હતું કે "માણસો રાજા સાથે ચાલે છે પણ સામાન્ય સ્પર્શને ગુમાવતા નથી.” આ વાક્ય હરીશ પટેલ માટે જ જાણે કે ૧૦૦ વર્ષ પહેલા લખાયું હતું.'
શ્રી કિથ વાઝે શ્રધ્ધાંજલિ અર્પતા જણાવ્યું હતું કે 'તેમનો હસમુખો સ્વભાવ, તેમની ઉદારતા, પત્ની ગીતાબેન પરત્વેનો પ્રેમ તેમજ બાળકો પૂજન અને જાનકી પ્રત્યેની તેમની લાગણી તેમને અલગ સવિશેષ વ્યક્તિ બનાવતા હતા. કમનસીબે આપણે સૌ તેમને હવે જોઇ શકીશું નહિં તે દુ:ખભર્યું છે.'