લંડનઃ વિશ્વ હિન્દુ પરિષદ, યુકેના નેજા હેઠળ બુશી એકેડેમી ખાતે ૧૯ માર્ચે પાંડવ વિદ્યાશાળા હોળી રંગ ઉત્સવ ૨૦૧૬ની ઉજવણીનો આરંભ હર્ટ્સમીઅરના સાંસદ ઓલિવર ડાઉડનના હસ્તે કરાયો હતો. હર્ટ્સમીઅરમાં આ સર્વ પ્રથમ હિન્દુ ઉજવણી હતી, જેનો હેતુ હિન્દુ કોમ્યુનિટીને સાથે લાવવાનો હતો. પાંડવ વિદ્યાશાળા હોળી રંગ ઉત્સવ ૨૦૧૬ હિન્દુઓનો રંગોનો તહેવાર છે, જેમાં લોકો એકબીજા સાથે સુકા રંગીન પાવડર અને રંગીન પાણી છાંટી ઉત્સવની મોજ માણે છે.
બુશી એકેડેમીના એક આયોજક દિના ભુડીઆએ જણાવ્યું હતું કે,‘ આ મજાના ઉત્સવને લોકોએ મન ભરીને માણ્યો હતો. ૨૦૦થી વધુ લોકોએ હાજરી આપી હતી. અમે અવશ્ય આવો કાર્યક્રમ ફરી કરીશું. હોળી ઉત્સવ વિશે નાની કથા કહેનારા અમારા ચેરમેન ડો. ત્રિભોવન જોટાંગિયાની ઉપસ્થિતિના આશીર્વાદ પણ અમને મળ્યા હતા. આ કાર્યક્રમ માટે ઓલિવર ડાઉડને ટેકો આપ્યો ત્યારે તેમને આટલા રંગાઈ જવાશે તેવી કલ્પના પણ નહિ હોય.’
કાર્યક્રમનું આયોજન અનેક વોલન્ટીઅર્સ દ્વારા સંચાલિત ગુજરાતી અને હિન્દુ ધર્મ સ્કૂલ- પાંડવ વિદ્યા શાળા દ્વારા કરાયું હતું. સમગ્ર વિશ્વમાં ઉજવાતો આ ઉત્સવ અશુભ પર શુભના વિજય તેમજ વસંત ઋતુના આગમનનું પ્રતીક છે. સાંસદ ડાઉડને જણાવ્યું હતું કે,‘આ સુંદર ઉજવણી, રંગ અને આનંદથી ભરપૂર હતી. ગંદકી થવા છતાં લોકોને માણતાં જોવાનો પણ આનંદ હતો. આખો સમુદાય સાથે મળીને ઉજવણી કરે તેવો અદ્ભૂત તહેવાર છે.’