લંડનઃ ટ્રાન્સપોર્ટ ફોર લંડન એટલે કે TFL દ્વારા મેટ્રોમાં કરાતી એનાઉન્સમેન્ટમાં હવે ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન’ શબ્દો સાંભળવા નહિ મળે. ટ્રાન્સપોર્ટ ફોર લંડને ૧૩ જુલાઈ, ગુરુવારે આ જાહેરાત કરી હતી. સંબોધનમાં લૈંગિક સમાનતા લાવવા માટે લંડન મેટ્રો સ્ટાફે હવે પોતાનું એનાઉન્સમેન્ટ ‘હેલો એવરીવન’ કહીને શરૂ કરવું પડશે.
લંડનના મેયર સાદિક ખાને કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ TFLવધારે સમાન રીતે બોલે. TFL એક જીવંત, વિવિધતાથી ભરેલા અને બહુસાંસ્કૃતિક શહેરમાં કામ કરે છે. આવી પરિસ્થિતિમાં સમાન વ્યવહાર અને સંબોધન આપવાનો TFLનો ઉદ્દેશ પણ પૂરો કરી શકાય છે. TFL કસ્ટમર સ્ટ્રેટેજીના ડાયરેક્ટર માર્ક એવર્સે જણાવ્યું હતું કે એનાઉન્સમેન્ટની ભાષાસમીક્ષા કરી તેમા લંડનની વિવિધતાની ઝલક હોય એ દિશામાં નિર્ણય લેવાયો છે.
જોકે, આ નિર્ણય પાછળ LGBT ગ્રૂપ (લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સસેક્સ્યુઅલ અને અન્ય લોકોના જૂથ)ની મુખ્ય ભૂમિકા છે. આ ગ્રૂપ લાંબા સમયથી ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન’ સંદર્ભે વિરોધ અભિયાન ચલાવી રહ્યું હતું. ગ્રૂપના સભ્યોનું કહેવું હતું કે ભલે ‘લેડિઝ એન્ડ જેન્ટલમેન’ સાંભળવામાં સભ્યતા દેખાતી હોય. પરંતુ હવે એ જૂનું થયું છે, આને બદલવાની જરૂર છે. જેના પગલે TFLએ આ નિર્ણય લીધો છે